Gujarati News

Gujarati News

News of Saturday, 10th July 2021

આગામી સપ્તાહમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

ચોમાસા છતાં ઉકળાટ-બફારાથી લોકો ત્રાહિમામ : ૧૧ અને ૧૨ જુલાઈ દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના

અમદાવાદ, તા.૯ : ચોમાસાનો પ્રારંભ થઈ ગયો છે છતાં ઉકળાટ અને બફારાના કારણે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. આવામાં મેઘરાજાની સવારી ક્યારે આવી પહોંચશે તેની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. જોકે, આગામી અઠવાડિયાથી રાજ્યમાં કેટલીક જ્યાઓ પર ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે અમદાવાદમાં પણ અઠવાડિયાના અંતથી આગામી અઠવાડિયાની શરુઆત સુધી હળવો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે તારીખ ૧૧ અને ૧૨ દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. જેમાં નર્મદા, ભરુચ, સુરત, ડાંગ અને તાપી જિલ્લામાં રવિવારે ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે. જ્યારે સોમવારે આણંદ, ભરુચ, સુરત, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી, દમણ અને ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદ તૂટી પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદ, આણંદ, વડોદરામાં ૧૦થી ૧૨ જુલાઈ દરમિયાન હળવો વરસાદ રહેવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે. રાજ્યમાં ચોમાસાની શરુઆતમાં દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ થયા બાદ વરસાદ ખેંચાતા ખેડૂતો સહિત સામાન્ય નાગરિકો ચિંતિત છે.

રાજ્યના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ અને કચ્છમાં અઠવાડિયના અંતમાં હળવો વરસાદ રહેવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

અમદાવાદ સહિત રાજ્યના લગભગ તમામ જિલ્લાઓમાં સામાન્ય કરતા ઓછો વરસાદ રહ્યો હોવાનું હવામાન વિભાગે નોંધ્યું છે. જેમાં ૧ જૂનથી ૭ જુલાઈ સુધીમાં અમદાવાદમાં ૩૬%, રાજકોટમાં ૫૩%, વડોદરામાં ૪૧%, ગાંધીનગરમાં ૬૧%, મહેસાણામાં ૨૪%, છોટા ઉદેપુરમાં ૬૦%, સુરતમાં ૨૨%, તાપીમાં ૬૮%, અમરેલીમાં ૪૫%, સુરેન્દ્રનગરમાં ૪૭% ઓછો વરસાદ નોંધાયો છે.

(9:09 pm IST)