Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

૨૦મી સુધી પાલનપુર-ડીસામાં ૪ વાગ્યા બાદ બજારો બંધ રહેશે

હવે સવારે ૭ વાગ્યાથી સાંજે ૪ વાગ્યા સુધી જ બજારમાં લોકો ખરીદી માટે જઈ શકશે

પાલનપુર, તા.૧૦: અમદાવાદ અને સુરત સહિત ગુજરાતભરમાં કોરોનાનો કેસમાં અચાનક ઉછાળો જોવા મળી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં જેમાં ખાસ કરીને ડીસા અને પાલનપુરમાં કોરોનાના સતત વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ આજથી ૨૦મી જુલાઈ સુધી ડીસા અને પાલનપુરમાં બપોરના ૪ વાગ્યા બાદ તમામ બજારો બંધ રહેશે. હવે સવારે ૭ વાગ્યાથી સાંજે ૪ વાગ્યા સુધી જ બજારમાં લોકો ખરીદી માટે જઈ શકશે. કોરોનાને અટકાવવા માટે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગનું કડકપણે પાલન કરવા માટેની પણ વારંવાર સૂચનાઓ આપવામાં આવી રહી છે.

આજથી ૨૦મી જુલાઈ સુધી ડીસા અને પાલનપુરમાં બજારો ૪ વાગ્યા બાદ બંધ રહેશે. સ્થાનિક મીડિયા રિપોર્ટ મુજબ પરિસ્થિતિ વધુ બગડે તે પહેલા વહીવટી તંત્ર દ્વારા જુદા-જુદા એસોસિએશન સાથે અભિપ્રાયો મેળવીને સવારે ૭થી બપોરના ૪ વાગ્યા સુધી જ બજારો ખુલા રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે. ત્યારબાદ લોકોને ઘરની બહાર ન નીકળવા કલેકટર દ્વારા જાહેરનામુ બહાર પાડીને સૂચના આપવામાં આવી છે.

બનાસકાંઠામાં કોરોનાની સ્થિતિ

મીડિયા રિપોર્ટ મુજબ બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા ૧૫ દિવસથી કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. જેથી હવે કુલ કેસોની સંખ્યા ૩૫૦થી પણ વધારે થઈ ગઈ છે. જેથી હવે તંત્ર હરકતમાં આવી ગયું છે. ગુરુવાર સાંજ સુધી છેલ્લા ૨૪ કલાકના રાજય સરકાર દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ બનાસકાંઠા જિલ્લામાં કોરોનાના નવા ૧૮ કેસ નોંધાયા છે. તેમજ એક દર્દીનું મોત પણ થયું છે. ગુરુવારે માત્ર ૨ દર્દીઓને હોસ્પિટલની સારવાર બાદ ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

(3:57 pm IST)