Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

પૈસા ભગવાન નથી પણ ખુબ જરૂરી છેઃ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી

વિધાનસભાનાં કર્મીઓ માટે વેલ્થ મેનેજમેન્ટ પર પ્રવચન : હેલ્થ મેનેજમેન્ટની સાથે વેલ્થ મેનેજમેન્ટ પણ આજના સમયની માગ છે ત્યારે નાણાં બચત પર અધ્યક્ષે ભાર મૂક્યો

ગાંધીનગર, તા.૧૦ : પૈસા ભગવાન નથી પણ જરૂરી છે, એમ ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ ગુજરાત વિધાનસભાના કર્મયોગીઓ માટે વેલ્થ મેનેજમેન્ટ વિષય પર પ્રવચન કાર્યક્રમ દરમિયાન તેમના વક્તવ્યમાં કહ્યું હતું. તેમણે વધુમાં કહ્યું કે, વિશ્વનું ચક્ર પૈસાના ચક્રમાં ચાલે છે. કોરોનાની મહામારીમાં બધાને ખ્યાલ આવી ગયો છે. નાની મોટી રોજી પૈસા કમાવી આપે છે ત્યારે બચત અત્યંત જરુરી છે.ગુજરાત વિધાસભા ખાતે ગ.વા.માવળંકર સંસદીય અભ્યાસ અને તાલીમ બ્યુરોના ઉપક્રમે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીની અધ્યક્ષતામાં ગુજરાત વિધાનસભાના કર્મયોગીઓ માટે વેલ્થ મેનેજમેન્ટ વિષય પર પ્રવચન કાર્યક્રમ યોજાયો હતો.

રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, હેલ્થ મેનેજમેન્ટની સાથે વેલ્થ મેનેજમેન્ટ પણ આજના સમયની માંગ છે ત્યારે નાણાંની બચત સાથે તેનું સુયોગ્ય આયોજન કરવું જરૂરી છે. કોરોના મહામારી ને કારણે નાગરિકોના આર્થિક આયોજનને પણ અસર પહોંચી છે એવા સમયમાં આ પ્રવચન કાર્યક્રમ અત્યંત ઉપયોગી નીવડશે.

ત્રિવેદીએ ઉમેર્યુ હતું કે, ગુજરાત વિધાનસભા ખાતે ગણેશ વાસુદેવ માવળંકર સંસદીય અભ્યાસ અને તાલીમ બ્યુરો દ્વારા અત્યાર સુધી ૧૩૭ તાલીમ કાર્યક્રમો વિવિધ વિષયો પર યોજવામાં આવ્યુ છે. છેલ્લા એક-બે વર્ષથી સંસદીય વિષયો ઉપરાંત હેલ્થ અવેરનેસ વેલ્થ અવેરનેસ યોગ, એક્યુપ્રેશર મનોચિકિત્સા, હેલ્થ એન્ડ સ્ટ્રેસ મેનેજમેન્ટ અને ટેક્નોલોજીનો માનવ જીવન પર પ્રભાવ જેવા વિવિધ ઉપયોગ/વિષય ઉપર તાલીમ કાર્યક્રમો યોજવામાં આવે છે.

ચાર્ટર્ડ એકાઉન્ટેન્ટ સિદ્ધાર્થ ભટ્ટે વેલ્થ મેનેજમેન્ટ વિષય પર માર્ગદર્શન આપતા કહ્યું હતું કે, કોવિડ-૧૯ મહામારી દરમિયાન હેલ્થ એન્ડ વેલ્થ એક સિક્કાની બે બાજુ છે તેમ સાબિત થઈ ચૂક્યું છે. બચત અને રોકાણ એટલે શું? અને રોકાણ ક્યાં અને કેટલું કરવું જોઇએ? બેંકમા રોકાણના કેટલા અને ક્યા વિકલ્પો છે? તથા કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ બચત અને રોકાણ સંબંધિત યોજનાઓ વિશે માહિતી આપી હતી

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ નિલેશ શાહે બચત, રોકાણ અને આવકના સ્ત્રોતોનું સર્જન સંદર્ભે માર્ગદર્શન આપતા કહ્યું હતું કે, બચત અને રોકાણ યોગ્ય દિશામાં હશે તો આપોઆપ આવકના સ્ત્રોતોનું સર્જન થશે. આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભા સચિવાલયના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.

(8:32 pm IST)