Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

બે દિવસમાં ૧૦૦ મૃતદેહોના અંતિમસંસ્કાર કરવામાં આવ્યા

ભરૂચમાં કોરોનાનો કોહરામ : રસીનો સ્ટૉક ખૂટી પડ્યો હોવાને લીધે સ્થગિત કરવામાં આવ્યું, સત્તાવાર આંકડા અનુસાર ૭૭ લોકોએ જીવ ગુમાવ્યા

ભરુચ,તા.૧૦ : દક્ષિણ ગુજરાતમાં આવેલા ભરૂચના ઔદ્યોગિક જિલ્લાઓ તેમાં ખાસકરીને ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાની સ્થિતિ દિવસેને દિવસે ગંભીર બનતી જાય છે. ૮મી મેના રોજ જિલ્લામાં ૧૬૪૪ સક્રિય કેસ હતા. કોરોના મહામારીની શરૂઆતથી અત્યાર સુધી અહીં કુલ ૭૯૭૯ કેસ નોંધાયા છે. રવિવારના રોજ ભરૂચ જિલ્લામાં એક જ દિવસમાં ૨૪૮ લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો, જે અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો છે.

સત્તાવાર આંકડા અનુસાર ૭૭ લોકોનાં મૃત્યુ થયા છે, પરંતુ કોરોનાના દર્દીઓની અંતિમ ક્રિયા થતી હોય તેવા સ્મશાન, કબ્રસ્તાનમાં મોટી સંખ્યામાં મૃતદેહો જોવા મળ્યા હતા. ગોલ્ડન બ્રિજ પાસે નર્મદા નદીના કિનારે આવેલા કોવિડ સ્મશાનઘાટમાં અત્યાર સુધી લગભગ ૯૦૦ મૃતદેહોનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો છે.

સ્મશાનઘાટના રેકોર્ડ અનુસાર, શનિવાર અને રવિવારના રોજ ઓછામાં ઓછા ૧૦૦ લોકોના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. નોંધનીય છે કે ગ્રામ્ય વિસ્તાર શહેરી વિસ્તાર કરતા વધારે પ્રભાવિત થયો છે. અંકલેશ્વર અને ભરુચના ગામડાઓમાં ૫૨૫૮ કેસ રજિસ્ટર થયા છે જ્યારે શહેરમાં ૨૭૨૧ કેસ નોંધાયા છે.

ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર, દહેજ, વિલાયત, પાનોલી અને ઝઘડિયામાં મોટી સંખ્યામાં ઔદ્યોગિક એકમો ઉપસ્થિત છે. અને લાખોની સંખ્યામાં પ્રવાસી મજૂરો કામ કરે છે. અંક્લેશ્વરની જીવન જ્યોત હોસ્પિટલના ફિઝિશિયન ડોક્ટર કેતન દોશી જણાવે છે કે, ગ્રામીણ વિસ્તારોની પરિસ્થિતિ ગંભીર થતી જાય છે અને અમે જોઈ રહ્યા છીએ કે લોકો હોસ્પિટલ આવવામાં મોડું કરી નાખે છે.

રસીકરણની પ્રક્રિયાની વાત કરીએ તો રસીકરણની પ્રક્રિયા પૂરજોશમાં ચાલી રહી છે, જો કે સપ્લાય ઓછો હોવાને કારણે ઘણાં સેન્ટરમાં વેક્સિનનો સ્ટોક ખુટી પડવાની ફરિયાદ આવી રહી છે.

જિલ્લાના એપિડેમિક હેલ્થ ઓફિસર ડોક્ટર નિલેશ પટેલ જણાવે છે કે, વિવિધ ઔદ્યોગિક એકમોમાં લગભગ ૯૨ રસીકરણ કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યા હતા અને સારી પ્રતિક્રિયા મળી હતી. અત્યારે રસીની કમીને કારણે અભિયાનને સ્થગિત કરવામાં આવ્યું છે, પરંતુ થોડા દિવસમાં ફરીથી શરૂ કરવામાં આવશે.

(9:53 pm IST)