Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

શોલે ફિલ્મની સ્ટોરીના સર્જાયા દ્રશ્યો : ગઢ ચૂંદડી ગામે જમીનના વિવાદમાં મોબાઈલના ટાવર પર ચડી ગયા

સરપંચ આવ્યા બાદ ૭ કલાકો પછી નીચે ઉતર્યા : ગોધરા તાલુકા પોલીસ તંત્ર સમેત હાજર સૌ કોઈએ રાહતનો હાશકારો અનુભવ્યો

ગોધરા :શહેરથી અંદાઝે ૧૨ કી.મી. ના અંતરે આવેલા ગઢ ચૂંદડી ગામે આવેલા એક મોબાઈલ ટાવર ઉપર જમીન વિવાદના પગલે બોડીદ્રા ગામના શંકરભાઈ બારીઆ ઉપર ચઢી જતા સર્જાયેલા ઉત્તેજનાભર્યા દ્રશ્યોમાં શરત પ્રમાણે સરપંચ સ્થળ ઉપર આવ્યા બાદ ૭ કલાકો સુધીની પ્રતિક્ષાભર્યા અંત વચ્ચે શંકરભાઈ બારીઆ મોબાઈલ ટાવર ઉપરથી નીચે ઉતરતા ગોધરા તાલુકા પોલીસ તંત્ર સમેત હાજર સૌ કોઈએ રાહતનો હાશકારો અનુભવ્યો હતો.!!

ગોધરા તાલુકાના બોડીદ્રા ગામના શંકરભાઈ બારીઆ જમીન વેચાણના નાણાં બાબતે ઉભા થયેલા આ વિવાદોની હતાશાઓમાં ગરકાવ થઈને કે પછી શોલે સ્ટાઈલથી દબાણો ઉભા કરવાના આ પ્રયત્નોમાં કારણો ગમે તે હોઈ શકે પરંતુ આજ સવારના અંદાઝે ૮ કલાકના સુમારે ગઢ ચૂંદડી ગામે આવેલા એક તોતિંગ મોબાઈલ ટાવર ઉપર ચડી જતા સૌ કોઈના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા. આ ઘટનાની જાણકારી સાથે ગોધરા તાલુકા પોલીસ નો કાફલો ઘટનાસ્થળે દોડી આવીને શંકરભાઈ બારીઆને મોબાઈલ ટાવર ઉપરથી નીચે ઉતારવાની આ સમજાવટનો આરંભ કરતા શંકરભાઈએ સરપંચ આવીને મને સંતોષકારક જવાબ આપે તો જ નીચે ઉતરીશની સામે શરત મુકતા ખુદ પોલીસ તંત્રનો કાફલો મૂંઝાઈ ગયો હતો.કેમ કે સરપંચ આવવા તૈયાર ન હતા.

આવા સંજોગોમાં મોબાઈલ ટાવર ઉપર ચડી ગયેલા શંકરભાઈ બારીઆ ક્યાંક અજુગતું પગલું ના ભરે આ માટેની ચિંતાઓમાં તેઓના પુત્ર પણ મોબાઈલ ટાવર ઉપર ચડીને પિતાને નીચે ઉતારવાની વિનંતીઓ પણ કરી હતી. જો કે ગોધરા તાલુકા પોલીસ સ્ટેશનના પી.આઈ.એમ.કે.ખાંટે આ મૂંઝવણોનો અંત લાવવા માટે પોતાની જીપમાં સરપંચને ઘટનાસ્થળે લાવીને આ શોલે ફિલ્મ જેવી સ્ટોરીના સુખદ અંતઃ સાથે ૭ કલાકો બાદ શંકરભાઈ બારીઆ મોબાઈલ ટાવર ઉપરથી હેમખેમ નીચે ઉતર્યા બાદ સમગ્ર મામલો ગોધરા તાલુકા પોલીસ મથકમાં પહોંચ્યો હતો.!!

(12:01 am IST)