Gujarati News

Gujarati News

News of Friday, 10th July 2020

ધો.૧થી ૮ ના પ૦ લાખ વિદ્યાર્થીઓને વધુ એક માસ ઘરે બેઠા ભણવા સરકાર પુસ્તક પહોંચાડશે

બીજા તબક્કે ૧પ જુલાઇથી ૧પ ઓગસ્ટ સુધી ભણી શકાય તેટલા પ્રકરણો ઉમેરાયા

ગાંધીનગર તા.૧૦ : ગુજરાત સરકાર દ્વારા શાળાઓ બંધના સમયમાં ઓનલાઇન શિક્ષણ ઉપરાંત વિદ્યાર્થીઓ ઘરે બેઠા અભ્યાસ કરી શકે તે માટે શિક્ષકો મારફત ઘરે-ઘરે પુસ્તક પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. જી.સી.ઇ.આર.ટી. દ્વારા ધો.૧ થી૮ ના વિદ્યાર્થીઓ માટે ગયા મહિને પ્રારંભિક અભ્યાસ સામગ્રી અપાયા બાદ હવે બીજા તબકકાની સામગ્રી મોકલવાની તૈયારી ચાલી રહી છે રાજયની સરકારી તેમજ સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓ દ્વારા સંચાલિત શાળાઓને વિદ્યાર્થી દિઠ સંકલિત અભ્યાસક્રમનું એક-એક પુસ્તક મોકલાશે.કુલ પ૦ લાખ વિદ્યાર્થીઓને તેનો લાભ મળશે.

બીજા તબકકે વિદ્યાર્થીઓ તા.૧પ જુલાઇથી ૧પ ઓગસ્ટ સુધી ઘરે બેઠા અભ્યાસની વ્યવસ્થા કરવામાં આવી છે. બધા વિષયોમાં ગયા મહિના કરતા આગળનો અભ્યાસક્રમ મોકલવામાં આવશે રાજય કક્ષાએથી  એક સરખી અભ્યાસ સામગ્રીનું ધોરણવાર પુસ્તક તૈયાર કરી સોફટ કોપી જે તે જિલ્લા કક્ષાએ મોકલવામાં આવેલ છે જે તે પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા પુસ્તક સ્વરૂપે છપાવીને તા.૧પ સુધીમાં શિક્ષકો મારફત વિદ્યાર્થીઓને ઘરે-ઘરે પહોંચાડવામાં આવશે.

(11:33 am IST)