Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

બુધ-ગુરૂવારે ભારે વરસાદ-વાવાઝોડાની સંભાવના પગલે સરકાર સાબદીઃ ૪ વાગ્યે તાકિદની બેઠક

ગુજરાતના દ્વારે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીના એંધાણ

રાજકોટ, તા., ૧૦: ગુજરાતમાં સખત તાપ પછી હવે ભારે વરસાદના એંધાણ વર્તાઇ રહયા છે. હવામાન ખાતાએ તા.૧ર-૧૩મીએ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ અને વાવાઝોડુ ફુંકાવાની આગાહી કરતા રાજય સરકાર સાબદી થઇ ગઇ છે. મુખ્ય સચિવ જે.એન.સિંઘે આજે ૪ વાગ્યે સંબંધીત વિભાગોના ઉચ્ચ અધિકારીઓની તાકીદની બેઠક બોલાવી છે. જેમાં સંભવીત પુર અને વાવાઝોડાની સ્થિતિનો અંદાજ મેળવી આગોતરૂ આયોજન કરાશે.

રાજયમાં હજુ ઉનાળો જોરશોર જામેલો છે. આવતા બે-ત્રણ દિવસમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થવાના એંધાણ છે. મોસમના પ્રથમ વરસાદ સાથે જ વાવાઝોડુ પણ ફુંકાઇ શકે છે. હવામાન શાસ્ત્રીઓના વર્તારાના પગલે સરકારે પુર્વ સાવચેતીની કામગીરી શરૂ કરી છે. તમામ બંદરો ઉપર ૧ નંબરના સિગ્નલ ચડાવવામાં આવ્યા છે. માછીમારોને દરીયો ન ખેડવા સલાહ આપવામાં આવી છે. કયાંક કુદરતી આપતી આવી પડે તો કઇ રીતે સામનો કરવો તેનું આયોજન અગાઉ થઇ ગયેલ. તા.૧ર-૧૩ ની આગાહીના પગલે આયોજનને વધુ અસરકારક બનાવવા અને પુર્વ સાવચેતીના જરૂરી પગલા લેવા સરકારે આજે ૪ વાગ્યે બેઠક બોલાવી છે. બેઠક બાદ જીલ્લાવાર જરૂરી સુચના અપાશે.

(4:20 pm IST)