Gujarati News

Gujarati News

News of Friday, 10th August 2018

રીક્ષાઓના પિકઅપ-પાર્કિંગ પોઇન્ટ ઉભા કરવાની તૈયારી

ટ્રાફિક પોલીસ-કોર્પોરેશનની વિચારણા શરૂ થઇ : શહેરમાં પ્રાથમિક તબક્કે દસ હજાર જેટલા રીક્ષા પિકઅપ પોઇન્ટ બનાવવા તંત્રનું આયોજન : અગ્રણીઓ સાથે બેઠક

અમદાવાદ, તા.૯ : શહેરમાં ટ્રાફિક સમસ્યામાં રીક્ષાઓનાં આડેધડ પાર્કિંગ પણ જવાબદાર હોઇ હાઇકોર્ટે આ મામલે કરેલા નિર્દેશો બાદ રાજય સરકાર અને અમ્યુકો તંત્ર તેમ જ પોલીસ-ટ્રાફિક તંત્રએ હવે શહેરના ઓટોરીક્ષાચાલકોને ઓડિયો-વીડિયો તાલીમ આપવાની દિશામાં ગંભીર કવાયત હાથ ધરી છે. સાથે સાથે રીક્ષાચાલકો સાથે ચર્ચા વિચારણા કરી તેમને વિશ્વાસમાં લઇને શહેરના વિવિધ વિસ્તારોમાં પિક અપ પોઇન્ટ અને પાર્કિંગ પોઇન્ટ ઉભા કરવાની દિશામાં પણ ચક્રો ગતિમાન કર્યા છે. આ માટે પિક અપ પોઇન્ટ અને રિક્ષા સ્ટેન્ડ આઇડેન્ટીફાય કરવાની પ્રક્રિયા પણ ચાલી રહી છે. શહેરમાં વિવિધ વિસ્તારોમાં માર્ગો પર રીક્ષાચાલકો ગમે ત્યાં રિક્ષા ઊભી રાખી દેતા હોય છે, જેના કારણે પણ ટ્રાફિક જામ થાય છે. આડેધડ વાહન પાર્કિંગ બાદ પોલીસે હવે રીક્ષાચાલકોના આડેધડ પાર્કિંગની સમસ્યાનો ઉકેલ લાવવાનું આજથી શરૂ કર્યું છે. ટ્રાફિક પોલીસે મ્યુનિસિપલ કોર્પોરેશન અને રિક્ષા એસોસીએશનના અગ્રણીઓ સાથે ભેગાં મળી શહેરનાં દરેક વિસ્તારમાં રિક્ષા પિકઅપ પોઇન્ટની જગ્યા નક્કી કરવાની દિશામાં કવાયત આરંભી છે. શહેરમાં અંદાજિત બે લાખ જેટલી રીક્ષા છે. જો કે, નોંધાયેલી રજિસ્ટર્ડ રીક્ષાનો આંકડો માત્ર ૬૦,૦૦૦ જ મનાઇ રહ્યો છે. રીક્ષાચાલકોનાં ગમે તે જગ્યાએ ઊભા રહી જવાના કારણે ખૂબ મોટી સમસ્યા થતો હોવાનો મુદ્દો પણ ગુજરાત હાઇકોર્ટમાં ઊઠ્યો હતો જેને લઇ હવે શહેરમાં ૧૦,૦૦૦ જેટલા રીક્ષા પિકઅપ પોઇન્ટ બનાવવામાં આવશે. આ અંગે ટ્રાફિક ડીસીપી અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે, અમદાવાદ મ્યુનિ. કોર્પો. અને રીક્ષાચાલકોને સાથે રાખી અમે શહેરના દરેક વિસ્તારમાં રીક્ષા માટે પિકઅપ પોઇન્ટ નક્કી કરીશું. ચાર રસ્તા પર પ૦ મીટરને છોડીને કઇ જગ્યાએ કેટલી રીક્ષાને ઊભી રાખવા માટે પરમિશન આપવી તે બાબત નક્કી કરવામાં આવશે. અલગ અલગ જગ્યાએ ૧૦,૦૦૦ પિકઅપ પોઇન્ટ નક્કી કરવાની કામગીરી ચાલી રહી છે. રીક્ષા સ્ટેન્ડનાં સાઇનબોર્ડ અને રીક્ષા ઊભી રાખવાના પાર્કિંગ પોઇન્ટ કોર્પોરેશન સાથે મળી નક્કી કરવામાં આવશે.  પિક અપ પોઇન્ટ નક્કી કરાયા બાદ તે જગ્યાથી જ રિક્ષાચાલકો મુસાફરોને ઉતારી અને બેસાડી શકશે. જો અન્ય જગ્યાએ રિક્ષા ઊભી રાખશે તો તેઓની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવશે. જો કે, રીક્ષાચાલક એસોસીએશનના હોદ્દેદારોનું માનવું છે કે, અગાઉ પણ રીક્ષાઓ માટે પિક અપ પોઇન્ટની દરખાસ્ત થયેલી છે પરંતુ તેની અમલવારી થઇ શકી નથી. હજુ પણ દસ હજાર પિક અપ પોઇન્ટ નક્કી કરવાની વાત છે તે પૂરતી નથી. ટ્રાફિક પોલીસ અને અમ્યુકો સત્તાવાળાઓએ આ પિક અપ પોઇન્ટનો આંક હજુ વધારવો જોઇએ કે જેથી શહેરના વિવિધ વિસ્તારોમાં વસતા નાગરિકોને રીક્ષા સેવાનો લાભ મળી રહે.

(8:19 pm IST)
  • વહેલી ચૂંટણીની અટકળને અમિતભાઇ શાહને ફગાવી ;ભાજપ અધ્યક્ષ અમિતભાઇ શાહે કહ્યું કે વિપક્ષ એકતાની વાતો થાય છે પરંતુ અવિશ્વાસ પ્રસ્તાવ અને રાજ્યસભામાં ઉપસભાપતિની ચૂંટણીમાં બધાએ જોયું શું થયું :શાહે છત્તીસગઢ,રાજસ્થાન અને મધ્યપ્રદેશની ચૂંટણી જીતવાનો દાવો કર્યો access_time 12:52 am IST

  • બ્રિટિશ ઍરલાયન્સ પર ભડક્યા ઋષિકપુર ; ફેન્સને કહ્યું આઍરલાયન્સમાં ક્યારેય યાત્રા ના કરો : તેને બ્રિટિશ ઍરલાયન્સને રંગભેદી પણ ગણાવ્યું: બર્લિનમાં બાળકોની ઘટના સાંભળીને આઘાત લાગ્યો : મારી સાથે એકવાર નહીં બે વાર અભદ્ર વ્યવહાર થયો access_time 1:04 am IST

  • વડોદરામાં ચાંદીનો મોટો જથ્થો પકડાયો :નવાપુરા પોલીસે પકડયો જથ્થો :100 કિલો ચાંદીનો જથ્થો: કારમાં ચાંદી લઈને જતા બે શખ્સોની પોલીસે કરી અટકાયત :બંને શખ્સોની પુછપરછ : મોટી માત્રામાં ચાંદીનો જથ્થો પકડાતા વિવિધ એજન્સી કામે લાગી access_time 10:48 pm IST