Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

આરોગ્ય મંત્રી ગુમ થયાનાં પોસ્ટરો લગાવનાર સુરત આમ આદમી પાર્ટીનાં પ્રભારી પર હુમલો

રામ ધડુકના ડાબા કાનને ગંભીર ઇજા : હાથાપાઈમાં કપડાં ફાટ્યા : આરોગ્યમંત્રીના સમર્થકો પર આરોપ

 

સુરતઃ ગુજરાતમાં આમ આદમી પાર્ટી પગ પેસારો કરી રહી છે. સતત સરકાર વિરુદ્ધ કાર્યક્રમો આપી રહી છે ત્યારે કોરોનાની મહામારીમાં રાજ્યનાં આરોગ્ય મંત્રી ગુમ થયાનાં પોસ્ટરો લગાવનાર સુરત આમ આદમી પાર્ટીનાં પ્રભારીને માર મારવામાં આવ્યો છે. ઘટના આગામી દિવસોમાં પોલિટિકલી મુદ્દો બને તેવી શકયતા છે.

સુરતનાં યોગીચોક વિસ્તારમાં આવેલા આમ આદમી પાર્ટીનાં કાર્યાલય પર સુરત શહેર આમ આદમી પાર્ટીનાં પ્રભારી રામ ઘદૂક બેઠા હતાં તે સમયે અજાણ્યાં વ્યક્તિઓ તેમની પાર્ટી ઓફિસમાં ઘૂસી આવ્યાં હતાં. તેઓ રામ ધડુકને માર મારવા લાગ્યાં જેથી તેમના ડાબા કાનમાં ગંભીર ઇજા થઇ હતી. સાથે હાથાપાઈ થતાં તેમના કપડાં પણ ફાટી ગયા હતાં. ઘટના બન્યા બાદ અજાણ્યાં શખ્સો નાસી ગયા હતાં.

સમગ્ર ઘટના અંગે રામ ધડુકે પોલીસ ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે. તેમને એવો આક્ષેપ કર્યો છે કે સરકાર અને ખાસ કરીને આરોગ્ય મંત્રી કુમાર કાનાણીનાં સમર્થકો દ્વારા હુમલો કરવામાં આવ્યો છે. કારણ કે છેલ્લાં કેટલાંક દિવસથી આમ આદમી પાર્ટી કોરોનાની સારવાર મુદ્દે સરકારને ખુલ્લી પાડી રહી છે.

(12:17 am IST)