Gujarati News

Gujarati News

News of Tuesday, 10th July 2018

ચોમાસુ ૨૦૧૮ : રાજ્યમાં ૬૧.૯૮ લાખ હેકટરમાં ખરીફ વાવેતર જ નથી થયું

સૌરાષ્ટ્રમાં સરેરાશ ૮.૧૭% વરસાદ, મગફળીનું ગત વર્ષ કરતા અડધું વાવેતરઃ દસ દિવસમાં ખેતીલાયક વરસાદ ન થાય તો કૃષિ વિભાગ ખરીફના પરંપરાગતને બદલે રોકડિયા પાક માટે સજ્જ થશે : વરસાદ ખેંચાતા સરકારમાં ચિંતાના વાદળો, સૌરાષ્ટ્રમાં સાર્વત્રિક વરસાદ થાય એવી સિસ્ટમ એકાદ સપ્તાહમાં સક્રિય થશે

અમદાવાદ તા. ૧૦ : નૈઋત્યનું ચોમાસું મોડું સક્રિય થયા પછી એકાએક રાજયના અમુક વિસ્તારોને બાદ કરતાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદ અનિયમિત અને સાર્વત્રિક નહીં થતાં ખેડૂતોની સાથોસાથ હવે સરકારમાં ચિંતાના વાદળો ઘેરાયા છે. આગામી દસ દિવસ કૃષિપ્રધાન રાજય માટે સૌથી કટોકટીના છે. જો આ સમયગાળામાં સંતોષકારક વરસાદ થઇ જશે તો ખરીફ વાવેતર સરેરાશ વિસ્તારમાં થઇ શકશે અન્યથા કૃષિ વિભાગે રોકડીયા પાક માટે ખેડૂતોને સૂચના આપીને બિયારણ અને જરૂરી ખાતર, જંતુનાશક દવાની વ્યવસ્થાની તૈયારીઓ કરવી પડશે, તેમ કૃષિ વિભાગનું માનવું છે. હાલ ૮૫.૬૫ લાખ ખરીફ વાવેતર વિસ્તારમાંથી માત્ર ૨૩.૬૭ લાખ હેકટર એટલે કે ૨૭.૬૪ ટકા વિસ્તારમાં જ વાવેતર થઇ શકયું છે. ૬૧.૯૮ લાખ હેકટર વિસ્તારમાં વાવેતર થઇ શકયું નથી એ સરકાર માટે ચિંતાનો વિષય બન્યો છે.

અલબત્ત, કૃષિમંત્રી આર.સી. ફળદુ હજુ આશાવાદી છે. એમનું કહેવું છે કે, ખેડૂતો હજુ પણ એમની પરંપરાગત ગણતરીઓ મુજબ વાવેતર કરતાં હોય છે અને ચોમાસુ મોડું હોવાથી મોટા પ્રમાણમાં વાવેતર કર્યું નથી, દસેક દિવસમાં સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાતમાં ખેતીલાયક વરસાદ થાય એવી સિસ્ટમ સક્રિય થાય એવા સંકેતો છે. એમ છતાં હાલ વરસાદ ખેંચાયો છે એ ચિંતાજનક બાબત તો છે જ.

રાજયની વરસાદની સરેરાશ ૩૪ ઇંચની છે એની સામે જુલાઇના પ્રથમ સપ્તાહ સુધીમાં ૩૫ ટકા વરસાદ થતો હોય છે. હાલ ૯ જુલાઇની સ્થિતિએ રાજયની સરેરાશ ૧૬.૮૮ ટકા જ નોંધાઇ છે એમાં સૌથી ઓછો વરસાદ કચ્છમાં ૧.૨૫ ટકા જ નોંધાયો છે જયારે સૌથી વધારે વરસાદ દક્ષિણ ગુજરાત રિજનમાં ૨૯.૧૪ ટકા થયો છે. એની સામે ખરીફ વાવેતર જોઇએ તો મુખ્ય પાકોમાં મગફળીનું વાવેતર ૩૪.૧૯ ટકા એટલે કે ગયા વર્ષે આ જ સમયગાળાની સરખામણીએ અડધું વાવેતર થઇ શકયું છે. આ વાવેતર સૌરાષ્ટ્રના જુનાગઢ અને અમરેલી જિલ્લામાં મોટાભાગે થયું છે. અથવા તો જયાં સિંચાઇની વ્યવસ્થા છે એવા વિસ્તારોમાં જ થયું છે. આવું જ કપાસનું છે જેનું ૪૩.૯૬ ટકા વાવેતર ૯ જુલાઇની સ્થિતિએ થયું છે. જે ગયા વર્ષના આ જ સમયગાળા કરતાં ૫ લાખ હેકટર ઓછું છે. મધ્ય ગુજરાતમાં ૧૫.૧૯ ટકા જ સરેરાશ વરસાદ થયો છે એ સ્થિતિએ ડાંગરનું વાવેતર માંડ ૧૦.૫૫ ટકા થયું છે.

આ આંકડાઓમાં ખરીફ વાવેતર સસેરાશ ૨૭.૬૪ ટકા થયું છે જે ગયા વર્ષની સરખામણીએ અડધું જ થયું છે, તેમ કહી કૃષિ વિભાગના સૂત્રો કહે છે કે, હાલ રાજયભરમાં વરસાદી માહોલ છે પરંતુ વરસાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમુક જિલ્લાના તાલુકાઓમાં પડે છે. આ સંજોગોમાં સાર્વત્રિક વરસાદના અભાવે ખરીફ વાવેતર કરવામાં ખેડૂતોએ ઉતાવળ કરી નથી. જિલ્લાઓમાંથી કૃષિ અધિકારીઓએ મોકલેલા રિપોર્ટના આધારે ખેડૂતોએ ખરીફ વાવેતરની તૈયારીઓ કરી રાખી છે, પરંતુ વરસાદ વગર તેઓ રાહ જોઇને બેઠાં છે. આ સંજોગોમાં દસ દિવસ ખરીફ વાવેતરને આગળ વધારવા માટે સૌથી મહત્ત્વના છે. જો વરસાદ થઇ જશે તો પછી વાંધો નહીં આવે. ચોમાસુ ૨૦૧૮ જુલાઇની ૨૦મી સુધીમાં વરસાદ થઇ જશે તો પણ ખરીફના મુખ્ય પાકોને વાંધો આવશે નહીં. એટલું જ નહીં એરંડાના મહત્ત્વના પાકના વાવેતર માટે તો હજુ ઓગસ્ટ મહિનો આખો છે. જોકે, ડાંગરના પાકને મુશ્કેલી પડી શકે છે. ૨૦ જુલાઇ સુધીમાં વાવણીલાયક વરસાદ ન થાય તો પછી ખેડૂતોને એરંડા, કપાસ અને અન્ય ઓછા પાણીથી થતાં પાકના વાવેતર માટે સૂચનાઓ આપી દેવાશે.

દરમિયાન, કૃષિ મંત્રી આર.સી. ફળદુને પૂછતાં તેમણે કબૂલ્યું કે, હાલ વરસાદ ખેંચાયો છે એ ચિંતાનો વિષય જરૂર છે, પણ દસેક દિવસમાં વાવણીલાયક વરસાદ થાય એવી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. વરસાદ ખેંચાશે તો ખેડૂતોને રોકડીયા પાક માટે સૂચના આપવી પડશે. જોકે, મને આશા છે કે વરસાદ પડશે.

અત્યાર સુધીનો વરસાદ

રાજ્યની સરેરાશ

૧૬.૮૮ ટકા

કચ્છ

૧.૨૫ ટકા

સૌરાષ્ટ્ર

૮.૧૭ ટકા

ઉત્ત્।ર ગુજરાત

૧૦.૭૬ ટકા

પૂર્વ મધ્ય ગુજરાત

૧૪.૧૯ ટકા

દક્ષિણ ગુજરાત

૨૯.૧૪

હાલ સુધીનું વાવેતર

ધાન્ય પાકો

૨૨.૧૫ ટકા

કઠોળ પાકો

૨૦.૨૨ ટકા

તેલિબિયાં પાકો

૨૪.૨૮ ટકા

અન્ય ધાન્ય પાકો

૩૨.૨૧ ટકા

રાજયનું કુલ વાવેતર

૨૭.૬૪ ટકા

(9:55 am IST)