Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

ભગવાન જગન્નાથજીનો ૧૨ જુલાઈએ ગર્ભગૃહમાં પ્રવેશ

તેમને આંખે પાટા બાંધવાની નેત્રોત્સવ વિધિ કરાશે : ૧૨મીએ સાર્વત્રિક વરસાદ માટે ઇન્દ્રદેવની પૂજા કરાશે

અમદાવાદ, તા. ૧૦ : મહંત દિલીપદાસજી મહારાજ અને ટ્રસ્ટી મહેન્દ્ર ઝાએ જણાવ્યું કે, રથયાત્રા પૂર્વે તા.૧૨મી જૂલાઇએ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઇ બલરામનો ગર્ભગૃહમાં પ્રવેશ અને તેમને આંખે પાટા બાંધવાની નેત્રોત્સવ વિધિ કરાશે. સવારે ૯-૩૦એ નેત્રોત્સવ વિધિ બાદ ધ્વજારોહણ વિધિ કરાશે. જે પ્રસંગે ગુજરાતના રાજયપાલ ઓમપ્રકાશ કોહલી અને મેયર શ્રીમતી બીજલબહેન શાહ ઉપસ્થિત રહેશે. સવારે ૧૦-૦૦ વાગ્યે વિશિષ્ટ પૂજા અને આરતી ત્યારબાદ સાધુ-સંતો માટે ૧૧-૩૦એ ભંડારાનું અને સંતોના સન્માનનું આયોજન કરાયું છે. જેમાં ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઇ વાઘાણી મુખ્ય અતિથિ વિશેષ તરીકે હાજર રહેશે. તા.૧૨મી જૂલાઇએ ભગવાનની વિશિષ્ટ પૂજા ઉપરાંત અમદાવાદ શહેર સહિત સમગ્ર રાજયમાં સાર્વત્રિક સારા વરસાદ માટે ઇન્દ્રદેવની ખાસ પૂજા-અર્ચના કરી રીઝવવામાં આવશે. આ દિવસે વરસાદની સીઝન ખેડૂતો માટે ખૂબ સારી રહે અને તેઓ ખુશહાલ બને તેવી પણ પ્રાર્થના કરાશે. ભગવાન જગન્નાથની રથયાત્રાને લઇને તમામ તૈયારીઓ અંતિમ તબક્કામાં પહોંચી ચુકી છે. શ્રદ્ધાળુઓ ઉત્સાહિત છે.

(7:30 pm IST)