Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

તીર્થધામ વડતાલ સ્વામિનારાયણ મંદિર દ્વારા કોરોનાગ્રસ્ત લોકો માટે નિ:શૂલ્ક ટિફિન સેવા શરૂ

35 ગામડાઓ અને 15 હોસ્પિટલમાં રોજ 2100 જેટલા લોકોને તાજુ ભોજન પ્રસાદ રૂપે પહોંચાડાઇ છે

વડતાલ: ખેડા જીલ્લામાં આવેલા જગપ્રસિદ્ધ તીર્થધામ વડતાલ મંદિરમાં કોવિડ કેર સેન્ટર સાથે સેવાની ધુણી ધખાવી છે. સ્વામિનારાયણ મંદિર દ્વારા કોરોનાગ્રસ્ત લોકો માટે નિ:શૂલ્ક ટિફિન સેવા શરૂ કરવામાં આવી છે. 35 ગામડાઓ અને 15 હોસ્પિટલમાં રોજ 2100 જેટલા લોકોને તાજુ ભોજન પ્રસાદ રૂપે પહોચાડવામાં આવી રહ્યુ છે.

વડતાલ સ્વામિનારાયણ મંદિર દ્વારા હોસ્પિટલમાં દાખલ થયેલા કોવિડ દર્દીઓ અને તેમના સગા સબંધીઓને સવાર સાંજ બન્ને સમય તાજુ ભોજન પહોચાડવામાં આવી રહ્યુ છે. કોવિડના દર્દીઓને દાળભાત, શાક-રોટલી, દૂધ અને ફળ તથા ફળના તાજા જ્યુસની સેવા કરવામાં આવે છે. સંસ્થા દ્વારા વિસ્તાર પ્રમાણે હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે જેથી જરૂરીયાતવાળા લોકો સવારે 8 વાગ્યા પહેલા અને સાંજે ત્રણ વાગ્યા પહેલા ટીફીનની સંખ્યા અને સરનામું નોંધણી કરાવે છે અને તે પ્રમાણે વડતાલ મંદિરની સ્વયંસેવકોની ટીમ ઘર/ હોસ્પિટલમાં પ્રસાદરૂપે ભોજન પહોચાડે છે. નડિયાદ જીલ્લાની 6 અને આણંદ જીલ્લાની 9 હોસ્પિટલો તથા બન્ને જીલ્લાના 35 ગામડાઓમાં સાત જુદી જુદી ટીમ ટીફીન પહોચાડી રહી છે.

વર્તમાન આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજના આશીર્વાદ સહ વડતાલ મેનેજીંગ ટ્રસ્ટીબોર્ડના ચેરમેન દેવપ્રકાશદાસજી સ્વામી વગેરે ટ્રસ્ટી, સભ્યોએ સરકારના માર્ગ દર્શન પ્રમાણે અનેક સેવા સોપાનો શરૂ કર્યા છે. જેમા ટીફીનની સાથે સાથે સંપુર્ણ નિ:શૂલ્ક સારવાર આપતી કોવિડ કેર હોસ્પિટલ પણ કાર્યરત છે. આજની કપરી પરિસ્થિતિમાં પરિવારમાં કોઈ સ્વજન પોઝીટીવ આવે અને ઘરમાં જરૂરી દુરી જાળવી શકાય , એમ ન હોય , તેવાં પરિવાર માટે નિ:શૂલ્ક આઇસોલેશન સેન્ટર/ કોરન્ટાઇન સેન્ટર ચાલે છે.

ટીફીન માટે હેલ્પ લાઈન

1. મનીષભાઈ :- કરમસદ – 9429840061
2. અતુલભાઈ :- ક્રિષ્ણા હોસ્પિટલ -9428223935
3. વિશાલભાઈ – વડતાલ 8000784924
4. પ્રિતેશભાઈ કરમસદ -7984048643

(9:06 pm IST)