Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

જાતીય સતામણી કેસ : નિલેષ પંચાલ અપરાધી જાહેર કરાયા

પ્રોફેસર નિલેષ પંચાલને બરતરફ કરી દેવાયા : પાસ થવા મારી સાથે દીવ આવવું પડશે તેવું નિલેષ પંચાલે વિદ્યાર્થિનીને કહી બિભત્સ માંગ કરતા હોબાળો થયો હતો

અમદાવાદ,તા. ૧૦ : રાજકોટમાં ૨૦૧૯ની શરૂઆતમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બાયોસાયન્સ ભવનમાં પીએચડી કરવા માટે એક વિદ્યાર્થિનીને પ્રોફેસર ગાઇડ નીલેશ પંચાલે બિભત્સ માંગ કરવાના ચકચારભર્યા પ્રકરણમાં યુનિવર્સિટીની સિન્ડીકેટ કમીટીએ તેનો રિપોર્ટ સત્તાધીશોને સુપ્રત કર્યો હતો. જેમાં પ્રો.નીલેશ પંચાલને દોષિત ઠરાવ્યા હોવાથી તેમને તાત્કાલિક અસરથી બરતરફ કરી દેવાયા હતા. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આ ઘટનાક્રમને પગલે શિક્ષણ જગતમાં ભારે ચકચાર મચી ગઇ હતી. આ પ્રકરણમાં પ્રો.નીલેશ પંચાલને અગાઉ એક વખત તેને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યારપછી તેને ફરી ફરજ પર લઇ લેવાયા હતા. આ સમગ્ર પ્રકરણમાં તપાસ માટે ખાસ સિન્ડિકેટ કમિટીની રચના કરવામા આવી હતી. આજે કમિટીએ સમગ્ર કેસને લઇ રિપોર્ટ સોંપ્યો હતો. જેના પગલે પ્રોફસર નીલેશ પંચાલને દોષિત જાહેર કરાયા હતા અને આખરે તેમને બરતરફ કરવામા આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બાયો સાયન્સ ભવનના પ્રોફેસર નીલેશ પંચાલ પર વિદ્યાર્થિનીએ બીભત્સ માગણી અને ગેરવર્તણૂક કર્યાનો આક્ષેપ કર્યો હતો. જેને લઈને બંધ બારણે સિન્ડિકેટ બેઠક યોજાઈ હતી. પ્રોફેસર પંચાલ સામે એક પીએચડીની વિદ્યાર્થિનીએ આધાર પુરાવા સાથે ફરિયાદ કર્યા બાદ પ્રોફેસરને તાકીદની અસરથી ઘર ભેગો કરી દેવાયો હતો અને નિવૃત્ત જજ દિનેશ ત્રિવેદીના વડપણ હેઠળ કમિટીની રચના કરવામાં આવી હતી. અન્ય એક વિદ્યાર્થીનીની પણ પ્રોફેસરની કામૂક હરકતોના કારણે અભ્યાસ અધવચ્ચેથી છોડી ગયાની વિગતો સામે આવી હતી અને આ વિદ્યાર્થિનીને પણ બોલાવવામાં આવી હતી. વિદ્યાર્થીનીની પૂછપરછમાં એવું બહાર આવ્યું હતું કે, વિદ્યાર્થીનીએ અલગ-અલગ પ્લાન્ટના નમૂના લેવાના હતા. આ માટે તેને દીવ જવા જણાવાયું હતું. વિદ્યાર્થીની બસમાં દીવ ગઈ હતી. પ્રોફેસર પંચાલ અચાનક જ કારમાં દીવ ગયો હતો અને વિદ્યાર્થિનીને પોતાની કારમાં ધરારથી આગલી સીટમાં બેસાડી નાગવા બીચ ગયો હતો અને ત્યાં દરિયામાં ન્હાવા માટે દબાણ કર્યું હતું. જો કે, વિદ્યાર્થીની ટસની મસ ન થતાં પ્રોફેસર પંચાલે એવી ચીમકી આપી હતી કે, હાલ તો તું એક પણ પ્લાન્ટનો નમૂનો લઈ શકી નથી.

આથી હવે પછી તારે મારી કારમાં દીવ આવવું પડશે અને હોટેલમાં પણ રોકાવું પડશે. આ ઘટના અંગે વિદ્યાર્થીનીએ તેના પિતાને દીવથી જ ફોન કરીને જાણ કરતા પીએચડીનો અભ્યાસ અધવચ્ચેથી જ છોડાવી દેવાયો હતો અને પ્રોફેસર પંચાલ સામે સેક્સ્યુઅલ હેરસમેન્ટના આક્ષેપ થતાં આ વિદ્યાર્થિનીએ પણ હિંમત દાખવીને ત્રણ વખત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને ફરિયાદ કર્યા બાદ અંતે કમિટીના સભ્યોએ વિદ્યાર્થીનીનું નિવેદન લીધું હતું અને પંચાલનો ખુલાસો પૂછ્યો હતો. તપાસના અંતે આખરે પ્રો.નીલેશ પંચાલ દોષિત જાહેર થતાં આખરે તેમને બરતરફ કરી દેવાતાં સૌરાષ્ટ્રના શિક્ષણજગતમાં ભારે ચકચાર મચી ગઇ છે.

(8:19 pm IST)