Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

MBBS કોલેજમાં ફિલ્મ જુડવા જેવું : એક સાથે બે ટ્વિન્સ જોડીને મળ્યું એડમિશન

લાઇફની તમામ ક્ષણો એક સાથે માણી છે હવે તેઓ MBBS અભ્યાસ પણ એક સાથે જ કરશે

અમદાવાદ તા. ૧૦ : રાજયની મેડિકલ કોલેજમાં અત્યારે સૌથી વધુ ચર્ચાનો વિષય બન્યો હોય તો તે છે જુડવા ભાઈઓ અને ભાઈ-બહેનના મેડિકલ એડમિશન. કેમ કે ભાગ્યે જ બનતી ઘટનાની જેમ એક નહીં પણ મેડિકલની બે-બે સીટ જુડવાને MBBS મળી છે. અમદાવાદના ડોકટર પલ ડો. પારસ અને ડો. અર્ચના શાહના જુડવા દીકરાઓ શાન અને સાહિલ શાહને અમદાવાદની NHL મ્યુનિસિપલ મેડિકલ કોલેજમાં લોકલ કવોટામાં એડમિશન મળ્યું છે.

આ બંને જુડવા ભાઈઓએ પોતાની લાઇફની અત્યાર સુધીની તમામ ક્ષણો એક સાથે માણી છે હવે તેઓ MBBS અભ્યાસ પણ એક સાથે જ કરશે. અત્યાર સુધી એક સાથે ભણ્યા પછી એક જ MBBS કોલેજમાં એડમિશન બંને ભાઈઓ માટે સપના સમાન છે. ઉપરાંત બંને ભાઈઓએ ખૂબ જ સ્પર્ધાત્મક ગણાતી NEETમાં પણ લગભગ સરખા જેવા માકર્સ જ મેળવ્યા છે. શાનને ૭૨૦માંથી ૪૭૯ મળ્યા જયારે સાહિલને ૪૭૬ મળ્યા છે.

પોતાના ફ્રી ટાઈમમાં ભાઈ સાથે ક્રિકટ રમતો સાહિલ કહે છે કે, 'અમે હંમેશા એકસાભે ભણ્યા છીએ. એક રૂમમાં અને એક જ બૂકમાંથી ભણ્યા પણ છીએ. સાથે મળીને દરેક પ્રોબ્લેમ સોલ્વ કરીએ છીએ આગળ પણ આ જ રીતે સાથે મળીને મેડિકલનો અભ્યાસ કરીશું.'

જયારે બીજી એક જુડવા જોડી ભાવનગરના ભાઈબહેન શ્રેય અને શ્રુતિ પંજવાણી છે. ભાવનગરની સરકાર મેડિકલ કોલેજમાં એસો. પ્રોફેસર ડો. સુનિલ પંજવાણીના સંતાનો છે. આ બંને ભાઈ-બહેનોએ ફકત મેડિકલ કોલેજમાં એડમિશન મેળવ્યું તેટલું જ નહીં સરકારી કોલેજમાં પણ સબ્સિડીવાળી બેઠક પર એડમિશન મેળવ્યું છે. જોકે બંનેને એક જ કોલેજમાં એડિશન મળી શકયું નથી.

નીટમાં ૭૨૦માંથી ૬૨૭ જેટલા હાઈસ્કોર સાથે શ્રેયે અમદાવાદની BJ મેડિકલ કોલેજમાં જયારે શ્રુતિને ૫૦૧ નીટ માર્ક સાથે ભાવનગરની જ મેડિકલ કોલેજમાં એડમિશન મળી ગયું છે. બંને બેલડીના પિતા ડો. સુનિલે કહ્યું કે, 'બંને મેડિકલમાં એડમિશન લેવાનું પોતાનું સપનું પૂરું કર્યું છે. અને તે માટે તેમણે મને લાખો રૂપિયા ખર્ચવાની પણ ફરજ નથી પાડી. મારે ફકત રૂ.૨૪૦૦૦ વાર્ષિક ફી બંને મળીને ભરવી પડશે.'

મેડિકલ એડમિશન કમિટીના મેમ્બર અને BJ મેડિકલ કોલેજના ડીન ડો. પ્રણવ શાહે કહ્યું કે, 'MBBSમાં જોડયા ભાઈઓ અને બહેનો આવ્યા હોય તેવું સાંભળ્યું છે પણ જુડવાનો પણ ડબલ સેટ એ પહેલીવાર જોયું છે.'(૨૧.૧૩)

(11:23 am IST)