Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

સોજીત્રાના પલોલમાં આપેલ ઘર પરત મેળવવા એકને જીવતો સળગાવાયો

સોજીત્રા: તાલુકાના પલોલ ગામે ગીરો આપેલું ઘર પૈસા આપ્યા વગર પરત મેળવવા માટે બે શખ્સોએ ગીરો આપનાર ઉપર કેરોસીન છાંટીને દિવાસળી ચાંપી દઈ જીવતો સળગાવતા તેને ગંભીર હાલતમાં તારાપુરની એક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. આ અંગે સોજીત્રા પોલીસે ગુનો દાખલ કરીને ફરાર થઈ ગયેલા બન્ને શખ્સોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. 
પ્રાપ્ત વિગતો અનુસાર બોરસદ તાલુકાના ડાલી ગામે રહેતા અને ડ્રાયવીંગ તેમજ ચીનાઈ માટીના વાસણો વેચીને જીવન ગુજરાન ચલાવતા નટુભાઈ અંબાલાલભાઈ ગોહેલે પલોલ ગામની ઈન્દિરાનગરીમાં રહેતા કનુભાઈ ઉર્ફે કાભઈભાઈ ઉર્ફે કાળુભાઈ બુધાભાઈ પરમારનું મકાન એક વર્ષ પહેલાં ૭૦ હજારમાં ગીરો રાખ્યું હતુ. ત્યારબાદ તેઓ વેપારના સામાન સાથે ત્યાં રહેવા માટે આવી ગયા હતા. દરમ્યાન તેઓએ નજીકમાં જ રહેતા વિનુભાઈ પરમારનું પણ મકાન ગીરો રાખ્યું હતુ. દરમ્યાન ચારેક મહિના પહેલાં કનુભાઈએ બે-ત્રણ દિવસમાં પૈસા આપી દેવાનું જણાવીને ગીરો રાખેલું મકાન ખાલી કરાવવાનું જણાવ્યું હતુ. જેથી નટુભાઈએ અડધો સામાન વિનુભાઈના ઘરમાં ગોઠવી દઈને ત્યાં રહેવા જતા રહ્યા હતા. કનુભાઈએ વાયદા મુજબ પૈસા આપ્યા નહોતા અને આઠેક દિવસ પહેલા જ ૨૦ હજાર રૂપિયા આપીને મકાન ખાલી કરવાનું જણાવ્યું હતુ. પરંતુ નટુભાઈએ મકાન ખાલી કર્યુ નહોતુ. દરમ્યાન ૭મી તારીખના રોજ રાત્રીના સુમારે નટુભાઈ નીત્યક્રમ મુજબ ગરમીથી બચવા માટે ઘરની બહાર ખાટલો નાંખીને સુઈ રહ્યા હતા ત્યારે વહેલી સવારના ચારેક વાગ્યાના સુમારે કનુભાઈ ઉર્ફે કાભઈભાઈ ઉર્ફે કાળુ અને જગદીશભાઈ શનાભાઈ પરમાર આવી ચઢ્યા હતા અને નટુભાઈએ માથા નીચે મુકેલી ગોદડી ખેંચી લઈને મોઢાના ભાગે મુકી દીધી હતી. ત્યારબાદ જગદીશભાઈએ પોતાની પાસેના ગેલનમાંથી કેરોસીન છાંટીને કનુભાઈએ દિવાસળી ચાંપી દેતાં આગ લાગી હતી. નટુભાઈ ભડભડ સળગવા માંડતા બન્ને શખ્સો ત્યાંથી ભાગ્યા હતા, નટુભાઈએ પકડવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ શરીર સળગતુ હોય હિંમત કરી શક્યા નહોતા અને બૂમાબૂમ કરતા પુત્ર અને પુત્રવધુ જાગીને આવી ગયા હતા તેઓએ પાણી છાંટીને આગ ઓલવી હતી અને તુરંત જ ૧૦૮ મોબાઈલ વાનને ફોન કરતા તેઓ પલોલ ગામે પહોંચી ગયા હતા. 

(5:22 pm IST)