Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

અમદાવાદના સેટેલાઇટની આર.એચ. કાપડિયા સ્‍કૂલના ધો.7ના ઝુમ એપ્‍લીકેશન ઉપર ચાલતા ઓનલાઇન ક્‍લાસમાં વિદ્યાર્થીના નામે બિભત્‍સ મેસેજ વાયરલ થતા તપાસ વગર વિદ્યાર્થીને કાઢી મુક્‍યો

અમદાવાદઃ સેટેલાઈટની આર.એચ.કાપડિયા સ્કૂલના ધોરણ 7ના ઝૂમ એપ પર ચાલતા ઓનલાઈન કલાસમાં વિદ્યાર્થીના નામે  બિભસ્ત મેસેજ જોવા મળ્યો હતો. આ મેસેજમાં વિદ્યાર્થીનું નામ જોવા મળતા સંચાલકોએ કોઈ જાતની તપાસ કર્યા વગર વિધાર્થીને દોષી માની એલ.સી. આપી દેવાનો નિર્ણય લીધો હતો. શાળામાં આ બાબતે વાલીએ રજુઆત કરી કે, તેમના પુત્રના નામે અન્ય કોઈ વ્યક્તિએ આ કૃત્ય કર્યું છે. જોકે સંચાલકો વાત માનવા તૈયાર ન થતાં જિલ્લા શિક્ષણ અધિકારીને ફરિયાદ કરવામાં આવી હતી.

શું છે આખો મામલો? પિતાએ પુરાવ માગતા શાળાએ ન આપ્યા

સેટેલાઈટના રામદેવનગર ખાતેની આર.એચ.કાપડિયા સ્કૂલમાં ધોરણ 7મા અભ્યાસ કરતો વિધાર્થી આંનદનગર ખાતે રહે છે. ગત 3જી જુલાઈના રોજ સવારે વિધાર્થીઓના ઝૂમ એપ પર ઓનલાઈન કલાસ ચાલતા હતા. જે પુરા થયા બાદ તેના પિતાના મોબાઈલ પર પુત્રને શાળામાંથી છૂટો કર્યાનો મેસેજ આવ્યો હતો. આ બાબતે સંચાલકને મળતા તેઓએ ઓનલાઈન કલાસમાં તમારા પુત્રએ બિભસ્ત મેસેજ કર્યો છે, જેથી બાકીની ફી ભરી એલસી લઈ લો તેમ જણાવ્યું હતું. આ અંગે વાલી એ પુરાવા માંગતા શાળાએ આપ્યા ન હતા. પુત્રને આ અંગે પૂછતાં તેણે પણ તેના નામથી આ મેસેજ જોયો હતો,પણ મેસેજ ગણતરીની મિનિટમાં જતો રહ્યો હતો. આ મેસેજ પોતે નહીં કર્યાનું પુત્રે પિતાને જણાવ્યું હતું.

વિદ્યાર્થીના પિતા સાયબર સેલમાં ફરિયાદ કરશે

શાળા સંચાલકોના આ નિર્ણય સામે વાલીએ જિલ્લા શિક્ષણ અધિકારીને ફરિયાદ કરી છે. આ મામલે વાલીએ તેમના પુત્રને બદનામ કરી તેનું ભવિષ્ય બગાડવાનો કોઈએ પ્રયાસ કર્યાનું જણાવી તપાસ કરવા રજુઆત કરી છે. આ અંગે અરજીની તપાસમાં વિદ્યાર્થીના પિતાએ સાયબર સેલમાં ફરિયાદ કરવાની તૈયારી પણ બતાવી છે.

(5:36 pm IST)