Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

દુનિયાભરમાં ઓનલાઇન ચિટિંગનું કૌભાંડ આચરતી આફ્રિકન ટોળકી ઝડપાઇ :ગેંગનો મુખ્ય સૂત્રધાર ઇન્ટરનેશનલ ફૂટબોલ કોચ

વડોદરા પોલીસની સાયબર ક્રાઇમની ટીમે ઓનલાઇન ઠગાઈનું આંતરરાષ્ટ્રીય કૌભાંડ ઝડપી પાડ્યું

વડોદરા પોલીસની સાયબર ક્રાઇમની ટીમે ઓનલાઇન છેતરપિંડીનું આંતરરાષ્ટ્રીય કૌભાંડ ઝડપી પાડ્યું છે. પોલીસે વિશ્વનાં જુદાં જુદાં દેશોમાં રહીને ઓનલાઇન ચિટિંગનું કૌભાંડ આચરતી એવી આફ્રિકન ટોળકીને ઝડપી છે, જે અનેક દેશોમાં રહીને ત્યાંનાં નાગરિકોને કરોડોનો ચુનો ચોપડી ચૂકી છે. ગેંગનો મુખ્ય સૂત્રધાર ગાઝા પોતે ઇન્ટરનેશનલ ફૂટબોલ કોચ છે ત્યારે આ ગેંગ કેવી રીતે દુનિયાભરના નાગરિકોને પોતાનો શિકાર બનાવતી હતી

વડોદરા પોલીસની ગિરફ્તમાં આવેલા પાંચ આફ્રિકનો વાસ્તવમાં ઓનલાઇન ચિટિંગના મહાઠગ છે. એવાં મહાઠગ કે જેઓ સોશિયલ મીડિયાના યુગમાં લોભામણી લાલચો આપી લોકો સાથે લાખોની છેતરપિંડી કરે છે.

વડોદરાનાં એક વેપારીને આફ્રીકન ટોળકી દ્વારા ટાર્ગેટ કરી વોટ્સએપના માધ્યમથી સંપર્ક કરી 19 લાખ રૂપિયા ઉપરાંતની રકમ જુદા-જુદા બહાના બતાવી પડાવી લીધી હતી. જોકે વેપારીએ છેતરાયા હોવાની જાણ થતાં તેમણે આ મામલે વડોદરા સાયબર ક્રાઇમનો સંપર્ક કર્યો હતો. જેથી આ અંગે પોલીસે ગુનો નોંધી ઇન્ટરનેશનલ સાયબર ક્રાઇમ આચરતી આફ્રીકન ટોળકીના 5 સાગરીતોને દબોચી લીધાં છે.

શહેરનાં લક્ષ્‍મીપુરા ગોત્રી રોડ પર રહેતા રાજેશકુમાર જ્યંતિલાલ પટેલને ગત ઓકટોબર 2020ના રોજ વોટ્સએપ અને જુદી જુદી ઇ-મેઇલ આઇ.ડીથી સંપર્ક કરી CPU પ્રોસેસર સ્ક્રેપ વેચવાના બહાને તથા સ્ક્રેપનાં ઇન્સ્યોરન્સ કરાવવા તેમજ લોજીસ્ટીક કંપની સાથે થયેલા સેટલમેન્ટના કોડેડ USD જોલર ક્લીન કરાવવા, કાનપુર ખાતે કસ્ટમ અધિકારી સાથે સેટલમેન્ટ કરવાનુ કહી અલગ અલગ બહાને ટુકેડે ટુકડે 19,35,002 રૂપિયા ઓનલાઇન IMPS મારફતે ટ્રાન્સફર કરાવી લીધા હતા. 19 લાખ ઉપરાંતની રકમ ટ્રાન્સફર કરાવી લીધા બાદ પણ વેપારીને ના તો સીપીયુ પ્રોસેસરનો સ્ક્રેપ મળ્યો કે ના તો તેમણે ચુકવેલી રકમ પરત મળી. જેથી રાજેશ પટેલે આ મામલે આખરે વડોદરા સાયબર ક્રાઇમનો સંપર્ક કર્યો હતો. જ્યાં પોલીસે તેમની આ મામલે ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી હતી. જેમાં આ ટોળકી દિલ્હી ખાતે ઇન્ટરનેશનલ સાયબર ક્રાઇમ આચરતી હોવાનુ બહાર આવ્યું હતું. જેથી વડોદરા સાયબર ક્રાઇમની ટીમ દિલ્હી પહોંચી હતી અને તપાસ દરમિયાન આફ્રીકન ગેંગના 3 સાગરીતોને દબોચી લેવામાં આવ્યાં હતા.

પોલીસે તમામ કાનુની પ્રક્રિયા પૂર્ણ કરી ત્રણ આફ્રીકનના રિમાન્ડ મેળવી વધુ પુછતાછ કરતા ગેંગના અન્ય બે સાગરીતોને પણ પકડી લેવામાં આવ્યાં હતા. આ આફ્રીકન ગેંગ સ્ક્રેપ, ગોલ્ડ, ડાયમંડ, ઓઇલ, મોંઘી મેડિસીન વગેરે મોંઘી વસ્તુ વેચાણ કરવા માટે બનવાટી વિદેશી કંપનીઓ ઉભી કરે છે. પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ ગેંગનો મુખ્ય સૂત્રધાર BENJAMIN KOUAKOU NDRI ઉર્ફ ગાઝા પોતે ઇન્ટરનેશનલ ફૂટબોલ કોચ છે. તે દેશ વિદેશમાં ફૂટબોલ પ્લેયરોને ટ્રેનિંગ આપવાના બહાને પોતાનું નેટવર્ક ઉભું કરતો હતો. ત્યારે આ ઇન્ટરનેશનલ ટોળકી સાથે અન્ય સાગરીતો પણ સંડોવાયેલા હોવાની આશંકાના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

 મોંઘી વસ્તુઓ મોટા જથ્થામાં ઓછા ભાવે વેચવાનું કહી 50 ટકા એડવાન્સ પેમેન્ટ લે છે. આફ્રીકન ગેંગ મોંઘી વસ્તુઓ ભારતમાં મોકલવા માટે ખોટી લોજીસ્ટીક કંપની ઉભી કરે છે. અને તે કંપનીની પેમેન્ટ આપવાના બહાને ટાર્ગેટ કરેલી વ્યક્તિ પાસેથી એડવાન્સ પેમેન્ટ વસુલે છે. મોંઘી વસ્તુઓને લોજીસ્ટીક કંપની દ્વારા મોકલવા માટે 100 ટકા રીફન્ડેબલ ઇન્સ્યોરન્સ કરવાના બહાને રૂપિયા પડાવે છે.

(12:07 am IST)