Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

મોસમનો ત્રીજા ભાગનો સમય જતો રહ્યો, વરસાદ પડયો છે માત્ર ૧૭ ટકા

સૌરાષ્ટ્રમાં માત્ર ૧૦ ટકા વરસાદ જ પડતા ખેતી-પીવાના પાણીની ચિંતા

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર, તા. ૧૦ :. રાજ્યમાં વરસી રહેલા વરસાદે છેલ્લા ૨૪ કલાકમાં ૩૧ તાલુકાઓમાં નોંધનીય વરસાદ વરસાદ વરસાવ્યો છે. જેમાં ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડા તાલુકામાં ૧૯૬ મી.મી. એટલે કે આઠ ઈંચ જેટલો જ્યારે કોડીનાર તાલુકામાં ૧૮૫ મી.મી. એટલે કે સાત ઈંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.

રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તા. ૧૦ સવારે ૭.૦૦ કલાકે પુરા થતા ૨૪ કલાક દરમિયાન રાજુલા તાલુકામાં ૧૦૬ મી.મી. અને ઉંમરગામ તાલુકામાં ૧૨૦ મી.મી. મળી કુલ બે તાલુકાઓમાં ચાર ઈંચથી વધુ અને માળીયા તાલુકામાં ૭૫ મી.મી. તથા ગીર ગઢડા તાલુકામાં ૭૫ મી.મી. મળી કુલ બે તાલુકાઓમાં ૩ ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે.

ચાલુ મોસમનો રાજ્યનો કુલ સરેરાશ વરસાદ ૧૭.૬૭ ટકા જેટલો નોંધાયો છે. જેમાં કચ્છ રીજીયનમાં ૫.૮૫ ટકા, ઉત્તર ગુજરાત રીજીયનમાં ૧૧.૪૧ ટકા, પૂર્વ-મધ્ય ગુજરાત રીજીયનમાં ૧૪.૫૩ ટકા, સૌરાષ્ટ્ર રીજીયનમાં ૧૦.૦૭ ટકા તથા દક્ષિણ ગુજરાત રીજીયનમાં ૨૯.૪૪ ટકા જેટલો સરેરાશ વરસાદ વરસ્યો છે.(૨-૧૩)

(3:55 pm IST)