Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

વડોદરાના એકતાનગરમાં ઘર નજીક રમી રહેલ 16 મહિનાના બાળકને જીપના ચાલકે ટક્કર મારતા કરુણ મોત નીપજ્યું

વડોદરા : એકતાનગરમાં ઘર પાસે રમતા ૧૬ મહિનાના માસુમ બાળકને પૂરઝડપે આવતી એક જીપના ચાલકે અડફેટે લેતા તેનું કરૃણ મોત થયુ હતુ.બાપોદ પોલીસે જીપના નંબરના આધારે આરોપીને પકડવાના પ્રયાસો હાથ ધર્યા છે.

આજવારોડ એકતાનગરમાં રહેતા હમીદઉલ્લા જીઆઉલ્લા અંસારીએ પોલીસને જણાવ્યુ છે કે,હું ઘરે લેડિઝ કપડાની સિલાઇ કરીને ગુજરાન ચલાવુ છું.મારે સંતાનમાં વર્ષની પુત્રી અને ૧૬ મહિનાનો પુત્ર છે.આજે સવારે સાડા નવ વાગ્યે મારો છોકરો ઘર પાસે રમતો  હતો.તે સમયે એકતાનગરના અંદરના ભાગેથી મરઘીઓ ભરેલી એક બોલેરો જીપ પૂરઝડપે આવી હતી.અને મારા  પુત્રને  ટક્કર મારી માથામાં ગંભીર ઇજા  પહોંચાડી હતી.અને જીપનો ડ્રાયવર સ્થળ પર જીપ મુકીને ભાગી ગયો હતો.ત્યારબાદ હું મારા પુત્રને લઇને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં આવ્યો  હતો.જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો.પોલીસે હમીદઉલ્લાની ફરિયાદના આધારે જીપ ચાલક  સામે ગુનો દાખલ કરી તેની શોધખોળ હાથ ધરી છે.

(5:45 pm IST)