Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

૧૩ થી ૨૦ જુલાઇ દરમિયાન ૪ થી ૧૫ ઇંચ વરસાદ પડવાની આગાહી

બસ બે-ત્રણ દિવસ ગરમી અને બફારો સહન કરવો પડશે : હવામાન વિભાગ

અમદાવાદ તા. ૧૦ : રાજયભરમાં અત્યારે ગરમી અને બાફ વાળું વાતાવરણ છે. વાવાણી થઈ ગઈ છે અન વરસાદ ખેંચાતા ખેડૂતોને વાવેતર નિષ્ફળ જવાનો ડર સતાવી રહ્યો છે. ગુજરાતભરમાં ખેડૂતો કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા છે. આ પરિસ્થિતિમાં ખેડૂતોને રાહત આપનારા સમાચાર હવામાન વિભાગ તરફથી મળી રહ્યા છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, શનિવારના દિવસથી દક્ષિણ ગુજરાતમાં ફરીથી વરસાદની શરુઆત થશે. સમગ્ર ગુજરાતની વાત કરીએ તો, ચાર દિવસ પછી રાજયભરમાં અતિભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત આગાહી કરવામાં આવી છે કે ૧૩થી ૨૦ જુલાઈ દરમિયાન રાજયના વિવિધ વિસ્તારોમાં ૪થી ૧૫ ઈંચ સુધીનો વરસાદ પડી શકે છે. સોમવારના રોજ રથયાત્રા છે ત્યારે રથયાત્રા પર અમીછાંટણા થવાની પણ શકયતા હવામાન વિભાગે વ્યકત કરી છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, થોડા દિવસોમાં વરસાદની આગાહી તો છે જ પણ તે પહેલા લોકોએ કાળઝાળ ગરમી અને અસહ્ય બફારો સહન કરવો પડી શકે છે. જો જયોતિષીઓની વાત કરીએ તો, તેમના જણાવ્યા અનુસાર પર શનિવારથી દક્ષિણ ગુજરાતમાં વરસાદની શરૂઆત થશે. આ સિવાય ૧૩થી ૨૦ તારીખ વચ્ચે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.

ખાસ કરીને દરિયા કિનારાના વિસ્તારો, દક્ષિણ ગુજરાત, પૂર્વ ગુજરાતમાં વરસાદની શકયતા છે. હવામાન વિભાગની આગાહી છે કે ચાર દિવસ પછી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની શકયતા છે. ઘણાં સમયથી ગુજરાતીઓ વરસાદની રાહ જોઈ રહ્યા છે ત્યારે અષાઢી બીજથી રાજયમાં મેઘરાજાની પધરામણી થશે. ઉલ્લેખનીય છે કે અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળશે અને કહેવામાં આવે છે કે રથયાત્રા પર જો અમીછાંટણા થાય તો તે વર્ષ શહેરીજનો માટે ફળદાયી સાબિત થાય છે.

(11:35 am IST)