Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

અમદાવાદમાં રથયાત્રાનો પ્રારંભ વિજયભાઇ - નીતિનભાઇના હસ્તે થશે

અષાઢી બીજે શનિવારે પારંપરીક દિવસ ૧૪૧મી રથયાત્રા નીકળશે : ૧૮ શણગારેલા ગજરાજો, ૩૦ અખાડા, ૧૮ ભજન મંડળીઓ સાથે સાધુ-સંતો-ભાવિકો રથ ખેંચશે

અમદાવાદ, તા.૧૦: શહેરનાં સુપ્રસિદ્વ શ્રી જગન્નાથજી મંદિરની પૌરાણિક તથા પારંપરિક દિવ્ય ૧૪૧મી રથયાત્રા તા.૧૪ શનિવારે નીકળશે. રથયાત્રાની પરંપરા મુજબ બધા જ શ્રધાળુ લોકો એમાં હર્ષોલ્લાસથી ભાગ લઇ પ્રેમ ભકિત, સદભાવના, ભાઇચારા અને શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવે તેવી શ્રી જગન્નાથજી મંદિરના મહંત શ્રી દિલીપદાસજી મહારાજે લોકોને અપીલ કરી છે.

રથયાત્રા ભારતીય લોક સંસ્કૃતિનું સર્વોચ્ચ પ્રતિક છે. બે ભાઇઓની સાથે તેમની બહેનની પણ પુજા થતી હોય તેવો આ એક જ પુણ્ય ઉત્સવ છે. લાખોની સંખ્યામાં લોકો ભાગ લઇ આ ઉત્સવને લોકોત્સવ તરીકે ઉજવતા આવ્યા છે. આ રથયાત્રામાં લોકો ઉંચ-નીચ, અમીર-ગરીબનો ભેદભાવ ભુલીને હર્ષોલ્લાસથી ભાગ લઇ ભગવાન શ્રી જગન્નાથજીના દર્શનનો લાભ લે છે. મહંતશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે શ્રી જગન્નાથજી મંદિરની સેવા પ્રવૃતિના કારણે લોકોના દિલમાં રથયાત્રાનું આગવું સ્થાન રહેલુ છે.

અમદાવાદ શહેરના પોલિસ કમિશ્નરશ્રીએ વ્યવસ્થાપક કમીટીની અરજીને ધ્યાનમાં લઇ રથયાત્રાની પરવાનગી આપી છે. રથયાત્રા અસલ પરંપરાગત માર્ગો ઉપર જ ફરશે. જેના અગ્રભાગમાં ૧૮ શણગારેલા ગજરાજો, ત્યારપછી ૧૦૧ ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી ટ્રકો, અંગ કસરતના પ્રયોગો સાથે ૩૦ અખાડા, ૧૮ ભજન મંડળીઓ સાથે ૩ બેન્ડવાજાવાળા રહેશે. સાધુસંતો, ભકતો સાથે ૧૨૦૦ થી ૧પ૦૦ જેટલા ખલાસી ભાઇઓ રથ ખેંચતા રહેશે. દેશભરમાંથી ૨પ૦૦ જેટલા સાધુ-સંતો  હરિદ્વાર, અયોધ્યા, નાશિક, ઉજજૈન,  જગન્નાથજીપુરી તથા સૌરાષ્ટ્રમાંથી આ પ્રસંગે ભાગ લેવા આવે છે.

પરમ પુનિત, સાંસ્કૃતિક એવું ઐતિહાસિક રથયાત્રા પ્રારંભની વિધિ જેને 'પહિંદ' કહેવામાં આવે છે તે ગુજરાત રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઇ પટેલના હસ્તે રથ ખેચી રથયાત્રાનો શુભારંભ કરવામાં આવશે.

પ્રસાદની તૈયારીઓઃ-

સમગ્ર રથયાત્રા દરમ્યાન ૩૦,૦૦૦ કિલો મગ, પ૦૦ કિલો જાંબુ, ૩૦૦ કિલો કેરી, ૪૦૦ કિલો કાકડી અને દાડમ તથા ૨ લાખ ઉપેર્ણા પ્રસાદમાં અપાશે.

રથયાત્રા પુર્વ મંદિરમાં ખાસ કાર્યક્રમો

તા.૧૨ ગુરૂવારે સવારે ૮: વાગે ભગવાન શ્રી જગન્નાથજી, સુભદ્રાજી અને બળદેવજીનું ગર્ભ ગૃહમાં પ્રવેશ અને વિશિષ્ટ પૂજન વિધિ તથા નેત્રોત્સવ પૂજા વિધિ પછી વૈદિક મંત્રોચ્ચાર કરી ભગવાનના આંખે પાટો બાંધવાની વિધિ કરવામાં આવશે. સવારે ૯. વાગે ધ્વજારોહણ, વિશિષ્ટ પૂજા તથા આરતી સવારે ૯:૪પ વાગે જેમાં મુખ્ય અતિથિ શ્રી ઓમપ્રકાશ કોહલી-રાજયપાલશ્રી ગુજરાત તથા અતિથી વિશેષ તરીકે શ્રીમતી બીજલબેન પટેલ, મેયર અમદાવાદ શહેર ઉપસ્થિત રહેશે. અને સવારે ૧૧:૩૦ વાગે સાધુ-સંતો માટે ભંડારો તથા સંતોનું સન્માન જેમાં મુખ્ય અતિથિ તરીકે શ્રી જીતુભાઇ વાઘાણી, અધ્યક્ષ ગુજરાત ભાજપ ઉપસ્થિત રહેશે.

તા.૧૩ શુક્રવારે સવારે ૮ વાગે સોનાવેષના દર્શન. બપોરે ૩ વાગે મંદિર પ્રાંગણમાં ત્રણેય રથોની પ્રતિષ્ઠા વિધિ અને પુજન વિધિ. સાંજે ૬ વાગે સાંસ્કૃતિક કાર્યક્રમ શ્રી વિજયભાઇ રૂપાણી, મુખ્યમંત્રીશ્રી અને શ્રીનિતિનભાઇ પટેલ, નાયબ મુખ્યમંત્રી, ગુજરાત રાજયના દ્વારા વિશિષ્ટ પૂજા, આરતી અને મહંતશ્રીને શુભેચછા. સાંજે ૮: વાગે વિશિષ્ટ પૂજાઃ સંધ્યા આરતી મુખ્ય અતિથિ શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા (શિક્ષણ મંત્રીશ્રી, ગુજરાત) અતિથિ વિશેષઃ કૌશિકભાઇ પટેલ (મેહસુલ મંત્રીશ્રી, ગુજરાત) આર.સી.ફળદુ (મંત્રીશ્રી, કૃષિ, મત્સ્ય ઉદ્યોગ, ગુજ.) પ્રદિપસિંહ જાડેજા (ગૃહ રાજયમંત્રીશ્રી, કાયદો અને ન્યાયતંત્ર) બાબુભાઇ જમનાદાસ (ધારાસભ્યશ્રી, દસ્ક્રોઇ).

તા.૧૪ શનિવારેઃ પૂજા-આરતીઃ- સવારે ૪ વાગે મંગળા આરતી અને ૪:૩૦ વાગે વિશિષ્ટ ભોગ (ખિચડી) ભગવાનને ધરાવાશે. સવારે પઃ વાગેથી ભગવાન શ્રી જગન્નાથજીનો અતિપ્રિય આદિવાસી નૃત્ય અને રાસ ગરબા અને ભગવાનને આંખે બાંધેલા પાટા ખોલવાની વિધિ સવારે પઃ૪પ વાગે રથમાં ભગવાનનો પ્રવેશ અને ત્યારબાદ સવારે ૭: વાગે મંદિરથી રથયાત્રાનો શુભારંભ થશે.

વિશિષ્ટ ભોગઃ-

રથયાત્રાનાં દિવસે સવારે મંદિરમાં ભગવાનને વિશિષ્ટ ભોગ ધરાવાય છે જેમાં પરંપરા મુજબ ખિચડી, કોળા, ગવારફળીનું શાક અને દહીં હોય છે.  રથયાત્રાના દિવસે મંગળા આરતી તથા રથ પ્રસ્થાન વિધિમાં દર્શનાર્થે આવતા દર્શાનાર્થીઓ માટે પાર્કીગ વ્યવસ્થા એ.પી.એમ.સી માર્કેટ-જમાલપુર ખાતે રાખવામાં આવેલ છે.

રથયાત્રાનો રૂટ

સવારે ૭:૦૦ મંદિરથી રથયાત્રાનો શુભારંભ

સવારે ૯:૦૦ મ્યુનિસિપલ કોર્પોરેશન

સવારે ૯:૪પ રાયપુર ચકલા

સવારે ૧૦:૩૦ ખાડીયા ચાર રસ્તા

સવારે ૧૧:૧પ કાલુપુર સર્કલ

બપોરે ૧૨:૦૦ સરસપુર

બપોરે ૧:૩૦ સરસપુરથી પરત

બપોરે ૨:૦૦ કાલુપુર સર્કલ

બપોરે ૨:૩૦ પ્રેમ દરવાજા

બપોરે ૩:૧પ દિલ્હી ચકલા

બપોરે ૩:૪પ શાહપુર દરવાજા

બપોરે ૪:૩૦ આર.સી.હાઇસ્કુલ

સાંજે પઃ૦૦ ઘી કાંટા

સાંજે પઃ૪પ પાનકોર નાકા

સાંજે ૬:૩૦ માણેકચોક

સાંજે ૮:૩૦ નીજ મંદિરે પરત

(3:27 pm IST)