Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

'ઇ ગ્રામ' પંચાયતોમાં ડ્રાઇવીંગ લાયસન્સ માટે ઓનલાઇન કામગીરી કરી શકાશે

 ગાંધીનગર તા.૧૦: ઇ-ગ્રામ પંચાયતો ખાતેથી ગ્રામ કમ્પ્યુટર સાહસિક (વી.સી.ઇ.) દ્વારા વિવિધ જીરજી અને બીરસી ઇ-સેવાઓ જેવી કે જન્મ-મરણ પ્રમાણપત્ર, ચારિત્ર પ્રમાણપત્ર, આવકના દાખલા, મહેસૂલી રેકર્ડ મુજબનાં ૭/૧૨ અને ૮-અના ઉતારા, વેરાની વસુલાત, વીજળી બીલ કલેકશન, જી.એસ.પી.સી. બીલ કલેકશન, આધાર કાર્ડ, રેલવે અને હવાઇ મુસાફરીની ટિકીટ, ટેલીફોન-મોબાઇલના રીચાર્જ, વીમા, મ્યુચ્યુઅલ ફંડ અંગેની કામગીરી, અન્ય વિભાગમાં અરજી ફોર્મ વગેરે સેવાઓ પુરી પાડવામાં આવી રહેલ છે. આ સેવાઓ પુરી પાડવા માટે ગ્રામ કમ્પ્યુટર સાહસિક (વી.સી.ઇ.) ને કોઇપણ પ્રકારનું માનદ વેતન પુરું પડવામાં આવતું નથી, પરંતુ જુદી-જુદી સેવાઓ માટે નિયત થયેલ દરમાંથી ગ્રામ કમ્પ્યુટર સાહસિક (વી.સી.ઇ.) અને ગ્રામ પંચાયત વચ્ચે અનુક્રમે ૮૦:૨૦ના પ્રમાણમાં આવક વહેંચણી કરવામાં આવે છે. હેવ ડ્રાઇવીંગ લાયસન્સની કામગીરી પણ ઇ-ગ્રામ પંચાયતમાંથી થઇ શકશે.

રાજય સરકારે પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના નાયબ સચિવ મનીષ મોદીની સહીથી ૯ જુલાઇ ૨૦૧૮ના બહાર પાડેલ પરિપત્રમાં જણાવ્યું છે કે વધુમાં ,માનનીય વાહન વ્યવહાર કમિશ્નરરીનો તા. ૧૯.૬.૨૦૧૮ના પત્ર મુજબ ઇ-ગ્રામ પોર્ટલથી (Govt of Gujarat section) સારથી અંતર્ગત અરજદારોની કાચા અને પાકા ડ્રાઇવીંગ લાયસન્સ માટે ઓનલાઇન ડોકયુમેન્ટસ અપડેશનની કામગીરી http://parivahan.gov.in/sarathiservice12/stateSe;ection.do ઉપર લોગ ઇન કરી, તેની ઉપર અરજદારે પોતાનો ફોટોગ્રાફસ, દસ્તાવેજી પુરાવો જેવા કે, સરનામાનો પુરાવો, વયનો દાખલો વગેરે સ્કેન કરી અપલોડ કરવાની જોગવાઇ છે. આ સમસ્ત કામગીરી હવે ઇ-ગ્રામ સેન્ટર પરથી ગ્રામ્ય કમ્પ્યુટર સાહસિક દ્વારા પણ અપલોડ કરી શકાશે. આ કામગીરીની એક અરજીની ફી રૂ. ૨૦.૦૦ રહેશે. જે ગ્રામ્ય કમ્પ્યુટર સાહસિક  અરજદાર પાસેથી મેળવશે તથા તેમાંથી ૮૦ ટકા મહેનતાણા તરીકે ગ્રામ્ય કમ્પ્યુટર સાહસિક રાખશે, જયારે ૨૦ ટકા રકમ ગ્રામ પંચાયતમાં જમા કરાવશે. (૧.૭)

(11:23 am IST)