અમદાવાદ,તા.૧૦ : અમદાવાદ, ડિસા, ગાંધીનગર સહિતના અનેક વિસ્તારોમાં ગરમીના પ્રમાણમાં આંશિકરીતે ઘટાડો થયો છે. આંશિક વાદળછાયુ વાતાવરણ રહેવાના કારણે લોકોને કાળઝાળ ગરમીથી આંશિક રાહત મળી છે. જો કે, બપોરના ગાળામાં લોકો ગરમીથી પરેશાન રહ્યા હતા. મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાનમાં આંશિક ઘટાડો થયો છે. અમદાવાદમાં પારો ગગડીને ૪૩.૩, ડિસામાં ૪૨.૬, ગાંધીનગરમાં ૪૩.૨ થયો હતો. જો કે, સુરેન્દ્રનગરમાં હજુ પણ મહત્તમ તાપમાન ૪૫ ડિગ્રી અકબંધ રહ્યો છે. હવામાન વિભાગના કહેવા મુજબ હિટવેવની સ્થિતિ સૌરાષ્ટ્રના જુદા જુદા વિસ્તારો ખાસ કરીને સુરેન્દ્રનગરમાં પ્રવર્તી રહી છે. બીજી બાજુ ડિપડિપ્રેશનની સ્થિતિના પરિણામ સ્વરુપે સૌરાષ્ટ્ર કચ્છના જુદા જુદા ભાગોમાં તથા દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ થઇ શકે છે જેમાં ભાવનગર, અમરેલી, ગીરસોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, મોરબી, રાજકોટ, બોટાદનો સમાવેશ થાય છે. તમામની નજર હાલમાં વાવાઝોડા ઉપર કેન્દ્રિત થઇ ગઇ છે અને તેના સંભવિત નુકસાનને ટાળવા વિવિધ પગલા લેવાઈ રહ્યા છે. અમદાવાદમાં આવતીકાલે પણ પારો ૪૩થી ઉપર રહી શકે છે. કોર્પોરેશન તરફથી કહેવામાં આવ્યું છે કે હાલમાં વાયરલ ઈન્ફેકશન અને ગરમીથી બચવા માટે લોકોએ કામ વગર બપોરના ગાળામાં ઘરથી બહાર નીકળવું જોઈએ નહીં. સાથે સાથે સાથે વધુ પ્રમાણમાં પાણી, છાશ અને પ્રવાહીનું સેવન કરવું જોઈએ. હળવા રંગના સુતરાઉ કપડા પહેરવા અને તડકામાં ફરવાનું ટાળવું જોઈએ. બિનજરૂરીરીતે કામ વગર બહાર ન નિકળવા માટે પણ કહેવામાં આવ્યું છે. બાળકો અને મોટી વયના લોકોને વિશેષ સાવચેતી રાખવા માટે કહેવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર અને ખાસ કરીને રાજકોટ, અમરેલી અને સુરેન્દ્રનગરમાં જોરદાર ગરમીનો અનુભવ લોકો કરી રહ્યા છે. આના કારણે નવજાત શિશુ અને મોટી વયના લોકોને અસર થઇ શકે છે. સાથે સાથે ક્રોનિક રોગ ધરાવતા લોકો માટે પણ ભીષણ ગરમી અને લૂની સ્થિતિ પરેશાની વધારી શકે છે. વધતી જતી ગરમી વચ્ચે શ્વાસની તકલીફ, બેભાન થઇ જવાના બનાવોમાં ઉલ્લેખનીયરીતે વધારો થઇ રહ્યો છે. અમદાવાદમાં પણ એલર્ટની જાહેરાત યથાવત રાખવામાં આવી છે. ચેતવણીના પરિણામ સ્વરૂપે લોકો બપોરના ગાળાના બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. લુ લાગવાના બનાવ પણ વધી રહ્યા છે. આજે લોકો સાવચેતીના પગલારુપે બપોરના ગાળામાં બહાર નિકળ્યા ન હતા જેથી બપોરના ગાળામાં રસ્તાઓ સુમસામ બની ગયા હતા. બપોરના ગાળામાં લોકોની હાલત સૌથી વધારે કફોડી બની છે. ખાસ કરીને ટ્રાફિક સિગ્નલો ઉપર બપોરના ગાળામાં રોકાવવાના લીધે પણ કેટલાક લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મોટી વયના લોકોને સૌથી વધુ અસર આની અનુભવાઈ છે.
ક્યાં કેટલું તાપમાન.....
અમદાવાદ, તા. ૧૦ : અમદાવાદ સહિત રાજ્યભરમાં ગરમીનું પ્રમાણ જોરદારરીતે વધી રહ્યું છે. રાજ્યના જુદા જુદા ભાગોમાં મહત્તમ તાપમાન ક્યાં કેટલું નોંધાયું તે નીચે મુજબ છે.
સ્થળ........................................... મહત્તમ તાપમાન
અમદાવાદ.................................................... ૪૩.૩
ડિસા............................................................ ૪૨.૬
ગાંધીનગર................................................... ૪૩.૨
વીવીનગર.................................................... ૪૧.૫
વડોદરા........................................................ ૪૦.૮
સુરત........................................................... ૩૪.૮
વલસાડ........................................................ ૩૩.૯
અમરેલી....................................................... ૪૨.૮
ભાવનગર..................................................... ૪૦.૧
રાજકોટ........................................................ ૪૩.૫
સુરેન્દ્રનગર...................................................... ૪૫
ભુજ............................................................. ૩૮.૭
કંડલા એરપોર્ટ............................................... ૪૦.૩
મહુવા.......................................................... ૩૫.૮