Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી આવતીકાલે સુરતની મુલાકાતે :૧૨૮૦ કરોડના વિકાસ કામોની ભેટ આપશે :

મુખ્યમંત્રી સુરત ખાતે પાલ-ઉમરા બ્રિજ સહિત વિવિધ વિકાસકામોના લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કરશે: ડાયમંડ બ્રૂઝની મુલાકાત લેશે: નરોત્તમ ભાઈ પટેલના પુસ્તકનું વિમોચન કરશે

 અમદાવાદ :  મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સુરત મહાનગરમાં હાથ ધરાયેલા ૧૨૮૦ કરોડના વિવિધ વિકાસ કામોની ભેટ નગરજનોને આપવા રવિવાર ૧૧ જુલાઈ-૨૦૨૧ના સુરતની મુલાકાતે જશે.મુખ્યમંત્રી વિજયભાઈ સુરત માં નિર્માણ થઈ રહેલા ડાયમંડ બ્રુસ ની મુલાકાત લઈ ને તેમના સુરત પ્રવાસ નો આરંભ કરશે.
સુરત મહાનગરમાં આર્થિક રીતે નબળા વર્ગો સહિત ગરીબ-મધ્યમવર્ગીય પરિવારો માટે પ્રધાનમંત્રી આવાસ યોજના અને અન્ય આવાસ યોજનાઓના ૪૩૧૧ EWS આવાસો ની ચાવી લાભાર્થીઓને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અર્પણ કરવાના છે. આ આવાસો ૩૦૭ કરોડના ખર્ચે નિર્માણ પામ્યા છે.
મુખ્યમંત્રી આ સાથે જ સુરત મહાનગરમાં શહેરી જનજીવન સુવિધા વૃદ્ધિના અન્ય કામો પણ સંજીવકુમાર ઓડિટોરીયમ ખાતે યોજાનારા સમારોહમાં સુરતવાસીઓને ભેટ ધરશે.
તદ્દનુસાર, સુરત શહેરમાં BRTS-2 અન્વયે ઉમરા-પાલ વિસ્તારને જોડતો રૂ. ૮૯.૯૯ કરોડનો નવો બ્રિજ તાપી નદી પર નિર્માણ થયો છે તેનું પ્રજાર્પણ  વિજયભાઈ રૂપાણી કરશે.
મુખ્યમંત્રી સુરત મહાનગરપાલિકા દ્વારા તૈયાર થયેલા રૂ. ૧૨૯.૭૬ કરોડના ૧૮૬૫ આવાસો અને સુડા દ્વારા ૬૭.૬૧ કરોડના કુલ ૧૬૮૯ આવાસોના કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો પણ આ અવસરે કરવાના છે.
ભારત સરકારની અમૃત યોજના અંતર્ગત સુરત મહાનગરમાં વિવિધ સ્યુએઝ ટ્રિટમેન્ટ પ્લાન્ટ અને તેના વિસ્તૃતિકરણના કામો ૬૮૫ કરોડના ખર્ચે હાથ ધરાયા છે તે પણ સુરતવાસીઓની સેવામાં મુકાશે.
મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણી આ વિકાસ કામોની ભેટ આપવા સુરતની મુલાકાત સાથોસાથ રાજ્યના પૂર્વ મંત્રી  નરોત્તમભાઇ પટેલના જીવન-કવનના પુસ્તક ‘અંતરના ઝરૂખે’થીનું વિમોચન પણ કરવાના છે.
નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ, ભાજપા પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ,  કેન્દ્રીય રેલવે રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબહેન જરદોશ, આરોગ્ય રાજ્યમંત્રી કુમારભાઈ કાનાણી તેમજ સુરત શહેરના ધારાસભ્યો, મહાનગરપાલિકાના પદાધિકારીઓ આ અવસરે મુખ્યમંત્રી સાથે ઉપસ્થિત રહેવાના છે.

 
(7:33 pm IST)