Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

'મીની લોકડાઉન' લંબાવતા નહિઃ બધી દુકાનો ખુલ્લી રાખવા છુટ આપજોઃ રાત્રી કર્ફયુ ૧૦થી રાખો

ગુજરાત રાજય ખાદ્યતેલ અને તેલીબીયા સંગઠનની માંગણી

રાજકોટ તા. ૧૦ : ગુજરાત રાજય ખાદ્યતેલ અને તેલિબિયા સંગઠનના પ્રમુખ સમીર શાહે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને એક પત્ર લખી મીની લોકડાઉન પૂર્ણ કરવા તથા રાત્રી કર્ફયુ ૧૦ થી ૬ કરવાની માંગણી કરી છે.

પત્રમાં તેમણે જણાવ્યું છે. કેસમગ્ર દેશની  જેમ આપણા રાજયમાં પણ કોરોના મહામારીના સંક્રમણે હાહાકાર મચાવ્યો છે. દેશના ઘણા રાજયોએ સંપૂર્ણ લોકડાઉન લાગુ કરેલ છે. આપણા રાજ્યમાં પણ ઘણા લોકોએ સંપૂર્ણ લોકડાઉન લાગુ કરવા સુચનો તેમજ દબાણ કરેલ. પરંતુ આપે રાજ્યના અર્થતંત્રના હિતમાં આવું પગલું લેવાનો મકકમતાથી ઇન્કાર કરી, અદ્દભુત રાજકિય પરિપકવતા અને મક્કમતાનો પરચો બતાવેલ છે તે બદલ આપને અમારા ખૂબ ખૂબ અભિનંદન છે. કોરોના મહામારી સામે લડવાનું તો છે જ સાથે સાથે અર્થવ્યવસ્થાનો પણ ખ્યાલ રાખવાનો છે તે વિષયે આપ સુજ્ઞાત છો તેવું સ્પષ્ટ પણે જણાય છે.

હવે જયારે ૧ર/પ/ર૦ર૧  ના રોજ આ મીની લોકડાઉનની અવધિ પુરી થવા જઇ રહી છે.  ત્યારે રાજ્યમાં કોરોના મહામારીનો વ્યાપ ઘટતો હોવાનું જણાય છે. તો આપ રાજયના અન્યવેપારીઓ તેમજ  overall અર્થતંત્રના હિતમાં આવશ્યક સેવાઓ સિવાયની દુકાનોને ખુલ્લી રાખવાની મંજુરી આપશો તેમજ રાત્રી સંચારબંધીની અવધિ રાત્રીના ૧૦ થી સવારના ૬ સુધી કરી આપશો એવી અપેક્ષા છે. આવા નિર્ણયથી રાજયના અનેક ધંધાર્થીઓ રાહતનો શ્વાસ લઇ શકશે.

(3:00 pm IST)