Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

મ્યુકોર્માયકોસીસ રોગ કેન્સર કરતા પણ ખતરનાક

સુરતના ઉદ્યોગપતિ ડાયમન્ડ કિંગ ગોવિંદકાકા ધોળકીયા અને તબીબ વચ્ચેની વાતચીતનો ઓડિયો સોશ્યલ મિડીયામાં વાયરલ : ઉધઈ જેવી જીવાત નાકવાટે શરીરમાં પ્રવેશે અને કોરોનાના દર્દીને જોખમ ઉભુ કરેઃ આ રોગના લક્ષણો દેખાય તો તાબડતોબ તબીબ પાસે પહોંચી જવું

રાજકોટ, તા. ૧૦ :. કોરોના મહામારી વચ્ચે મ્યુકોર્માયકોસીસ રોગએ દેખા દેતા ચિંતા વધી ગઈ છે. અનેક જગ્યાએ આ રોગના કેસ વધતા તબીબો દ્વારા તપાસ અને સારવાર શરૂ કરી દેવામાં આવી છે, ત્યારે સુરતના ઉદ્યોગપતિ ડાયમન્ડ કિંગ ગોવિંદકાકા ધોળકીયા અને સુરતના તબીબ વચ્ચેની વાતચીતનો ઓડિયો સોશ્યલ મિડીયામાં વાયરલ થયો છે. જેમાં આ રોગ વિશે માહિતી આપવામાં આવી છે અને શું - શું ધ્યાન રાખવું ? તેની જાણકારી તબીબે આપી છે.

ઓડિયોમાં તબીબ જણાવે છે કે કોરોના મહામારી વચ્ચે ફુગનું ડેન્જર રૂપ આ મ્યુકોર્માયકોસીસ રોગમાં જોવા મળ્યુ છે. આ રોગ કેન્સર કરતા પણ ખતરનાક છે. ઉધઈ જેવી જીવાત નાક વાટે શરીરમાં પ્રવેશી જાય છે અને નાક તથા આંખના ભાગને કોતરી જાય છે. જેના કારણે દર્દી ગંભીર બને છે અને મૃત્યુને પણ ભેટે છે.

આ રોગના લક્ષણો અંગે તબીબે જણાવ્યુ છે કે દર્દીના નાકમાંથી લોહી નિકળે, નાકમાંથી વાસ આવે, દાત અને મોઢામાં દુઃખાવો થાય, માથુ દુખે, શરીરના અમુક ભાગોમાં ઝણઝણાટી થાય આવા લક્ષણો દેખાય તો તબીબો પાસે પહોંચી જવુ જોઈએ અને તેની સારવાર શરૂ કરાવવી જોઈએ. ગયા વર્ષે કોરોના મહામારી વચ્ચે કોરોનાના દર્દીને એકથી દોઢ મહિના બાદ આ રોગ હોવાનું જાણ વા મળતુ હતુ જ્યારે આ વખતે આ રોગે સ્પીડ પકડી હોય તેમ કોરોના થયાના પાંચથી છ દિવસ અંદર જ આ રોગ દેખા દે છે. ડાયાબીટીસના દર્દીને કોરોના બાદ સ્ટીરોઈડ આપ્યા બાદ આ રોગ વધુ વકરતો હોવાનું જોવા મળ્યુ છે.

સોશ્યલ મિડીયામાં ઉદ્યોગપતિ અને સુરતના ડાયમન્ડ ગોવિંદકાકા ધોળકીયા સાથેની વાતચીતમાં તબીબ વધુમાં જણાવે છે કે કોરોના મહામારી વચ્ચે મ્યુકોર્માયકોસીસના ઓપરેશનના દરરોજ બેથી ત્રણ કેસ આવે છે. જ્યારે ઘણીવાર તો દિવસમાં પાંચ-પાંચ ઓપરેશન કરવા પડે છે. જેથી આ રોગનુ વ્યાપક પ્રમાણ થયુ હોય તેવુ જોવા મળ્યુ છે. આ રોગના ઓપરેશન માટે તંદુરસ્ત દર્દીના રૂ. ૬ લાખ જેવો ખર્ચ થાય છે.

સોશ્યલ મિડીયામાં તબીબે વધુમાં જણાવ્યુ કે, શ્રધ્ધા, આત્મવિશ્વાસ અને ખોટુ નહી કરવાની દાનત હોય તો અનેક મુશ્કેલીમાંથી બચી શકાય છે. એક મહિલાને આ રોગના ઓપરેશન માટે ઓપરેશન થિયેટરમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ઓપરેશનના પ્રારંભે તબીબે ચેક કરતા મહિલાની તબીયતમાં સુધારો થયો હોવાનું જોવા મળતા ઓપરેશન કેન્સલ કર્યુ હતુ અને આંખના સર્જન તબીબે આ મહિલાની આંખ જતી બચાવી લીધી હતી જે એક ચમત્કાર ગણી શકાય.

આ રોગથી બચવા માટે ગરમ પાણીનો નાસ લેવો, આંખ ચોળવી નહિ, નાક ખોતરવુ નહિ, જલનેતી-એક નાકમાં પાણી નાખીને બીજા નાકમાંથી કાઢવું તે પ્રક્રિયા કરવી.

આમ કરવાથી આ રોગ થતો અટકે છે અને શરીરના અંગો પણ સાફ રહે છે. હાલમાં કોરોના કેસમાં થોડીક રાહત થઈ છે. ઓપીડીમાં પણ ૭૦થી ૮૦ ટકા દર્દીઓનો ઘટાડો નોંધાયો છે. જો કે હજુ કોરોનાના ગંભીર દર્દીઓ સારવાર લઈ રહ્યા હોવાનુ તબીબે અંતમા જણાવ્યુ છે.

(4:21 pm IST)