Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

૪ વર્ષ કેસ લડ્યા બાદ પતિ-પત્ની રાજીખુશીથી છૂટા પડ્યા

છૂટા પડવામાં દંપતીઓ વર્ષો વેડફે છે ત્યારે દ્રષ્ટાંતરૂપ કિસ્સો : આ દંપતીએ મનમાં એકબીજા પ્રત્યે કડવાશને બદલે એકબીજાને ખાજા ખવડાવ્યા અને કાયમ માટે છૂટા પડ્યા

સુરત, તા.૧૦ : ઘણીવાર છૂટાછેડાના કેસો વર્ષો સુધી લડીને પતિ-પત્ની યુવાનીના અમૂલ્ય વર્ષો વેડફી નાખતા હોય છે. જોકે, સુરતમાં ચાર વર્ષ સુધી કેસ લડ્યાં બાદ કાયદાકીય લડાઈ લાંબી ખેંચવાને બદલે એક કપલે રાજીખુશીથી છૂટા પડવાનો નિર્ણય લઈ એક નવી શરુઆત કરી છે. દંપતીએ મનમાં એકબીજા પ્રત્યે કડવાશ રાખવાને બદલે એકબીજાને ખાજા ખવડાવ્યા હતા, અને રાજીખુશીથી તેઓ કાયમ માટે છૂટા પડ્યા હતા.

સુરતના ઓલપાડ વિસ્તારમાં રહેતા હર્ષાબેને (નામ બદલ્યું છે)ના લગ્ન વડોદરામાં રહેતા પરેશભાઈ (નામ બદલ્યું છે) સાથે થયાં હતાં. જોકે, થોડા સમયમાં તેમના લગ્નજીવનમાં સમસ્યાઓ સર્જાવા લાગી હતી. મનમેળ ના થતાં તેઓ પાંચ- વર્ષથી એકલા રહેતાં હતાં. દરમિયાન હર્ષાબેને પતિ વિરુદ્ધ ઘરેલુ હિંસાનો જ્યારે પતિએ લગ્નના હક્કો પુનઃસ્થાપિત કરવા માટે કેસ કર્યો હતો.

છેલ્લા ચાર વર્ષથી દંપતી વચ્ચે કાયદાકીય લડાઈ ચાલી રહી હતી. લાંબી કાયદાકીય લડાઈ દરમિયાન તેમને લાગ્યું હતું કે તેમનું એકબીજા સાથે રહેવું હવે અશક્ય છે, અને કોર્ટમાં કેસ પણ લાંબો ખેંચવાનો અર્થ નથી તેવામાં હવે રાજીખુશીથી અલગ પડવાનો વિકલ્પ સૌથી શ્રેષ્ઠ છે. બંને પક્ષકારોએ આખરે મધ્યસ્થીનો માર્ગ અપનાવી તેમણે સમાધાનથી છૂટા પડી જવાની પ્રક્રિયા શરુ કરી હતી.

જેના ભાગરુપે તેમણે એકબીજા સામે કરેલા કોર્ટ કેસ પણ પાછા ખેંચી લીધા હતા. કાયદાકીય લડાઈ સમાપ્ત કર્યા બાદ તેમણે એકબીજાના સારા ભવિષ્યનો વિચાર કરતાં કોર્ટમાં છૂટાછેડાની અરજી કરીને ખાજા ખાઈ અલગ થવાનો નિર્ણય લીધો હતો.

 ઉલ્લેખનીય છે કે, ફેમિલી કોર્ટમાં ઘણા કિસ્સામાં છૂટાછેડાના કેસો વર્ષો સુધી ચાલતા હોય છે, ઘણા મામલામાં તો પતિ કે પછી પત્નીના ઈગોને કારણે કાયદાકીય લડાઈનો અંત નથી આવતો. તેવામાં કોર્ટનું ભારણ તો વધે છે, પરંતુ તેની સાથે કાયદાકીય લડાઈમાં સામેલ મહિલા કે પુરુષ પણ પોતાના જીવનની નવી શરુઆત નથી કરી શકતા.

એક સમયે છૂટાછેડા ખૂબ મોટી વાત કહેવાતી, પરંતુ હવે સંયુક્ત કુટુંબ વ્યવસ્થા પડી ભાંગતા ડિવોર્સ પણ જાણે સામાન્ય વાત બની રહી છે અને તેને સમાજમાં અલગ નજરે પણ નથી જોવાતા. તેવામાં જો કપલ્સ કારણ વિના કાયદાકીય લડાઈ લાંબી ખેંચવાને બદલે પરસ્પરની સમજૂતીથી છૂટા પડી જાય તો તેમાં તેમનું હિત સમાયેલું છે.

(7:24 pm IST)