Gujarati News

Gujarati News

News of Thursday, 9th July 2020

ગાંધીનગરમાં મહેસૂલ મંત્રી કૌશિકભાઈ પટેલની અધ્યક્ષતામાં સુરત જિલ્લા આયોજન મંડળ અને સુરત જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઇ

--વર્ષ ૨૦૨૦-૨૧ માટે કુલ ૮૬૪ જેટલા વિકાસ કામો માટે રૂ. ૧૩.૭૫ કરોડનું આયોજન મંજૂર: જિલ્લાના આદિજાતિઓના ઉત્કર્ષની વિવિધ યોજનાઓ માટે રૂ.૩૯૩૦ લાખના ૧૧૬૫ જેટલાં વિકાસ કામો મંજૂર

ગાંધીનગર ખાતે મહેસૂલ મંત્રી કૌશિકભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને સુરત જિલ્લા આયોજન મંડળ અને સુરત જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક સોશિયલ ડિસ્ટન્સના પાલન સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી યોજાઇ હતી.

સુરત જિલ્લા આયોજન મંડળની બેઠકમાં વર્ષ ૨૦૨૦-૨૧ માટે કુલ ૮૬૪ જેટલા વિકાસ કામો માટે રૂ. ૧૩.૭૫ કરોડનું આયોજન મંજૂર કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા કક્ષાએ રૂ.૧૫૦ લાખ, તાલુકા કક્ષાએ રૂ. ૧,૧૨૫ લાખ અને નગરપાલિકા કક્ષાએ રૂ. ૧૦૦ લાખના કામોને મંજૂરી આપવામાં આવી હતી.
આ બેઠકમાં મંત્રી કૌશિકભાઈ પટેલે આ થઇ રહેલા વિકાસ કામોની ગુણવત્તા જળવાઈ રહે અને આ કામો સમયમર્યાદામાં પૂર્ણ થાય તે માટે અધિકારીઓને રૂબરૂ નિરીક્ષણ કરી સમયાંતરે અહેવાલ આપવા સુચના આપી હતી તેમજ પાણી અને શિક્ષણના કામોને અગ્રિમતા આપવા જણાવ્યું હતું.
  સુરત જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની ન્યુ ગુજરાત પેટર્ન આયોજનની વર્ષ ૨૦૨૦-૨૧ની બેઠકમાં જિલ્લાના આદિજાતિઓના ઉત્કર્ષની વિવિધ યોજનાઓ માટે  રૂ. ૩,૯૩૦ લાખના ૧,૧૬૫ જેટલા વિકાસ કામો મંજૂર કરવામાં આવ્યા હતા.

મંત્રી પટેલે કોરોના મહામારી દરમિયાન અવિરત ફરજ નિભાવવા બદલ જિલ્લાના ધારાસભ્યઓ અને અધિકારીઓને અભિનંદન પાઠવ્યા હતા.

આ બેઠકમાં સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી ઈશ્વરભાઈ પરમાર, સાંસદ પ્રભુભાઈ વસાવા, સુરત જિલ્લાના ધારાસભ્યઓ, તાલુકા પંચાયતના પ્રમુખઓ, જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા.

 

(12:04 am IST)