Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

સુરતમાં હીરા બજાર ધમધમાટ શરુ : વેપારીઓ અને કર્મચારીઓ માટે N-95 માસ્ક ફરજિયાત

એક ઘંટી પર એક જ રત્નકલાકારને બેસાડવા અંગેનું સૂચન: ટેક્સટાઈલ વેપારીઓ આજે મીટિંગ કરશે

સુરતઃ રાજ્યમાં છેલ્લાં છ-સાત દિવસથી કોરોના સંક્રમણનાં કેસ 700ને પાર પહોંચ્યા છે  અમદાવાદમાં કેસો ઘટવા લાગ્યાં છે જ્યારે સુરતમાં કેસો વધવા લાગ્યાં છે. એવામાં સુરતમાં આજથી જ હીરાબજાર ફરીથી ધમધમતું થયું છે કોરોનાની સરકારની ગાઇડલાઇન અનુસાર ફરીથી હીરા બજાર શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ગાઇડલાઇન અનુસાર જો કોઈ યુનિટ કે એકમમાં 10થી વધુ કેસ આવશે તો હીરા બજાર બંધ કરવામાં આવશે.

કોરોના મહામારી વચ્ચે સુરતનાં હીરા ઉધોગકારોએ પોતાનાં એકમો અને યૂનિટો સવારનાં 9થી સાંજનાં 6 વાગ્યા સુધી ચાલુ રહે તેવી માંગ કરી હતી. રાજ્ય આરોગ્ય સચિવ જયંતિ રવિ, પાલિકા કમિશ્નર બી.એન.પાની, કલેકટર ડો.ધવલ પટેલ સહિતનાં વિવિધ અધિકારીઓએ ટેક્સટાઈલ અને ડાયમંડ ઉદ્યોગનાં આગેવાનો સાથે મિટીંગ કરી હતી.
ટેક્સટાઈલ માર્કેટ વિસ્તારમાં જ્યાં વેન્ટીલેશન-એક્ઝોસ ફેનની સુવિધા નથી ત્યાં વેપારીઓ અને કર્મચારીઓએ ફરજિયાત N-95 માસ્ક પહેરવું પડશે. જ્યારે ડાયમંડ એકમોને હાલમાં 2 વાગ્યાથી સાંજનાં 6 વાગ્યા સુધીનો જ સમય યથાવત રાખવા અંગે અધિકારીઓએ સૂચન કર્યુ છે. સાથે સુરતમાં કોરોનાનું સંક્રમણ અટકાવવા શપથવિધિ અને રાષ્ટ્રગાન ફરજિયાત કરાયું છે.

હીરા બજારનાં વેપારીઓએ સમય વધારવાની માંગ કરી હતી પરંતુ તંત્રએ તેઓની આ માંગને ફગાવી દીધી હતી. એક ઘંટી પર એક જ રત્નકલાકારને બેસાડવા અંગેનું તંત્ર દ્વારા સૂચન કરાયું છે. ગુરૂવારનાં રોડ બપોરે કલેકટર કચેરી ખાતે ફોસ્ટા, ડાયમંડ એસોસિએશન સહિતનાં તમામ વેપારી સંગઠનોની મહત્વની બેઠક યોજી હતી. કાપડ માર્કેટમાં આવનારા તમામ લોકોએ માસ્ક ફરજિયાત પહેરવાનું રહેશે.

 શુક્રવારનાં રોજ આજે તમામ ટેક્સટાઈલ સંગઠનોની માર્કેટ માટે તૈયાર કરવામાં આવેલી નવી ગાઈડલાઈન વિશે ચર્ચા કરવા માટે મિટીંગ યોજાશે. આ અંગે ફોસ્ટા પ્રમુખ જણાવે છે કે, “ઘણાં વેપારીઓ પોત પોતાની રીતે નિયમો પાળી રહ્યાં છે. જો કે હવે પછીનો તબક્કો વધારે સાવચેતીનો છે. સાથે આ નિયમો નહીં પાળનારા વેપારીઓ સ્વૈચ્છિક રીતે બંધ કરી શકે છે તે મામલે પણ બેઠકમાં ચર્ચા કરીશું.”

(12:10 pm IST)