Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

વડોદરાના પીઆઇ અજય દેસાઇની પત્‍ની સ્‍વીટીને શોધવા માટે વિદેશમાંથી પુત્રએ ફેસબુકના માધ્‍યમથી લોકોની મદદ માંગીઃ હત્‍યારની શંકાના આધારે બિનવારસ મૃતદેહની તપાસ

વડોદરા: કરજણના પીઆઈએ અજય દેસાઈની ગુમ પત્ની સ્વીટીબેન પોલીસ માટે કોયડો બની છે. સ્વીટીને શોધવા પોલીસ તમામ દિશામાં ઘોડા દોડાવી રહી છે. પરંતુ હજી સુધી કોઈ પુરાવો હાથ લાગ્યો નથી. પાટણ, દહેજમાં કરજણ પોલીસે તમામ પ્રયાસો કર્યા, પણ સ્વીટીબેન જીવિત કે મૃત હોવાનું કંઈ જ હાથમાં આવ્યું નથી. કરજણ પોલીસ સાથે અલગ અલગ 100 ઉપરાંતની પોલીસની શોધખોળ ચાલુ છે. અવાવરું કુવા, તળાવો, વાવ, નદીઓમાં પોલીસે તપાસ કરી છે. દહેજમાં ત્રણ જેટલા ડ્રોનની મદદ પણ લેવાઈ. સ્વીટી પટેલ છેલ્લા એક મહિનાથી ગુમ છે. તો બીજી તરફ, સ્વીટી પટેલનો પુત્ર માતાને શોધવા માટે વિદેશમાં રહીને કેમ્પઈન ચલાવી રહ્યો છે. પુત્રએ ફેસબુકમાં WHERE IS MY MOM નામનું એકાઉન્ટ પણ બનાવ્યું છે. પુત્ર પોતાની માતાને શોધવા લોકો પાસે મદદ માંગી રહ્યો છે.

મમ્મીને શોધવા પુત્રનું અભિયાન

સ્વીટી પટેલના પુત્ર રિધમ ફેસબુક પેજ પર લખ્યું કે, મારું નામ રિધમ છે અને મને તમારી હેલ્પ જોઈએ છે. આ મારી મમ્મી સ્વીટી પટેલ છે, જે 4 જૂન 2021 થી ગુમ થયેલ છે. તે પોતાના કરજણના ઘરથી ગુમ થયા છે. મેં આ પેજ મારી માતાની માહિતી મેળવવા માટે શરૂ કર્યું છે. જો તમારી પાસે તેને લગતી કોઈ માહિતી હોય તો જણાવો. મારી મમ્મીને શોધવા મારી મદદ કરો.

સ્વીટીની હત્યાની શંકાથી મૃતદેહોની તપાસ કરી

ગુમ થયાના એક મહિના બાદ સ્વીટીની હયાતીના કોઈ પુરાવા મળ્યા નથી. તેથી પોલીસે હવે બીજી દિશામાં તપાસનો દોર શરૂ કર્યો છે. રાજ્યના બિનવારસી મૃતદેહોની શોધખોળ બાદ પોલીસે પાડોશી રાજ્યોમાં બિનવારસી મૃતદેહોની તપાસ તરફ ધ્યાન કેન્દ્રિત કરતાં હત્યાની શંકા સેવાઈ રહી છે. રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાંથી બિનવારસી મૃતદેહોની માહિતી એકત્ર કરવા સાથે તપાસ શરૂ કરી છે.

પીઆઇનાં પત્નીને શોધવા ટેક્નિકલ સર્વેલન્સનો સહારો પણ લેવાયો છે પણ કોઇ કડી મળી શકી ન હતી. પીઆઈ અજય દેસાઈના ગુમ પત્ની સ્વિટી પટેલની ત્રીજા દિવસે પણ દહેજમા શોધખોળ કરાઈ. દહેજ પંથકના ઝાડી ઝાંખરા અને અવાવરું બિલ્ડીગોમાં પોલીસે તપાસ કરી હતી. સ્વીટી પટેલની હત્યાની આશંકાએ ત્રણ રાજ્યોમા મળેલા મૃતદેહોની તપાસ પણ શરૂ કરવામા આવી છે. રાજસ્થાન,મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાથી માહિતી મંગાવવામા આવી છે. તો બીજી તરફ, પીઆઈ અજય દેસાઈનો ગઈકાલે એસડીએસ ટેસ્ટ કરવામાં આવ્યો હતો.

તો બીજી તરફ, પાટણમાં ડોક્ટરના ફેફિયતના આધારે પોલીસે સ્વીટી સાથે દેખાયેલી વ્યક્તિનો સ્કેચ તૈયાર કરાવ્યો છે, જેની તપાસ માટે પોલીસની એક ટીમ પાટણ પહોંચી ગઈ છે અને તેણે તપાસ શરૂ કરી છે.

(4:25 pm IST)