Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

અમદાવાદમાં ચારધામ યાત્રાએ લઇ જવાના બહાને માતા-પુત્રીએ છેતરપિંડી કર્યાની ફરિયાદ

માતા પુત્રીએ 35 લોકો પાસેથી વ્યક્તિદીઠ 22 હજાર રૂપિયા લીધા હતા

અમદાવાદના કૃષ્ણાનગરમાં રહેતા લોકોને ચારધામની ચાત્રામાં લઈ જવાના બહાને માતા-પુત્રીએ છેતરપિંડી કર્યા હોવાની ફરિયાદ કૃષ્ણાનગર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. માતા પુત્રીએ 35 લોકો પાસેથી વ્યક્તિદીઠ 22 હજાર રૂપિયા લીધા હતા. આમ કુલ 7.50 લાખની છેતરપિંડી આચરવાની ફરિયાદ રેખાબેન દેસાઇ સામે નોંધાઇ છે.

  આ અંગે મળતી વિગત મુજબ અમદાવાદના  કૃષ્ણાનગરના સરદારચોકમાં આવેલા મારુતિ પ્લાઝામાં ચિંતક ફાઉન્ડેશન દ્વારા ચારધામની યાત્રામાં 22 હજારનું પેકેજ રાખવામાં આવ્યું હતું. કૃષ્ણાનગરમાં રહેતા રમેશ પટેલે ચિંતક ફાઉન્ડેશનમાં જઈ આયોજક રેખાબેન દેસાઈને મળ્યા હતા.42 હજારમાં તેમની પત્ની અને પોતાની ટિકિટ બુક કરાવી હતી. કુલ 35 જેટલા પ્રવાસીઓએ વ્યક્તિદીઠ 22 હજાર ટિકિટના ભર્યા હતા.

  દરમિયાન 19મેના રોજ ચારધામના 23 દિવસના પ્રવાસ માટે 35 યાત્રીઓની બસ ઉપડી હતી. સૌપ્રથમ હરિદ્વાર જવાનું નક્કી કરાયું હતું પરંતુ ત્યારબાદ સ્થળ બદલી નાખવામાં આવ્યું હતું.બે-ત્રણ દિવસ સુધી કહ્યાં પ્રમાણેની સુવિધા આપી હતી.પરંતુ પછીથી આયોજકે હાથ ઊંચા કરી દીધા હતાં. ત્યારબાદ પ્રવાસીઓ સ્વખર્ચે અમદાવાદ આવી ગયા હતા. રેખા દેસાઈએ 35 લોકો પાસેથી પુરતા પૈસા લઈ પ્રવાસ નહીં કરાવી છેતરપિંડી આચરતા કૃષ્ણનગર પોલીસે તપાસ હાથ ધરી છે.

(11:19 pm IST)