Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

૫૦ પ્રોફેસર સહિત ૧૦૫૦નો સ્ટાફ કોરોના ડ્યૂટીથી મુક્ત

સુરત સિવિલમાં દર્દીની સંખ્યા ઘટતા બેડ થયા ખાલી : પહેલાં પરિસ્થિતિ એટલી વણસી ગઇ હતી કે એક પણ બેડ ખાલી ન હતો, હવે ઓક્સિજન અને બેડની અછત દૂર થઇ

સુરત,તા.૧૦ : કોરોનાના દર્દીઓની સંખ્યા ઘટતા સિવિલિ હોસ્પિટલની સ્થિતિ સામાન્ય થઇ ગઇ છે. ૬૦ ટકા કોરોનાની ડ્યૂટી મુક્ત થયો છે. આજથી સામાન્ય ઓપીડી શરૂ થઇ જશે. અત્યારે પહેલીપાળીમાં સવારે ૯ થી ૧ વાગ્યા સુધી સામાન્ય ઓપીડી શરૂ થશે. આ ઉપરાંત અન્ય બિમારીઓના ૨૦૦૦ દર્દીઓ દર્દીઓને દરરોજ સારવાર મળી શકશે. સુરત સિવિલ હોસ્પિટલની સ્થિતિની વાત કરવામાં આવે તો હોસ્પિટલ તથા કોવિડ કેરના ૧૧૨૬૫ પૈકી ૪૫૩૧ દર્દીઓ સારવાર હેઠળ છે. એટલે કે ૬૭૩૪ બેડ ખાલી છે.

બે અઠવાડિયા પહેલાં સ્થિતિ એટલી વણસી ગઇ હતી કે એકપણ બેડ ખાલી ન હતો. હવે ઓક્સિજન અને બેડની અછત દૂર થઇ ગઇ છે. પ્લાન્ટ ઓપરેશન અને મ્યુકોરમાઈકોસિસની સારવારની તૈયારી કરવામાં આવી રહી છે. કોન્ટ્રાક્ટ પર લેવામાં આવેલા સ્ટાફને કોરોનાની ડ્યૂટી આપવામાં આવશે, કારણ કે તેમની ટ્રેનિંગ તેના માટે થઇ છે.

તેમનો કોન્ટ્રાક્ટ માત્ર ૩ મહિનાનો છે. ઓપીડીમાં સંબંધિત વિભાગ જ ડોક્ટર રહેશે. સિવિલ હોસ્પિટલમાં લગભગ ૩૦૦થી વધુ રેસિડેન્ટ ડોક્ટર, ૫૦થી વધુ પ્રોફેસર, ૩૦૦થી વધુ નર્સિંગ સ્ટાફ, ૪૦૦ જેટલા વર્ગ ચારના કર્મચારી હવે ઓપીડી માટે તૈયાર છે. કોરોના દર્દીઓની સારવાર માટે ૪૦ ટકા સ્ટાફ પુરતો છે. સિવિલ હોસ્પિટલના ડોક્ટરે જણાવ્યું હતું કે સામાન્ય દિવસોમાં બે ઓપીડી ચાલે છે, પરંતુ અત્યારે ૯ થી બપોરે ૧ સુધી એક મીટિંગ જ ઓપીડી શરૂ કરશે. પ્લાન્ડ ઓપરેશનની પણ તૈયારી કરવામાં આવી રહી છે.

મ્યુકોરમાઈકોસિસની પણ સારવાર શરૂ કરવાનું વિચારી રહ્યા છીએ. ખાનગી હોસ્પિટલોમાં તેની સારવાર શરૂ થઇ ગઇ છે. પરંતુ ખૂબ મોંઘી છે. જેના લીધે ઘણા લોકો તેની સારવાર કરાવી શકતા નથી.  કોરોના દર્દીઓ ઓછા થઇ ગયા છે. અમારો ૬૦ ટક સ્ટાફ ફ્રી થઇ ગયો છે. અમે આજથી સામાન્ય ઓપીડી શરૂ કરવાની તૈયારી કરી દીધી છે.

બેથી ત્રણ વિશેષજ્ઞોની ટીમ બનાવીને તેમના જ માર્ગદર્શન હેઠળ સારવાર કરવામાં આવશે. અન્ય બિમારીઓના દર્દીઓ વધી રહ્યા છે. અમારે તેમનું પણ ધ્યાન રાખવાનું છે. હોસ્પિટલ મેનેજમેન્ટનું કહેવું છે કે આગામી મહિનાથી વરસાદની સિઝન શરૂ થવાની છે. વરસાદમાં ડેંગૂ, મલેરિયા, ઝાડા અને વાયરલ ફીવર જેવી બિમારીઓના હજારો દર્દીઓ સિવિલ આવે છે.

કોરોનાના પહેલાં એપ્રિલ-જૂન અને જૂન-જૂલાઇમાં ઓપીડીમાં દરરોજ ૪ હજારથી વધુ દર્દીઓ આવતા હતા. ૧૦ દિવસ પહેલાં સિવિલ હોસ્પિટલમાં કોરોનાના એટલા દર્દીઓ થઇ ગયા હતા કે ઓક્સિજન અને સ્ટાફની સમસ્યાના લીધે દર્દીઓને દાખલ કરવાનું બંધ કરી દીધું હતું. હવે સ્થિતિમાં સુધારો છે. અત્યારે સિવિલમાં કોરોનાના માત્ર ૫૦૦ દર્દીઓ છે.

(9:53 pm IST)