Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

કોરોનામાંથી રિકવર થયા પછી છાતીમાં દુખાવો થાય કે કોઈ ફરિયાદ હોય તો તરત જ હૃદયનું નિદાન કરાવો, સમયસર સારવારથી કોમ્પ્લિકેશન્સ ટાળી શકાય છે: ડૉ. તેજસ પટેલ

ડાયાબિટીસ, કોરોના અને સ્ટીરોઇડનું કોમ્બિનેશન મ્યુકરમાઇકોસિસનું જોખમ વધારી દે છે : મ્યુકરમાઇકોસિસથી બચવા કોરોના થયા બાદ વ્યક્તિને જો માથું, આંખ, જડબા અને ગળામાં દુખાવો જેવા લક્ષણો જણાય તો તરત જ તબીબી તપાસ કરાવવી : રેમડેસિવિર લાઇફ સેવિંગ ડ્રગ છે તેવું કોઇ જ સ્ટડીમાં પુરવાર થયું નથી : ડૉ. અતુલ પટેલ : કૉવિડ ટાસ્ક ફોર્સના તબિબોનો મિડીયા સાથે વાર્તાલાપ

અમદાવાદ : આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ.જયંતિ રવિએ જણાવ્યુ છે કે, કોરોનાના સંક્રમણના બીજા તબક્કામા સંક્રમણનુ પ્રમાણ જે રીતે વધી રહ્યુ છે તેની સામે મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષે રોજ બરોજ મળતી કોર કમિટીની બેઠકમા લીધેલા મહત્વના નિર્ણયો અને એના અસરકારક અમલના પરિણામે આપણે સંક્રમણ ખાળવામા સફળતા મળી છે. તેમણે ઉમેર્યુ કે,  બીજા તબક્કામા ૨૯ એપ્રિલથી કેસોની માત્રામા ઉત્તરોત્તર ઘટાડો જોવા મળી રહ્યો છે જે ખૂબ સારા સંકેત છે.
તેમણે ઉમેર્યુ કે, ગ્રામ્ય વિસ્તારોના નાગરિકોને સુરક્ષિત કરવા “મારૂ ગામ કોરોના મુકત ગામ” અભિયાનનો રાજયવ્યાપી શુભારંભ થયો છે અને કોવિડ કેર સેન્ટર કાર્યરત થયા છે જેના પરિણામે ગ્રામ્ય સ્તરે સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓને ત્વરિત સારવાર મળશે અને ચેઈન તોડવામા પણ સફળતા મળશે. એટલા માટે લોકોએ પ્રાથમિક તબક્કે નિદાન કરાવી સારવાર લે તો ચોકકસ ક્રિટીકલ થતા બચી શકશે.
                 તેમણે કહ્યુ કે, રાજય સરકારે સમયસર પથારીની સુવિધા દવાઓ અને ઓક્સિજનની સુવિધા ઉપલબ્ધ કરાવી જેના પરિણામે આ સફળતા મળી છે. નિષ્ણાતો ના મતે દેશભરમા ત્રીજો વેવ આવવાની સંભાવનાઓ સેવાઇ રહી છે એના આગોતરા આયોજન માટે આજે કોવિડ ટાસ્ક ફોર્સના સભ્યો સાથે મુખ્યમંત્રી સાથે ચર્ચા બાદ પૂરતી તૈયારીઓ કરવા મા આવી છે. બીજા વેવના અનુભવો ને આધારે યોગ્ય આયોજન કરાશે તેમજ ગામડાઓમા સંક્રમણ જે રીતે વધ્યુ છે એ માટે મારૂ ગામ કોરોના મુકત અભિયાન ચોકકસ અસરકારક નીવડી રહ્યુ છે. આ સાથે વેકસિનેશન ને પણ સરકારે ભાર મૂકયો છે તો સૌ એ સત્વરે વેકસિન લેવી જોઈએ. સાથે સાથે કોવિડના પ્રોટીકોલનો ચુસ્તપણે અમલ કરશુ તો ચોકકસ આપણે કોરોનાને મ્હાત આપી શકીશુ. આગામી સમયમા આપણે નકકર આયોજન સાથે આગળ વધીશું  તો લોકો એ સહેજપણ ચિતા કરવાની જરૂર નથી.
                  ડૉ. તેજસ પટેલ: કાર્ડિયોલોજિસ્ટ, હૃદય રોગના નિષ્ણાત કોરોનાના બીજા વૅવમાં દર્દીઓમાં કાર્ડિયોલોજીકલ ક્રાઈસિસ જોવા મળી છે. કોરોનામાંથી રિકવર થઈને આરામ કરતા કેટલાક દર્દીઓમાં ૧૫થી ૨૫ દિવસ પછી હૃદયની નળીઓમાં બ્લડ સર્ક્યુલેશનમાં ક્લૉટીંગ જોવા મળે છે. સમયસર દર્દીની સારવાર થાય તો દર્દીઓ સાજા થઈ જાય છે.  કોરોનાની રિકવરી પછી કોઈ વ્યક્તિને છાતીમાં દુખાવો થાય કે બીજી કોઈ તકલીફ કે લક્ષણો દેખાય તો તરત જ હૃદયનું નિદાન કરાવી લેવું જોઈએ. દર્દીને સમયસર સારવાર મળી જાય  તો કોમ્પ્લિકેશન્સ થતા નથી. કોરોનાની સારવાર દરમિયાન દર્દીનું d-dimer વધી જતું હોય છે, ત્યારે ડોક્ટર દર્દીને લોહી પાતળું કરવાની દવા આપતા જ હોય છે.  દર્દીઓએ જરૂરિયાત પ્રમાણે એક કે બે મહિના થી લઈને ત્રણ મહિના સુધી દવા લેવી જોઈએ, પરંતુ પોતાના ડોક્ટરની સલાહ પ્રમાણે.
                  કોરોનાનો ત્રીજો વૅવ કેવો હશે ? અને ક્યારે આવશે.? એ વિષે બોલતાં ડૉ. તેજસ પટેલે કહ્યું હતું કે, કેસો ઓછા થાય એટલે લોકોમાં કમ્ફર્ટલેવલ આવી જાય છે, પછી લોકો રિલેક્સ થઇ જાય છે, પરિણામે કોરોના ઉથલો મારે છે. એટલે જ સેકન્ડ વૅવમાં આપણને ઘણી તકલીફો પડી. સ્પેનિશ flu ની પેટર્ન પ્રમાણે જોઈએ તો કોરોનાના ત્રીજા વૅવની માનસિકતા રાખી શકાય પરંતુ કોરોના સામેની કાળજીનુ ચુસ્ત પાલન કરીશું તો આ સંભાવના અટકાવી શકીશું.

                   કોરોના પણ એક વાયરસ જ છે, એ ગમે ત્યારે તો ઢીલો પડશે જ. જે આવે છે તે જાય જ છે. પરંતુ આપણે ત્રીજા વૅવને બ્લન્ટ કરી નાખવો પડે. એ માટે વેક્સિનેશન એ સૌથી સારામાં સારો ઉપાય છે. આપણે સૌ નાની મોટી આડઅસરોની ચિંતા કર્યા વિના કોરોનાની વેક્સિન લેવી જ જોઇએ. કોરોનાના આ વૅવમાં જોવા મળ્યું છે કે, જેમણે વેક્સિનના બે ડોઝ લીધા છે તેવા લોકોને કોરોનાની ગંભીર અસરો થઇ નથી. રસી લીધી એટલે કોરોના નહીં થાય એવી ગેરંટી નથી, પરંતુ બે ડોઝ લીધા પછી ચોક્કસ દિવસના અંતરે એન્ટીબોડી ડેવલપ થાય છે. આપણે વેક્સિન લઈશું તો હર્ડ ઈમ્યૂનિટી આવશે અને આપણે કોરોનાની ખરાબ અસરોમાંથી બચી શકીશું. 
                   ડૉ. અતુલ પટેલ : ઇન્ફેકશન ડિવિઝનના ડિરેક્ટર, સ્ટર્લીંગ હોસ્પિટલ અમદાવાદ સ્ટર્લીંગ હોસ્પિટલ અમદાવાદના ઇન્ફેકશન ડિવિઝનના ડિરેક્ટર ડૉ. અતુલ પટેલે જણાવ્યું કે, શરદી જેવા વાયરલ ઇન્ફેક્શનની જેમ કોરોનાનો પણ એક નેચરલ કોર્સ હોય છે, અમુક દિવસો સુધી તે શરીરમાં રહે છે. સ્ટીરોઈડ કોરોનાના નેચરલ કોર્સમાં બદલાવ લાવે છે અને વ્યક્તિની ઈમ્યૂન સિસ્ટમને સપ્રેસ કરે છે જેથી મ્યુકરમાઇકોસિસ શરીર પર હાવી થવાની સંભાવના વધી જાય છે. કોરોના પહેલા મ્યુકરમાઇકોસિસ થવાનું મોટું કારણ ડાયાબિટીસ હતું. સ્ટીરોઈડ લેવાથી સ્વાદુપિંડ પર તે અસર કરે છે અને વ્યક્તિના શરીરમાં ડાયાબિટીસની અસર જન્માવે છે. આમ ડાયાબિટીસ, કોરોના અને સ્ટીરોઇડનું ડેડલી કોમ્બિનેશન મ્યુકરમાઇકોસિસને અનુકુળ માહોલ આપે છે.
                      તેમણે કહ્યું કે, મ્યુકરમાઇકોસિસની ફૂગ સડો પામતા શાકભાજી અને કચરામાં જોવા મળે છે સામાન્ય રીતે તે આપણી આસપાસના વાતાવરણમાં બધે જ વ્યાપ્ત છે. આપણે રોજ આ ફૂગના વિજાણુને શ્વાસમાં લઈએ છીએ પરંતુ પૂરતી રોગ પ્રતિકારક શક્તિ ધરાવતા સામાન્ય માનવીને તેનાથી નુકસાન થતું નથી.
તેમણે ઉમેર્યું કે, કોરોના થયા બાદ વ્યક્તિને જો માથું, આંખ, ગળા, જડબા અને ગળામાં દુખાવો જેવા લક્ષણો જણાય તો તરત જ યોગ્ય તબીબી તપાસ કરાવવી જોઈએ. મ્યુકરમાઇકોસિસ લાંબી સારવાર માંગી લેતું હોય છે અને આ કિસ્સામાં મૃત્યુ દર અલગ-અલગ શહેરોમાં ૩૮ થી ૪૫ ટકા જોવા મળ્યો છે.
                  તેમણે વધુમાં કહ્યું કે, વ્યક્તિ શરદી, ખાંસી, કળતર તાવ જેવાં લક્ષણો બાદ ટેસ્ટ કરાવતા પોઝિટિવ આવે છે ત્યારે ઘણી દવાઓનો આગ્રહ રાખે છે તે યોગ્ય નથી. કોમોર્બિડ દર્દીઓને પણ અન્ય રોગ નિયંત્રિત સ્થિતિમાં હોય તો તેઓએ પણ  ડરવું જોઈએ નહીં. કોવિડ-૧૯ના ૮૦ ટકા દર્દીઓ માત્ર હોમ આઇસોલેશનથી સાજા થઇ શકે છે. વ્યક્તિએ હાઇડ્રેશન- શરીરમાં પ્રવાહી જળવાય તેનું ધ્યાન રાખવું જોઈએ.
                   ડો.અતુલે કહ્યું કે, કોવિડના ઘણા દર્દીઓ આઇ.સી.યુ. અને ઓક્સિજનની કે કોઇ અન્ય દવાઓની જરૂર પડશે તેવું વિચારી માનસિક તણાવમાં આવી જતા હોય છે પરંતુ એ યાદ રાખવું જોઈએ કે માત્ર ૨૦ ટકા દર્દીઓને જ સિમ્ટોમેટિક સપોર્ટિવ કેરની જરૂર છે.
રેમડેસિવિરનો ઉપયોગ પણ તબીબની સલાહ પ્રમાણે જ કરવો જોઈએ. રેમડેસિવિર લાઇફ સેવિંગ ડ્રગ છે તેવું કોઇ જ સ્ટડીમાં પુરવાર થયું નથી. રેમડેસિવિર માત્ર દર્દીનો હોસ્પિટલ સ્ટે ઘટાડે છે. રેમડેસિવિરના ઉપયોગથી મૃત્યુદરમાં કોઇ જ ફેરફાર થયો નથી. આ ઉપરાંત  કોરોના થતા જ દર્દીને રેમડેસિવિર ઇન્જેકશન આપવાથી પણ કોઈ ફાયદો થતો નથી.
                  ડૉ. તુષાર પટેલ : પલ્મોનલૉજીસ્ટ અને સ્ટર્લિંગ હોસ્પિટલના ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ટાસ્ક ફોર્સના સભ્ય અને જાણીતા પલ્મોનલૉજીસ્ટ અને સ્ટર્લિંગ હોસ્પિટલના ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ ડૉ. તુષાર પટેલે પોસ્ટ કૉવિડ લંગ્સ ફાઈબ્રોસિસ વિશે વિસ્તૃત માહિતી આપતા કહ્યું કે, કોરોનામુક્ત થઈ ગયેલા દર્દીઓ પૈકી મોટાભાગના દર્દીઓને ફેફસામાં શિથિલતા આવી જવાને કારણે શ્વાસ લેવામાં થોડી તકલીફ પડવી કે ખૂબ થાક લાગવા જેવી તકલીફ થતી હોવાની સૌથી વધુ ફરિયાદ મળે છે. દોઢ વર્ષના કોરોના ટ્રીટમેન્ટ સંબંધિત અનુભવને આધારે એટલું ચોક્કસ કહી શકું છું કે, ફેફસાનું ડેમેજ લાંબો સમય રહેતું પણ નથી. કોરોનામુક્ત થયેલા દર્દીઓએ ફેફસાં મજબૂત કરવા વિશેષ ધ્યાન આપવું જરૂરી છે. તેના માટે યોગ - પ્રાણાયામ તથા ફેફસાને મજબૂત કરવા માટેની કસરતો કરવી જ જોઈએ. ફેફસાને લાગતી ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ પણ લઈ શકાય.
               પોસ્ટ કૉવિડ લંગ્સ ફાઈબ્રોસિસથી ડરવાની જરૂર નથી પરંતુ તકેદારી રાખીને કોરોનામુકત દર્દીએ ફેફસાં મજબૂત કરવાની કસરત કરવી એટલી જ જરૂરી છે. ડો.મહર્ષિ દેસાઈ: ક્રિટીકલ કેર સ્પેશ્યાલિસ્ટ, એપોલો હોસ્પિટલ કોરોનાના દર્દીઓની સારવારને લઇને અનેક ઊભી થઇ રહેલી ગેરસમજ અંગે વાત કરતા ડો.મહર્ષિ દેસાઈએ જણાવ્યું હતું કે, સામાન્ય લક્ષણો ઘરાવતા દર્દીઓએ શરૂઆતના ૫-૭ દિવસમાં કોઈ વધારાના રિપોર્ટ કે પછી સીટી સ્કેન કરવાની પણ જરૂર હોતી નથી. માત્ર ઘરે આઇસોલેટ થઇને પણ ઝડપથી રિક્વરી મેળવી શકે છે.
                 કોરોનાના સામાન્ય લક્ષણો ઘરાવતા દર્દીઓએ શરૂઆતના ૫-૭ દિવસ દરમ્યાન ખૂબ જ આરામ કરવો જોઇએ, ખુબ માત્રામાં પ્રવાહી લેવું જોઇએ એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું. સ્ટિરોઇડ દવાનો ઉપયોગ અંગે તેમણે વધુમાં જણાવ્યું  કે, કોરોના પોઝિટિવ આવનારા દર્દીઓએ શરૂઆતના ૫-૭ દિવસ સુધી સ્ટિરોઇડ દવાનો ઉપયોગ ટાળવો જોઈએ. ૭ દિવસ બાદ ડોક્ટરની સલાહ મુજબ જ સ્ટિરોઇડનો ઉપયોગ કરવો જોઈએ.
                  આ સંદર્ભમાં તેમણે વધુમાં જણાવ્યું હતું કે,  શરૂઆતના સમયગાળામાં સ્ટિરોઇડનો ઉપયોગ કરવાથી તે આપણી ઇમ્યુનિટી સિસ્ટમ પર અસર કરે છે. એટલું જ નહીં શરૂઆતના સમયગાળામાં સ્ટિરોઇડનો ઉપયોગ કરવાથી વાયરસનું ઇન્ફેક્શન પણ વધી જાય છે. જેથી શરૂઆતના ૭ દિવસ સુધી સ્ટિરોઇડનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. ડોક્ટરની સલાહ મુજબ સ્ટિરોઇડનો ઉપયોગ કરવો જોઈએ.
                  ડો.મહર્ષિ દેસાઈએ વધુમાં જણાવ્યું હતું કે, દરેક દર્દીની મેડિકલ ટ્રીટમેન્ટ અલગ - અલગ હોય છે. એટલું જ નહિ દરેક દવા પ્રત્યેનું દરેક વ્યક્તિનું રિએક્શન અલગ હોય છે. જેથી દર્દીએ અન્ય દર્દીને જોઈને તેની ટ્રીટમેન્ટ ફોલો પણ ન કરવી જોઈએ.

                 ડૉ.દિલીપ માવળંકર: ડાયરેકટર, ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થના ડાયરેકટર ડૉ.દિલીપ માવળંકરે જણાવ્યુ હતું કે, કોરોનાને નાથવા માટે આપણે ઘણા સમયયથી પ્રયાસો કર્યા છે જેને સફળતા મળી છે. આગામી સમયમા ત્રીજો વેવ આવવાની સંભાવના સેવાઈ રહી છે તે માટે આપણે સૌ એ તકેદારી સાથે સચેત રહેવાની જરૂર છે. તેમણે ઉમેર્યુ કે, બીજા તબક્કામા ગામડાઓ માં જે રીતે કેસો વધી રહ્યા છે તે માટે ગ્રામ્ય કક્ષાએ કોવિડ કેર સેન્ટર શરૂ કરી દેવાયા છે ત્યારે દર્દીઓ આઈસોલેશન મા રહે તો એના પરિવાર ને સંક્મણ થી બચાવી શકશે આવા સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓ જો આઈસોલેશન મા રહીને સારવાર લે તો ગ્રામ્ય સ્તરે ચોકકસ સંક્રમણ અટકાવી શકીશું.
                  તેમણે ગામડાઓમા સંક્રમણ અટકે એ માટે ભીડ એકત્ર ન કરીએ અને યોગ્ય સોશયલ ડિસટન્સીગ નુ પાલન કરીને કોવિડના પ્રોટોકોલનુ પણ ચુસ્તપણે પાલન કરવા અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત લોકોમા જાગૃતિ આવે એ માટે સંનિષ્ઠ પ્રયાસો કરીએ અને સૌ નાગરિકો પણ સ્વયં જાગૃત બને એ પણ એટલુ જ જરૂરી છે. ભીડમા જઈએ ત્યારે ડબલ માસ્ક રાખીએ, સોશ્યલ ડિસ્ટન્સ રાખીએ તેમજ સેનીટાઈઝેશન અને વેન્ટીલેટરની યોગ્ય વ્યવસ્થાઓ પોતાના ઘરમાં રાખવુ જોઈએ. તેમજ બિમારી જણાય તો સત્વરે નિદાન કરાવીને તેની સારવાર ઝડપથી શરૂ કરવી જેના પરિણામે આપણે ક્રિટીકલ પરિસ્થિતિમાંથી ચોકકસ બચી શકીશું તેમણે કોરોનાથી બચવા માટે વેકિસન ઉપલબ્ધ છે તો સૌ નાગરિકો એ સહેજપણ ગભરાયા વગર વેકસિન લઈ લેવી જોઈએ તેમ તેમણે ભારપૂર્વક અનુરોધ કર્યો છે.

(8:29 pm IST)