Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

કોરોના પોઝિટિવ આવતા હીરાનાં વેપારીનો રાજધાની ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત

સ્યુસાઇડ નોટમાં કોરોનાનો પોઝિટિવ આવતા માનસિક રીતે તૂટી જતાં આત્મહત્યા કરી હોવાનો ઉલ્લેખ

સુરતઃ શહેર અને જિલ્લામાં કોરોના કેસમાં છેલ્લાં કેટલાંક દિવસથી વધવાને કારણે લોકો માનસિક દબાણ અનુભવી રહ્યાં છે. ત્યારે કોરોના પોઝિટિવ આવ્યાં બાદ હીરા વેપારીએ રાજધાની ટ્રેન સામે પડતું મૂકી આપઘાત કરી લીધો હોવાની  ઘટના સામે આવી છે. આ અંગે રેલવે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.

 ઘટના અંગે પ્રાપ્ત માહિતી અનુસાર સુરત શહેરના નાનપુરા વિસ્તારમાં રહેતા 63 વર્ષીય કુમારપાળ નટવરલાલ શાહ હીરા ઉદ્યોગ સાથે સંકળાયેલા હતાં. કુમારપાળને થોડા દિવસ અગાઉ તાવ આવ્યો હતો જેથી તેમનો ઈલાજ ચાલી રહ્યો હતો. જોકે તે દરમિયાન તેમનો કોરોના રિપોર્ટ કઢાવતા તે પોઝીટિવ આવ્યો હતો. જેમાં તેમની સારવાર પણ કરાઈ હતી. જોકે શુક્રવારે સવારે કુમારપાળ પોતાની એક્ટિવા લઈ ઘરેથી નીકળી ગયા હતા. ઘરના સભ્યએ તેમની શોધખોળ કરતાં તેમની એક્ટિવા ઉધના રેલવે સ્ટેશન બહારથી મળી આવી હતી, સાથે જ રેલવે ટ્રેક પરથી તેમનો મૃતદેહ પણ મળી આવ્યો હતો.

 કોરોના પોઝિટિવ આવ્યા બાદ કુમારપાળે રાજધાની ટ્રેન સામે પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. કુમારપાળ પાસેથી એક સુસાઈડ નોટ પણ મળી આવી છે, જેમાં કોરોનાનો પોઝિટિવ કેસ આવતા માનસિક રીતે તૂટી જતાં આત્મહત્યા કરી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કુમારપાળની ટ્રેન સાથે ટક્કર થતાં મોઢા અને માથાના ભાગે વધુ પડતી ઇજાઓ થતાં તેમનું મોત થયું હતું. સમગ્ર મામલે ઉધના રેલવે પોલીસે તપાસ હાથ ધરી છે.

   મૃતક કુમારપાળને પરિવારમાં પત્ની અને એક પુત્ર છે. પુત્ર મુંબઈ ખાતે રહે છે, જોકે પિતાને કોરોના પોઝિટિવ આવતા તે પોતાના પરિવાર સાથે સુરત આવી પિતાના ઘર પાસે જ એક ફ્લેટમાં રહેતો હતો. અચાનક ઘરના મોભી અને મહત્વના સભ્યની વિદાય થી પરિવાર બેહાલ થયો છે. અહીં એ પણ મહત્વનું છે કે કોરોના પોઝિટિવ દર્દીએ આત્મહત્યા કરી હોય તેવી આ પહેલી ઘટના છે.

(12:21 pm IST)