Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

રાજ્યના ૨૨૦ તાલુકામાં હજુ અપેક્ષાથી ઓછો વરસાદ થયો

ખેડૂતોની સાથે સાથે ખુદ સરકાર અને તંત્ર ચિંતામાં : ગુજરાતના કેટલાક તાલુકાઓ અને પંથકો હજુ કોરાધાકોર પાણીની ગંભીર અછત અને પાક નિષ્ફળ જવાના એંધાણ

અમદાવાદ,તા. ૧૦ : એકબાજુ, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં મેઘરાજા મહેરબાન બની અનરાધાર વરસાદ વરસાવી રહ્યા છે ત્યારે બીજીબાજુ, હજુ રાજયના ૨૨૦ તાલુકાઓમાં જોઇએ તેવો નોંધપાત્ર વરસાદ નોંધાયો નથી. ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક તાલુકાઓ તો હજુ કોરાધાકોર જ જાણે રહ્યા છે. જેને લઇ જગતના તાત ખેડૂતની સાથે સાથે રાજય સરકાર અને તંત્રના અધિકારીઓ ચિંતિત બન્યા છે. ખાસ કરીને ખેડૂતો વાવણીલાયક વરસાદની રાહ જોઇને બેસી રહ્યા છે પરંતુ હજુ સુધી આ પંથકોમાં વરસાદ નહી વરસતાં તેઓ ભારે નિરાશ થયા છે. હાલ રાજ્યના ગણતરીના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. રાજ્યના ૩૧ તાલુકાઓમાં નોંધનીય વરસાદ પડ્યો છે. બાકીના તાલુકાઓમાં જોઇએ એવો વરસાદ પડયો નથી તો, કયાંક કોરાધાકોરની સ્થિતિ છે. આમ, રાજ્યના ૨૫૧ તાલુકાઓમાંથી ૨૨૦ તાલુકાઓમાં હજુ સુધી નોંધપાત્ર વરસાદ પડ્યો નથી. જો હજુ પણ વરસાદ ખેંચાશે તો ખેડૂતોના પાક સહિત પીવાના પાણી અને પશુઓના ઘાસચારાની સમસ્યા ઉભી થઈ શકે છે. જેને લઈને ખેડૂતો સાથે સરકાર પણ ચિંતિત બની છે. આમ ગુજરાતમાં સૌ કોઈ કાગડોળે વરસાદની રાહ જોઈ રહ્યા છે. ખુદ સરકારના આંકડા પ્રમાણે, ચાલુ મોસમમાં રાજ્યનો કુલ સરેરાશ વરસાદ ૧૭.૬૭ ટકા જેટલો નોંધાયો છે. જેમાં કચ્છમાં ૫.૮૫ ટકા, ઉત્તર ગુજરાતમાં ૧૧.૪૧ ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં ૧૪.૫૩ ટકા, સૌરાષ્ટ્રમાં ૧૦.૦૭ ટકા તથા દક્ષિણ ગુજરાતમાં ૨૯.૪૪ ટકા જેટલો સરેરાશ વરસાદ વરસ્યો છે. આમ, રાજયના ઘણા વિસ્તારો એવા છે કે જયાં જરૂરિયાત પ્રમાણેનો વરસાદ હજુ સુધી પડયો જ નથી. તો કેટલાય વિસ્તારો એવા છે કે જયાં હજુ સુધી મેઘરાજાએ એન્ટ્રી લીધી જ નથી. કેટલાક વિસ્તારો એવા પણ છે કે, જયાં વરસાદ પડયો પરંતુ સંતોષજનક અથવા તો પ્રમાણસર નહી હોવાના કારણે આવા વિસ્તારોમાં વરસાદી ઘટ સર્જાઇ છે, જેના પરિણામે રાજયના આવા તાલુકાઓ અને પંથકો-વિસ્તારોમાં પાણીની ગંભીર અછત સર્જાવાના અને પાક નિષ્ફળ જવાના એંધાણ વર્તાતા ખેડૂતોની સાથે સાથે ખુદ હવે સરકારના સત્તાવાળાઓ ચિંતામાં આવી ગયા છે અને સૌકોઇ મેઘરાજાને રીઝવવામાં પડયા છે.

(8:14 pm IST)