Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

ગાંધીનગરના પલીયડમાં ધાર્મિક મહોત્‍સવમાં લોકોના ટોળા ઉમટયાઃ સોશ્‍યલ ડિસ્‍ટન્‍સીંગના ધજાગરા

ગાંધીનગર: ગુજરાતના પાટનગરમાં જ સોશિયલ ડિસ્ટન્સિંગના લીરેલીરા ઉડ્યા છે. ગાંધીનગરના પલીયડમા ધાર્મિક કાર્યક્રમમાં સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડાવવામાં આવ્યા છે. અને સમગ્ર કાર્યક્રમ યોજાયા બાદ તંત્ર જાગ્યું હતું. પલિયડ ગામે યોજાયેલા પાટોત્સવ મહોત્વમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. હજારો લોકોની હાજરીથી ગાંધીનગર પોલીસ દોડતી થઈ હતી. સમગ્ર ઘટના બાદ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. તેમજ તમામ લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે.

કોવિડ19 ની મહામારી સર્વત્ર ફેલાયેલી હોવાથી ધાર્મિક તથા અનેક કાર્યક્રમો પર રોક લગાવવામાં આવી છે. ત્યારે સરકારી નીતિ નિયમોને નેવે મૂકીને ગાંધીનગરના કલોલ તાલુકાના પલિયડ ગામે જનમેદની ઉમટી પડી હતી. ગુજરાતભરમાથી આવેલા લોકો પાટોત્સવમાં જોડાયા હતા. એટલું જ નહિ, હાથી અને ડીજે સાથે વાજતે ગાજતે શોભાયાત્રા નીકળી હયી. યજ્ઞ અને મહા પ્રસાદમા હજારો લોકો જોડાયા હતા. કોઇ સોશિયલ ડિસ્ટન્સિંગ નહિ, કોઇ માસ્ક નહિ.... ગુજરાતના અલગ અલગ વિસ્તારમાંથી આવેલા લોકો એક જ ગામમા પાટોત્સવ માટે ભેગા થયા હતા. માટા પર નાની માટલીઓ લઈને અનેક બાળાઓ પણ પાટોત્સવમાં જોડાઈ હતી. કોઈના ચહેરા પર માસ્ક બાંધેલા ન હતા. કાર્યક્રમ માટે હાથી પણ મંગાવવામાં આવ્યો હતો.

હજારોની જનમેદની ઉમટ્યા બાદ તંત્ર જાગ્યું હતું. આ ઘટનાની ડીવાયએસપી અને પ્રાંત અધિકારીને તપાસ સોંપાઈ છે. જિલ્લા કલેક્ટરે તપાસના આદેશ આપ્યા છે. ત્યારે સવાલ એ છે કે, પોલીસ દ્વારા આવા કાર્યક્રમને મંજુરી કેવી રીતે અપાઈ. આટલી મોટી સંખ્યામાં લોકો એકઠા થયા અને પોલીસને ગંધ સુદ્ધા ન આવી. ત્યારે ઘોડા છૂટ્યા બાદ પોલીસ તબેલાને તાળા મારવા નીકળી તેવો ઘાટ સર્જાયો છે.

(5:40 pm IST)