Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

ગાંધીનગરમાં શાહપુર સર્કલ નજીક કારમાં લઇ જવાતા 9.76 કિલાં ગાંજાના જથ્થા સાથે પોલીસે એક શખ્સની ધરપકડ કરી

ગાંધીનગર : રાજયમાં હાલ નશીલા પદાર્થોની હેરાફેરી અને વેચાણ અટકાવવા સીઆઈડી ક્રાઈમે ડ્રાઈવ શરૃ કરી છે ત્યારે ગાંધીનગરના શાહપુર સર્કલ પાસેથી કારમાં લઈ જવાતા ૯.૮૭૬ કીગ્રા ગાંજાના જથ્થાને ઝડપી લેવામાં આવ્યો હતો અને ગાંજો રાખનાર શાહપુરના શખ્સની પોલીસે ધરપકડ કરી લીધી હતી. આ ગાંજો તે ગાંધીનગરમાં છુટક વેચાણ કરતો હોવાનું પણ પોલીસની તપાસમાં બહાર આવ્યું છે. જે આરોપી સામે અગાઉ હત્યાનો ગુનો પણ નોંધાયો હતો.  

રાજયમાં છેલ્લા થોડા સમયથી નશીલા પદાર્થોનું ચલણ વધ્યું છે ત્યારે પોલીસ આવા કેફી પદાર્થોની હેરાફેરી અને વેચાણ અટકાવવા માટે પણ દોડી રહી છે. ગાંધીનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ગાંજા અફીણની કુટેવ ધરાવતાં શખ્સો પણ વધી રહયા છે ત્યારે સીઆઈડી ક્રાઈમની ટીમને બાતમી મળી હતી કે ગાંધીનગરના શાહપુર સર્કલ પાસેથી એક શખ્સ કારમાં ગાંજોનો જથ્થો લઈને પસાર થવાનો છે. જે બાતમીના પગલે સીઆઈડી ક્રાઈમની ટીમે ગઈકાલે મોડી સાંજે વોચ ગોઠવી હતી. જે બાતમીવાળી કાર નં.જીજે-૧૮-બીએમ-૧૩૦૬ આવતાં તેને શાહપુર સર્કલથી ચિલોડા જવાના માર્ગ ઉપર ઝડપી લેવામાં આવી હતી અને તેમાં સવાર શખ્સ અશોક ડાહયાભાઈ પટેલ રહે.રબારીવાસ શાહપુરને ઝડપી લેવાયો હતો. પોલીસે તપાસ કરતાં આ કારમાંથી ૯.૮૭૬ કીગ્રા ગાંજો મળી આવ્યો હતો. ૯૮૭૬૦નો ગાંજો જપ્ત કરવામાં આવ્યો હતો. જે સંદર્ભે પુછપરછ કરતા આ ગાંજો ચેખલાનો પઠાણ નામનો શખ્સ આપતો હોવાનું જણાવ્યું હતું અને અવારનવાર તેની પાસેથી આઠથી દસ કીલો ગાંજો લેતો હોવાનું તેમજ ગાંધીનગરમાં અલગ અલગ વ્યક્તિઓને વેચતો હોવાનું કબુલ્યું હતું. પોલીસે હાલ તો નાર્કોટીકસ એકટ હેઠળ ગુનો નોંધીને અશોક પટેલની ધરપકડ કરી છે. અશોક પટેલ સામે અગાઉ હત્યાનો ગુનો પણ નોંધાયો હતો. 

(6:11 pm IST)