Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

વડોદરાના કમાટીબાગ અને એમ.એસ. યુનિવર્સિટીમાં ઇ-રિક્ષામાં બેસી પેટ્રોલિંગ કરશેઃ પોલીસ કમિશનર મનોજ શશીધરનો નવો પ્રોજેક્ટ

વડોદરાઃ વડોદરા પોલીસ પાસે પેટ્રોલીગ માટે અનેક વાહનો છે. પોલીસ પાસે જીપ, કાર, મોટર સાયકલ, મોબાઈલ વાન અને પીસીઆર વાન સહિતના અનેક વાહનો છે. આ તમામ વાહનો હોવા છતાં વડોદરા પોલીસ કમિશનર મનોજ શશીધર પર્યાવરણની જાળવણી માટે અનેક પ્રયાસો કરી રહ્યા છે. આ પ્રયોગના ભાગરૂપે તેમણે પ્રાયોગિક ધોરણે પીપીપી મોડલથી એક ઇ-રિક્ષાનું ઉદઘાટન કર્યુ છે. ઇ-રિક્ષામાં પોલીસ શહેરના કમાટીબાગ અને એમ.એસ. યુનિવર્સિટીમાં પેટ્રોલિંગ કરશે. 

ઇ-રિક્ષાની ખાસિયતની વાત કરીએ તો ઇ-રિક્ષા એક વખત રિચાર્જ કર્યા બાદ આખો દિવસ ફેરવી શકાશે. ઇ-રિક્ષામાં વાયરલેસ સેટ લગાડયો છે જેનાથી પોલીસને કંટ્રોલ રૂમનો સીધો મેસેજ મળી શકશે અથવા પોલીસ કંટ્રોલ રૂમમાં કોઈ મેસેજ પાસ કરી શકશે. આ ઉપરાંત ઇ-રિક્ષાની ઉપર રંગબેરંગી લાઈટ અને સાયરન લગાડયું છે. આ સિવાય પોલીસ એનાઉન્સમેન્ટ કરી શકે તે માટે લાઉડ સ્પીકરની વ્યવસ્થા કરવામાં આવી છે. ઇ-રિક્ષાના પાછળના ભાગે એલઈડી સ્ક્રીન લગાડાઈ છે જેમાં સતત વડોદરા સિટી પોલીસનું લખાણ વંચાય છે. ઇ-રિક્ષામાં 5 પોલીસ કર્મચારી બેસી શકે તેવી વ્યવસ્થા રાખવામાં આવી છે.  

વડોદરા પોલીસ કમિશનર મનોજ શશીધર કહ્યું કે ઇ-રિક્ષા ચાલુ કરવાનો વડોદરા પોલીસનો ઉદેશ્ય કમાટીબાગ કે એમ.એસ. યુનિવર્સિટીમાં સાયકલ પર કે ફૂટ પેટ્રોલિંગ કરતા પોલીસકર્મીઓને રાહત મળી શકે. ઇ-રિક્ષાથી પર્યાવરણની પણ જાળવણી થશે. મહત્વની વાત છે કે હાલમાં વડોદરા પોલીસે પાયલોટ પ્રોજેકટ અંતર્ગત એક જ ઇ-રિક્ષાની શરૂઆત કરી છે પરંતુ આગામી સમયમાં શહેરમાં વધુ ઇ-રિક્ષા શરૂ કરવાનો પોલીસનો પ્લાન છે.

(5:41 pm IST)