Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

રાજયમાં મેઘરાજાની હાથતાળી વચ્ચે અઢી ઈંચ : ૧૦ જિલ્લાના ૩૧ તાલુકાઓમાં મેઘ મહેર

ઉમરગામ પંથકમાં આજે સવારે બે કલાકમાં બે ઈંચ ખાબકયો

(જીતેન્દ્ર રૂપારેલીયા ),વાપી,૧૦: ચોમાસાની સિઝનમાં પ્રારંભમાં નજીવા હેત બાદ મેઘરાજા ગાયબ થઈ જતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે કેટલાક વિસ્તારોમાં જો વરસાદ નહીં આવે હાલમાં જ તો વાવડી ને ભારે નુકસાન થવાની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે મેઘરાજાએ રાજ્યના ૧૦ જિલ્લાના ૩૧ તાલુકાઓમાં હેત વરસાવતા જાણે ખેડૂતોના જીવમાં જીવ આવ્યો છે.

ફ્લડ કંટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં નોંધાયેલ વરસાદના મુખ્યત્વે આંકડાને જોઈએ તો પારડી ૬૨ મીમી, અમરેલી ૫૪ મિમી, ઉમરગામ ૩૮ મીમી, લીલીયા અને સાવરકુંડલા ૨૭મીમી, તેમજ ચોટીલા ૨૫ મીમી વરસાદ નોંધાયેલ છે.

આ ઉપરાંત આજે ૬ થી લઇ ૮ વાગ્યા સુધીમાં એટલે કે માત્ર બે કલાકમાં ઉમરગામ પંથકમાં બે ઇંચ જેટલો ભારે વરસાદ નોંધાયો છે આ લખાઈ રહ્યું છે ત્યારે એટલે કે સવારે ૧૦:૩૦ કલાકે દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વાતાવરણ ઘેરાયેલું છે તો કયાંક હળવો વરસાદ નોંધાઈ રહ્યો છે.

(11:34 am IST)