Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

વાવાઝોડું વેરાવળથી ૯૩૦ કિ.મી. દૂર : લશ્કર, હવાઈદળ, કોસ્ટગાર્ડ, NDRFની ટીમો સ્ટેન્ડબાય

એસડીઆરએફની ટુકડીઓ પરિસ્થિતિને પહોંચી વળવા તૈયાર: અધિક મુખ્ય સચિવ પંકજકુમાર દ્વારા સમીક્ષા બેઠક યોજાઈ

ગાંધીનગર: ગુજરાતના વેરાવળથી દક્ષિણ-દક્ષિણ પૂર્વ દિશામાં ૯૩૦ કિ.મી. દૂર વાવાઝોડું આકાર લઇ રહ્યું છે, જેની સંભવિત પરિસ્થિતિને ધ્યાને લઇ મહેસૂલ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમારે  સમીક્ષા બેઠકમાં સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.
આ બેઠકમાં પંકજકુમારે રાજ્યના વિવિધ વિભાગોને સંકલનમાં રહીને સંભવિત વાવાઝોડાની સ્થિતિનો સામનો કરવા માટે એક માઇક્રો પ્લાનીંગ તૈયાર કરવા અનુરોધ કર્યો હતો. આ બેઠકમાં ભારતના હવામાન ખાતાના હવામાનશાસ્ત્રી શ્રી જયંત સરકારે વાવાઝોડાની સ્થિતિ વિશે વિશેષ માહિતી આપી હતી. જે મુજબ વેરાવળથી દક્ષિણ-અગ્નિ દિશામાં ૯૩૦ કિ.મી. દૂર જે ડિપ્રેશન સર્જાયું હતું તે હાલ ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થયું છે અને આગામી ૧૨ તારીખ સુધીમાં તે વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરવાની પૂરી સંભાવના છે.
  આ વાવાઝોડું ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારના દરિયાઇ-કાંઠાળા વિસ્તારને વધુ અસર કરશે. વાવાઝોડા દરમિયાન સમુદ્રના મોજાં બે મીટરથી વધુ ઉછળવાની સંભાવના છે. પવનની ઝડપ ૮૦ કિ.મી.થી વધીને ૧૦૦ કિ.મી. સુધી પહોંચવાની સંભાવના છે. કેટલાંક વિસ્તારોમાં પાંચ-સાત ઇંચ જેટલો ભારે વરસાદ પડવાની પણ સંભાવના છે.
  સંભવિત વાવાઝોડાની સ્થિતિ સંદર્ભે રાજ્ય સરકાર ભારતના હવામાન ખાતા અને ઇસરો સાથે સતત સંપર્કમાં રહીને પરિસ્થિતિ ઉપર ચાંપતી નજર રાખી રહી છે. ખાસ કરીને રાહત-બચાવ કામગીરી કરનારી એજન્સીઓ, લશ્કર, હવાઇદળ, તટરક્ષક દળ, નેશનલ ડિઝાસ્ટર રેસ્ક્યુ ફોર્સ અને સ્ટેટ ડિઝાસ્ટર રેસ્ક્યુ ફોર્સને સજ્જ કરવામાં આવ્યા છે.
   દરિયામાં માછીમારી માટે ગયેલી અને પરત ફરી રહેલી બોટ ઝડપથી પાછી દરિયાકાંઠે સલામત જગ્યાએ આવી જાય તેવી સૂચનાઓ પણ આપવામાં આવી છે. સંભવિત પરિસ્થિતિને ધ્યાને લઇ બંદરો ઉપર એક નંબરનું સિગ્નલ લગાવાયું છે. વાવાઝોડાની સ્થિતિને ધ્યાને લઇ પ્રવાસીઓને દરિયાકિનારે કે બીચ ઉપર સહેલગાહે નહીં જવા પણ જણાવાયું છે.
આ બેઠકમાં લશ્કર, હવાઇદળ, કોસ્ટગાર્ડ,એનડીઆરએફ, એસડીઆરએફના ઉચ્ચ અધિકારીઓ ઉપરાંત રાજ્ય સરકારના સંબંધિત વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓને ઉપસ્થિત રહી સંભવિત વાવાઝોડાની સ્થિતિ સંદર્ભે સમીક્ષા કરી હતી.

(8:53 pm IST)