Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

વડોદરાના પૂર્વ ધારાસભ્‍ય દલસુખ પ્રજાપતિએ વાલીઓ ફી ન ભરતા હોવાથી ઓનલાઇન શિક્ષણ બંધ કરાવી દીધુઃ પહેલા વાલીઓ ફી ભરે તો જ શિક્ષણ અપાશે

વડોદરા: વડોદરામાં પૂર્વ ધારાસભ્ય દલસુખ પ્રજાપતિની સ્કૂલે ઓનલાઈન શિક્ષણ બંધ કર્યુ છે. વાલીઓ ફી ન ભરતા હોવાનું જણાવી તેમની સ્કૂલમાં ઓનલાઈન શિક્ષણ બંધ કરી દેવામા આવ્યું છે. સ્કુલના ટ્રસ્ટીએ ડીઈઓને પત્ર લખી આ અંગે ખુલાસો આપ્યો છે. જેમાં ઉલ્લેખ કર્યો છે કે, વાલીઓ ફી ભરશે તો જ 1 ઓગસ્ટથી ઓનલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવશે.

દલસુખ પ્રજાપતિ હાલ માટીકામ કલાકારી બોર્ડના ચેરમેન છે. વડોદરાના ગોરવા વિસ્તારમાં દલસુખ પ્રજાપતિની સ્કુલ સી. કે. પ્રજાપતિ કાર્યરત છે. ત્યારે આ સ્કૂલે ઓનલાઇન શિક્ષણ બંધ કર્યું છે. આ અંગે સવાલ કરતા તેઓએ મીડિયાને જણાવ્યું કે, વાલીઓ ફી નથી ભરતા એટલે ઓનલાઇન શિક્ષણ બંધ કર્યું છે. સ્કૂલના 100 થી વધુ શિક્ષકોને છુટા કર્યા છે. સરકારે વાલીઓને રાહત આપવી જોઈએ. સરકાર નક્કર નિર્ણય નથી લઈ રહી. શાળા સંચાલકોને પગાર કરવાના કે બિલ ભરવાના રૂપિયા પણ નથી. તો અમે ઓનલાઈન શિક્ષણ કેવી રીતે ચલાવીએ.

ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીને પગલે દેશભરની શાળાઓ બંધ છે. તેથી સરકારે ઓનલાઈન શિક્ષણ શરૂ કરાવ્યું છે. પરંતુ વાલીઓ લાંબા સમયથી શાળાઓ બંધ હોવાથી ફી માફીની માંગ કરી રહ્યાં છે. આવામાં સરકાર દ્વારા હજી સુધી કોઈ જાહેરાત કરાઈ નથી. તો બીજી તરફ, સ્કૂલ સંચાલકો પણ મૂંઝવણમાં મૂકાયા છે.

(5:38 pm IST)