Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

ગુજરાતમાં વરસાદ પડે કે ન પડે, વાવણી થાય કે ન થાય, ડેમ છલકાય કે ન છલકાય તેની ચિંતા કરતા નહીં: પ્રજાના કાનમાં ફુલગુલાબી વાતો રેડાશેઃ સોમનાથમાં રાષ્‍ટ્રીય સ્‍વયં સેવક સંઘની શિબિરઃ નરેન્‍દ્રભાઇ અને રાહુલ ગાંધીના સૌરાષ્‍ટ્રના પ્રવાસથી રાજકીય ગરમાવોઃ નેતાઓ રાજ્ય ઉપર જરૂર વરસશે

અમદાવાદઃ વરસાદ પડશે કે નહિ, પડશે તો કેટલો પડશે અને ક્યાં-ક્યાં પડશે તે અંગેની ચોક્કસ માહિતી આપવામાં હવામાન વિભાગ હંમેશા કાચું કાપે છે, તે હકીકત છે! 'સેટેલાઇટ ક્રાંતિ' અને સંખ્યાબંધ ઉપગ્રહોને અવકાશમાં તરતા મૂક્યા બાદ પણ ચોક્સાઈપૂર્વકની આગાહીથી પ્રજા વંચિત જ છે. ખેર, આપણી બહુધા પ્રજાને ધરતી ભીંજાય કે નહિ તેમાં બહુ રસ નથી જેટલો રાજકીય ગપશપ અને કાનાફુસીમાં રસ છે!

જુલાઈનું આવનારું સપ્તાહ રાજકીય ઝાપટાઓથી રાજ્યને ભીંજવશે. આ આગાહી નહિ, ચોક્કસ કાર્યક્રમ છે! પ્રારંભ 'રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ' ની રાષ્ટ્રીય કાર્યકારિણીથી થશે અને અંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાવશે. આ બંનેની વચ્ચે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી હશે. એટલે વરસાદ પડે, વાવણી થાય, ડેમ છલકાઈ કે ન ભરાય તેની ચિંતા ન કરવી. પ્રજાના કાનોમાં ફુલગુલાબી વાતો રેડાશે, વિકાસની વડવાઈઓ અંગડાઇ લેશે અને પ્રચારકો નવી-નવી પ્રચારનીતિ ઘડી કાઢશે!

પ્રાપ્ત માહિતી અનુસાર, આગામી તારીખ 11 જુલાઈથી 18 જુલાઈ દરમિયાન સોમનાથ ખાતે મળશે સંઘની રાષ્ટ્રીય કાર્યકારિણી મળશે. આ બેઠક સંઘના વડા મોહન ભાગવતની આગેવાનીમાં યોજાશે. જેમાં દેશભરના સંઘના પુર્ણકાલીન પ્રચારકો, તમામ રાજ્યોના પ્રાંત પ્રચારકો આવશે અને લોકસભા ચૂંટણી પહેલાં મહત્વના પાસાઓની ચર્ચા કરશે. આ પૂર્વે હરીયાણા ખાતે આ પ્રકારની બેઠક મળી હતી. ઉલ્લેખનીય છે કે, આ બેઠકમાં ભાજપના પણ કેટલાંક લોકો હાજરી આપી શકે છે.

તારીખ 16-17 જુલાઈ દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી બે દિવસના ગુજરાત પ્રવાસે આવશે. લોકસભા ચૂંટણીન રણનીતિના ભાગરૂપે રાહુલ ગાંધી ૧૬-૧૭ જુલાઈ બંને દિવસ સૌરાષ્ટ્રનો પ્રવાસ કરશે. આ બે દિવસ દરમિયાન તેઓ ખેડૂતો અને કામદારો સાથે કરશે તથા ભાવનગરના મેથળા બંધારાની મુલાકાત લઇ મેથળા બંધારા ખાતે ખેડૂતો સાથે ચર્ચા કરશે. આ ઉપરાંત, અલંગ શિપબ્રેકીંગ યાર્ડ, અમરેલીના ધારી જંગલમાં માલધારીઓ સાથે મુલાકાત અને પ્રખ્યાત કથાકાર મોરારી બાપુ સાથે પણ સંવાદ કરશે.

સવારે સુરત એરપોર્ટ આવશે. અહીંથી વલસાડ જશે. વલસાડમાં 2 લાખ પ્રધાનમંત્રી આવાસનું લોકાર્પણ કર્યા બાદ બપોર પછી જૂનાગઢ મેડિકલ કોલેજ અને હોસ્પિટલલુ લોકાર્પણ કરશે. સાંજના ભાગે ગાંધીનગર FSL યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં ઉપસ્થિત રહી મોડી સાંજે દિલ્હી રવાના થશે. ટૂંકમાં, વરસાદ ન આવે તો વાંધો નહિ, નેતાઓ રાજ્ય પર જરૂર વરસશે!!

(5:44 pm IST)