Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

વડોદરાના 'વુડા'ના સીઇઓની મિલ્કતો શોધવા એસીબી સીટી સર્વે ઓફીસે પહોંચી

લાખો રૂપીયા રોકડા, સોનાની ગીનીઓ, ચાંદી, બેંક લોકરો, મિલ્કતોના દસ્તાવેજો સાથે જુદા જુદા કવરમાં રહેલ રૂપીયા મળ્યા : અલગ-અલગ કવરના રૂપીયા કયા બિલ્ડરે કયા કામ માટે આપેલ? એસીબી વડા કેશવકુમારના માર્ગદર્શનમાં તપાસનો ધમધમાટ

રાજકોટ, તા., ૧૦: વડોદરાના પાદરા વિસ્તારમાં સ્કુલની જમીનનું બાંધકામ કરવા માટે વેલીડેશન સર્ટીફીકેટ આપવા માટે સંબંધક આર્કીટેક પાસેથી સવા લાખની લાંચ લેવાના આરોપસર ઝડપાયેલા 'વુડા'ના ચીફ ઓફીસર એન.સી.શાહના અડધો ડઝનથી વધુ બેંક ખાતાઓની તપાસ ચાલી રહયાનું એસીબીના સુત્રો અકિલાને જણાવ્યું છે.

રૂ. સવા લાખની લાંચ લેવાના આરોપસર ઝડપાયેલા આ ટોચના અધિકારીઓના ઘેર  પંદરેક લાખ રૂપીયા રોકડા, સોનાની ગીનીઓ, ચાંદી, બેંક લોકરો, મિલ્કતોના દસ્તાવેજો વિગેરે મળ્યાનું પણ સુત્રો જણાવે છે. એસીબી સુત્રોમાંથી સાંપડતા નિર્દેશ મુજબ આરોપી સીઇઓના ઘરમાંથી જુદા જુદા કવરમાંથી મોટી રકમ મળ્યાનું પણ સુત્રો જણાવે છે. આ કવરો કયાં કામે કોના દ્વારા મળ્યા? તે બાબતે પણ તપાસ ચાલી રહી છે.

આરોપી સીઇઓ શાહની મિલ્કતો વડોદરા અને આણંદ તથા વિદ્યાનગર સિવાય  બીજી કઇ-કઇ જગ્યાએ છે? તે માટે સીટી સર્વેનો સંપર્ક સાધવા એસીબી વડા કેશવકુમારના આદેશથી માહીતી મેળવવા માટે એસીબી ટીમો સક્રિય બની છે. તપાસ દરમિયાન જેમના નામો બહાર આવ્યા છે તેમની  પુછપરછ પણ થવાની સંભાવના નકારી શકાઇ નહિ.

અત્રે યાદ રહે કે એસીબી તપાસ દરમિયાન કેટલીક ચોંકાવનારી વાતચીતનું રેકોર્ડીગ પણ બહાર આવ્યું છે. આ સમગ્ર મામલાની તપાસમાં વુડાના બીજા કેટલાક અધિકારીઓને પણ નિવેદન આપવા લેખીતમાં એસીબી દ્વારા આદેશ આપવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.

(3:32 pm IST)