Gujarati News

Gujarati News

News of Monday, 10th June 2019

કોંગી ધારાસભ્યોના 'પ્રવેશોત્સવ' અને વિસ્તરણનું 'મંગલ' મુહુર્ત ઢુકડુ

વિપક્ષના 'પિસ્તોલ' જેવા ધારાસભ્યોને ગળે લગાડવા ભાજપ ફરી લોકશાહીના સિધ્ધાંતોને મારશે ગોળીઃ કેબીનેટ મંત્રી પદ અને શ્રમ રોજગાર જેવા ખાતા સાથે સતાવાર પક્ષપલ્ટા માટે અલ્પેશ ઠાકોર જુથ તૈયારઃ રાજયસભાની ચુંટણી ધ્યાને રાખીને નવાજુની

રાજકોટ, તા. ૧૦ :. લોકસભાની ચૂંટણી પુરી થતા રાજ્યસભાની ચૂંટણી પૂર્વે ગુજરાતના રાજકારણમાં વધુ એક વખત નવાજૂની તોળાઈ રહી છે. શિક્ષણ વિભાગના શાળા પ્રવેશોત્સવની યાદ તાજી હોય ત્યાં જ ભાજપ કોંગ્રેસના ધારાસભ્યોનો ભાજપમાં પ્રવેશોત્સવ યોજવા માગે છે. કોંગ્રેસથી વિમુખ થઈ ગયેલા રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને તેમના કેટલાક સાથીઓ હવે સત્તાવાર રીતે ભાજપમાં જોડાવા આગળ વધી રહ્યા છે. ધારાસભ્ય પદેથી રાજીનામુ આપી ભાજપનો ખેસ ધારણ કરશે. અલ્પેશને શ્રમ અને રોજગાર અથવા તેને અનુરૂપ કોઈ ખાતા સાથે કેબીનેટ મંત્રી પદ આપી મંત્રી મંડળનું વિસ્તરણ કરવાની હિલચાલ ચાલી રહી છે. કોંગ્રેસના દસેક ધારાસભ્યો પર ભાજપની નજર ઠરી છે.

અમિતભાઈ શાહ અને સ્મૃતિ ઈરાની લોકસભામાં ચૂંટાતા રાજ્યસભાની બે બેઠકો ખાલી પડી છે. ૬ મહિનામાં તેની ચૂંટણી આવવા પાત્ર છે. હાલના સંખ્યા બળ મુજબ ભાજપને એક બેઠક મળે તેમ છે. બીજી બેઠક મેળવવા માટે કોંગ્રેસમાં ઓપરેશન કરવુ પડે તેમ છે. તેના માટેની ગતિવિધિ ભાજપે શરૂ કરી દીધી છે. ભાજપના ધારાસભ્યોનું સંખ્યા બળ વધારવા કોંગ્રેસના ધારાસભ્યો જે પદ્ધતિથી આકર્ષાય તે પધ્ધતિથી આકર્ષવા માટે પ્રયાસો શરૂ થયા છે. લોકસભાની ચૂંટણીમાં અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ વિરૂદ્ધ કામ કરેલ. હવે ભાજપ રાજ્યસભાની ચૂંટણીમાં તેનો લાભ લેવા તેને ગમતુ પદ આપવા માંગે છે. કોંગ્રેસના જે ધારાસભ્યો ભાજપમાં જોડાઈ તેને ફરી તે જ બેઠક પર ટીકીટ આપવાનું વચન આપવામાં આવ્યુ છે. સંભવત આ અઠવાડીયામાં જ ધડાકો થઈ જાય તો નવાઈ નહિં. મંત્રી મંડળમાં વિસ્તરણ અને બે ત્રણ મંત્રીઓની બાદબાકીની ચર્ચા ચાલી રહી છે.

નજીકના ભૂતકાળમાં કુંવરજીભાઈ બાવળિયા અને જવાહર ચાવડાએ ભાજપ પ્રવેશ મેળવતા બન્નેને કેબીનેટ મંત્રી પદ અપાયેલ છે. બન્ને પેટાચૂંટણી જીતી જતા ભાજપ આ રીતરસમ આગળ વધારવા માગે છે.

(11:58 am IST)