Gujarati News

Gujarati News

News of Friday, 10th August 2018

અમદાવાદ : રતનપોળ-ગાંધીરોડ વિસ્તારોમાં તમામ અતિક્રમણ દૂર

સરખેજ વિસ્તારમાં સતત ચોથા દિવસે તંત્રની આક્રમક કાર્યવાહી : શહેરના ખાડિયા, કાંકરિયા, સારંગપુર, ઘાટલોડિયા, વિરાટનગર, સારંગપુર સર્કલ સહિતના વિસ્તારોમાં બુલડોઝર ફરી વળ્યા : વેપારીઓમાં ભારે ફફડાટ

અમદાવાદ,તા.૯ : શહેરમાં ટ્રાફિકની સમસ્યા નિવારણ અને ગેરકાયદે બાંધકામો-દબાણો દૂર કરવાની છેલ્લા દસ-બાર દિવસથી ચાલી રહેલી કાર્યવાહી આજે શહેરના સરખેજ, રતનપોળ, ગાંધી રોડ, ખાડિયા, કાંકરિયા, સારંગપુર, ઘાટલોડિયા, વિરાટનગર, સારંગપુર સર્કલ સહિતના વિસ્તારોમાં અમ્યુકો તંત્રનું બુલડોઝર ફર્યું હતું. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે અમ્યુકો તંત્ર દ્વારા ૩૦૦થી વધુ પોલીસ જવાનોની હાજરીમાં ડિમોલિશન ડ્રાઇવ પાર પાડવામાં આવી હતી. તંત્ર દ્વારા મોટાપાયે ગેરકાયદે દબાણો, બાંધકામો દૂર કરી આ વિસ્તારોમાં માર્ગો ખુલ્લા કરવામાં આવ્યા હતા. રતનપોળ અને ગાંધીરોડ પર પણ તંત્રની ડિમોલિશન ડ્રાઇવ અને દબાણો દૂર કરવાની કામગીરીને લઇ સ્થાનિક વેપારીઓ, દુકાનદારો અને ફેરિયાઓમાં સહેજ નારાજગીની લાગણી ફેલાઇ હતી. દરમ્યાન અમ્યુકો તંત્ર દ્વારા આડેધડ દબાણો કે બાંધકામ દૂર કરાય તેના બદલે રતનપોળ કાપડ મહાજનના પ્રમુખ અને ખજાનચીએ વેપારીઓ માટે એક સરક્યુલર જારી કરી વેપારીઆલમને સૂચના આપી હતી કે, આપણાં બજારના તમામ દુકાનના બોર્ડ જે પણ શટરની બહાર હોય તેને જાતે ઉતારી લેવા. જો સરકારી કામગીરી થશે તો તેનો ચાર્જ પણ લાગશે અને નુકશાન પણ ભોગવવું પડશે, તો તમામ વેપારીઓએ પોતાના બોર્ડ ઉતારી લેવા. આ સૂચનાનો તાત્કાલિક અમલ કરવો. વેપારીઓની દુકાનો કે એકમોને કોઇ બિનજરૂરી નુકસાન ના થાય તે હેતુથી આ સૂચના જારી કરાઇ હતી. જેને પગલે મોટાભાગના વેપારીઓએ સ્વેચ્છાએ જાતે જ ગેરકાયદે રીતે લગાવાયેલા, વધારાયેલા બોર્ડ અને દબાણો ખસેડી લીધા હતા અને તંત્રની કામગીરીમાં સહકાર આપ્યો હતો. દરમ્યાન આ જ પ્રકારે શહેરના સરખેજ, કાંકરિયા, ઓઢવ, નરોડા, કાગડાપીઠ, વિરાટનગર સહિતના વિસ્તારોમાં પણ અમ્યુકો તંત્રના અધિકારીઓ દ્વારા બુલડોઝર, જેસીબી મશીન, દબાણોની ગાડીઓ સાથે ડિમોલિશન ડ્રાઇવ ચલાવવામાં આવી હતી અને આ વિસ્તારોમાં પણ મોટાપાયે ગેરકાયદે દબાણો અને બાંધકામો દૂર કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, શહેરના સરખેજ વિસ્તારમાં છેલ્લા ચાર દિવસથી સતત ડિમોલિશન ડ્રાઇવ ચાલી રહી છે, આ વિસ્તાર અને તેનો સમગ્ર પટ્ટો મોટો હોવાથી તંત્રને વધુ મહેનત કરવી પડી છે પરંતુ લોખંડી પોલીસ બંદોબસ્ત સાથે તંત્રએ અહીં મોટાપાયે સપાટો બોલાવ્યો છે. તો, અમદાવાદ શહેરના ઈતિહાસમાં પ્રથમ વખત કોટ વિસ્તારના અતિ સંવેદનશીલ ગણાતા ભઠિયાર ગલી, ઢાલગરવાડ, પાનકોરનાકા, ત્રણ દરવાજા સહિતના દબાણો તોડી પાડવામાં આવ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશન અને પોલીસની સંયુકત ટીમો દ્વારા ભારે મક્કમતાપૂર્વક અહીંના વિસ્તારોમાં ડિમોલિશન હાથ ધરાયું હતું. સામાન્ય રીતે, રથયાત્રા, મહોરમ જેવા તહેવારો હોય ત્યારે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા માટે શાંતિ સમિતિની બેઠકો મળતી હોય છે પણ પહેલી વખત આ વિસ્તારોમાં દબાણો ખસેડવા માટે છેલ્લા ત્રણ દિવસથી શાંતિ સમિતિની બેઠકો મળી હતી અને તેઓને હાઇકોર્ટના ચુકાદાની સમજ અને શહેરના આયોજન અને સુખાકારીમાં ઉમેરો કરવાના ભાગરૂપે ટ્રાફિક નિયમન અને ડિમોલિશન ડ્રાઇવમાં પૂરતો સહકાર આપવા સમજાવાયા હતા.

(8:19 pm IST)
  • વહેલી ચૂંટણીની અટકળને અમિતભાઇ શાહને ફગાવી ;ભાજપ અધ્યક્ષ અમિતભાઇ શાહે કહ્યું કે વિપક્ષ એકતાની વાતો થાય છે પરંતુ અવિશ્વાસ પ્રસ્તાવ અને રાજ્યસભામાં ઉપસભાપતિની ચૂંટણીમાં બધાએ જોયું શું થયું :શાહે છત્તીસગઢ,રાજસ્થાન અને મધ્યપ્રદેશની ચૂંટણી જીતવાનો દાવો કર્યો access_time 12:52 am IST

  • કેનેડાના નોર્થ બ્રન્સવિકમાં આડેધડ ફાયરિંગ : 4 લોકોના મોત : ઘરની બહાર ન નીકળવા પોલીસની સૂચના : એક આરોપીની ધરપકડ access_time 8:20 pm IST

  • યમનમાં બસ પર હવાઈ હુમલો :29થી વધુ બાળકોના મોત :30 ઘાયલ ;ઉતરી યમનમાં અશાંત વિસ્તારમાં આ હાવૈ હુમલો સાઉદી અરબના નેતૃત્વવાળા ગઠબંધન દ્વારા એક બસ પર કરાયો :આ ગઠબંધન હુથી વિદ્રોહી વિરુદ્દ લડતા યમન સરકારનું સમર્થન કરે છે :આ હુમલા સમયે બસ શાદ વિસ્તારના દહયાન બજારમાં પસાર થતી હતી access_time 12:57 am IST