Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

સુરત જ્વેલર્સ એસોસિએશન દ્વારા સવારે 10થી સાંજે 6 વાગ્યા સુધી જ શો-રૂમ શરૂ રાખવા નિર્ણય કરાયો

આગામી દિવસોમાં સ્થિતિ થાળે પડતાં સમય વધારા અંગે નિર્ણય કરાશે

સુરતઃ સુરતમાં કોરોનાનો કહેર સતત રાજ્યનાં આરોગ્ય વિભગનાં અગ્ર સચિવ જયંતિ રવિએ સ્પષ્ટ શબ્દોમાં સુરતીઓને આગામી બેથી ત્રણ અઠવાડિયા સુધી ખૂબ જ કાળજી સાથે રહેવા માટેની ટકોર કરી છે ત્યારે સુરત જ્વેલર્સ એસોસિએશને આજથી સવારે 10થી સાંજે 6 વાગ્યા સુધી જ શો-રૂમ શરૂ રાખવાનો નિર્ણય કરાયો છે.

ભારતમાં કોરોના શરૂ થયો ત્યારે સોનાની કિંમત ઘટી રહી હતી. પરંતુ ત્યાર બાદ હવે સતત કિંમત વધી રહી છે, તેમાં પણ લોકડાઉન અને અનલોકમાં લોકોએ સોનાની ખરીદી કરી નથી, તેવા સંજોગોમાં હાલમાં સોનાનો ભાવ 50 હજારને પાર કરી ગયો છે. જ્યારથી જવેલરીની દુકાનો ખોલવાની મંજૂરી સરકારે આપી છે, ત્યારથી સુરતમાં માત્ર 10 ટકા ખરીદી જ્વેલરી ઉદ્યોગમાં થઈ છે.

આગામી ઓગસ્ટ માસથી તહેવારોની શરૂઆત થઈ રહી છે. પરંતુ લોકોને થયેલા આર્થિક નુકસાનને પગલે લોકોએ સોનાની ખરીદી ન કરતાં જ્વેલર્સ ચિંતામાં મુકાયા છે, બીજી તરફ કોરોનાના કેસો સુરતમાં સતત વધી રહ્યાં છે, આથી સુરત જ્વેલર્સ એસોસિએશન દ્વારા કામકાજના સમયમાં ઘટાડો કરવાનો નિર્ણય કરાયો છે.

દિપક ચોકસી જે સુરત જ્વેલર્સ એસોસિએશનનાં સભ્ય છે તેમને જણાવ્યું છે કે “સુરતના મુખ્ય જ્વેલર્સની સાથો-સાથ અડાજણ, રાંદેર, પાલ, વરાછા, કતારગામના નાના જ્વેલર્સ એસોસિએશનની એક બેઠક મળી હતી, જેમાં હાલની કોરોનાની પરિસ્થિતિ ઉપર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં શોરૂમમાં કામ કરતા કર્મચારીઓની સાથે ખરીદી કરવા આવતા ગ્રાહકોની સુરક્ષા ને પણ ધ્યાનમાં રાખી શો-રૂમનો સમય ઘટાડવાનો નિર્ણય કરાયો છે. આજે 10મી જુલાઈથી સવારે 10 થી સાંજે 6 વાગ્યે શો-રૂમ ખુલ્લા રહેશે. બાદમાં સ્થિતિ થાળે પડતાં સમય વધારા અંગે નિર્ણય કરાશે.”

(9:47 pm IST)