Gujarati News

Gujarati News

News of Friday, 10th August 2018

વડનગર નરેન્‍દ્રભાઇ મોદીથી જેટલું જાણીતું છે તેેટલું જ તેના પૌરાણિક સાંસ્‍કૃતિક વારસા માટે જાણીતું

વડનગરઃ ગુજરાતનું ગામનું નામ પડે એટલે લગભગ દરેક લોકોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ યાદ આવે. નાનકડા ગામથી શરુ કરીને સૌથી વધુ લોકપ્રીય વડાપ્રધાન બનવા સુધીની સફરના કારણે વડનગર આજે દુનિયાભરના લોકોના મોઢે છે. પરંતુ તમને ખબર છે કે નહીં વડનગર મોદી માટે જેટલું ઓળખાય છે તેટલું તેના પૌરાણીક સાંસ્કૃતિક વારસા માટે પણ જાણિતું છે. અહીંની જમીનમાંથી નિકળતો ઇતિહાસ લગભગ 2-3 હજાર વર્ષ જૂનો છે.

અહીં ખોદકામ દ્વારા અનેક બૌદ્ધ કાલિન મઠોના અવશેષ મળ્યા છે જે દર્શાવે છે કે વડનગર તે સમયે ખૂબ મોટું સાંસ્કૃતિક કેન્દ્ર રહ્યું હશે. ચાઇનિઝ ઇતિહાસકારોએ પણ તેમના પ્રવાસીઓ દ્વારા વડનગરનો ઉલ્લેખ તે સમયે કરવામાં આવ્યો હોવાનું જણાવે છે. ત્યારે તાજેતરમાં વડનગરના ઘાસકોલ વિસ્તારમાંથી એક ગ્રે સ્ટોન મળી આવ્યો છે જેના પર એક મુખાકૃતિ બનાવવામાં આવી છે. ASIના મતે કલાકૃતિ સ્થાનિક સાંસ્કૃતિક વારસાની સમૃદ્ધતા દર્શાવે છે.

કળાકૃતિની 4cm X 2cm ઉંચી અને પહોળી છે. ભારતીય પુરાતત્વ વિભાગના જણાવ્યા પ્રમાણે સ્ટ્રક્ચર 5-10મી સદીની આસપાસનું હોઈ શકે છે. અહીંથી તે સમયગાળાના 50થી વધુ ચલણી સિક્કા પણ મળ્યા છે. તેમજ કળાકૃતિને બૌદ્ધ સંસ્કૃતિ સાથે જોડવામાં આવ્યું છે. પુરાતત્વ વિભાગના રિપોર્ટ મુજબ અહીં કેટલાક એવા પણ સ્ટક્ચર મળ્યા છે જે .પૂ.ના સમયગાળાના પણ છે. ત્યાંરથી લઈને 10મી સદી સુધી સતત 2200 વર્ષ સુધી અહીં સાંસ્કૃતિક કેન્દ્ર રહ્યાનું સામે આવે છે. ભારતમાં બહુ ઓછી જગ્યાએ એવી છે જ્યાં આટલા વર્ષ સુધી સતત માનવજીવન ધબકતું રહ્યું હોય.

7મી સદીમાં ભારત આવેલ ચાઇનિઝ પ્રવાસી હી-યુ-એન ત્સાંગે પણ પોતાના પ્રવાસ વર્ણનોમાં વડનગરે એક સમૃદ્ધ સાંસ્કૃતિક કેન્દ્ર ગણાવ્યું છે. નિષ્ણાંતોએ અહીં મળી આવેલા અવશેષોનો સમયગાળો જાણવા માટે કાર્બન ડેટિંગ અને ઓપ્ટિકલ સ્ટિમ્યુલેટ લ્યુમિનેસેન્સ પદ્ધતિનો ઉપયોગ કર્યો છે. ઉચ્ચ પુરાતત્વ અધિકારીએ કહ્યું કે, જમીનમાંથી મળતા વિવિધ અવશેષોની ખરી કાલગણના માટે અમે એકથી વધુ મેથડનો ઉપયોગ કરીએ છીએ. અત્યાર સુધીમાં 18 લેયરના ખોદકામમાં અમને 36 જેટલા સેમ્પલ અવશેષ મળ્યા છે.

(6:26 pm IST)