Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

આ વર્ષમાં કુલ ૧૦૦૦ BS-6 એમિશન નોર્મ્સની બસ સેવાઓ રાજ્યમાં શરૂ કરાશે :સામાન્ય-જરૂરતમંદ માનવીઓના દૈનિક યાતાયાતનું માધ્યમ એસ.ટી બસ સેવાઓને કોરોના કાળમાં પણ અસર પડવા દીધી નથી અને સતત સેવારત રાખી છે : કોરોના એ ટ્રાન્સપોર્ટ-ટુરિઝમ સેકટરને અસર પહોચાડી છે પરંતુ રાજ્ય સરકાર નફો નહિં સામાન્ય મુસાફરોની સેવા માટેના માધ્યમ તરીકે ખોટ ખાઇને પણ ‘વધુ સારી બસ-વધુ સારી સેવા’ના ધ્યેયથી એસ.ટી. બસોનું રાજ્યવ્યાપી સંચાલન કરે છે : વિજયભાઈ રૂપાણી

મુખ્યમંત્રીએ ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા પ્રથમવાર સંચાલનમાં મુકાઇ રહેલી BS-6 એમિશન નોર્મ્સ ધરાવતી ૧૦૧ બસોનું મુસાફરોની સેવામાં E-લોકાર્પણ કર્યુ : : સલામત-સસ્તી-ઝડપી અને વિશ્વસનીય પરિવહન સેવા માટે એસ.ટી. નિગમના કર્મયોગીઓને મુખ્યમંત્રીએ અભિનંદન પાઠવ્યા

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે રાજ્ય સરકારનીસહાયથી પ્રથમવાર સંચાલનમાં મુકાનાર BS-6  એમિશન નોર્મ્સ ધરાવતી 1,000 બસ પૈકી પ્રથમ ચરણની 101 બસનો ગાંધીનગરથી ઈ-લોકાર્પણ.જામનગર ખાતે  વાહન વ્યવહાર મંત્રી શ્રી આર. સી. ફળદુ, જામનગરના મેયરશ્રી બીનાબેન કોઠારી  ભરૂચ ખાતે વાહન વ્યવહાર રાજ્ય મંત્રી શ્રી ઇશ્વરસિંહ પટેલ  તેમજ ગાંધીનગર ખાતે વાહન વ્યવહાર વિભાગના ACS શ્રી કમલ દયાની, GSRTCના  MD શ્રી એસ. જે. હૈદર,  તેમજ મધ્યસ્થ કાર્યાલય-અમદાવાદ ખાતે  GSRTCના પદાધિકારીઓ- અધિકારી ઉપસ્થિત રહ્યા હતા.

ગાંધીનગર તા.૧૦,મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા રાજ્યના મુસાફરોની યાતાયાત સેવામાં પ્રથમવાર મુકાઇ રહેલી BS-6 એમિશન નોર્મ્સ ધરાવતી ૧૦૧ એસ.ટી. બસોના લોકાર્પણ કરતાં સ્પષ્ટ મત વ્યકત કર્યો કે, રાજ્ય સરકારે એસ.ટી. નિગમને નફો રળવાના નહિ પરંતુ જનસેવાના સરળ પરિવહન માધ્યમ તરીકે સેવારત રાખીને કોરોના કાળમાં પણ મુસાફર સેવાઓને અસર પડવા દીધી નથી. 

આ સંદર્ભમાં મુખ્યમંત્રીશ્રીએ એમ પણ ઉમેર્યુ કે, કોરોના સંક્રમણની સ્થિતીએ ટ્રાવેલ-ટુરિઝમ સેકટરને અસર પહોચાડી છે ત્યારે રાજ્ય સરકારના માર્ગ વાહન વ્યવહાર નિગમે પ૦ ટકા પેસેન્જર કેપેસિટી સાથે રાજ્યમાં એસ.ટી. બસોનું સંચાલન કરીને સામાન્ય માનવી જરૂરતમંદ વ્યક્તિઓને દૈનંદિની પ્રવૃત્તિઓ માટે અવરજવર – યાતાયાત પરિવહન પુરૂં પાડયું છે. 

મુખ્યમંત્રીશ્રીએ આ વર્ષના જાન્યુઆરી મહિનામાં રાજ્ય સરકાર અદ્યતન BS-6 એમિશન નોર્મ્સ ધરાવતી ૧૦૦૦ બસ સેવાઓ મુસાફરોની પ્રજાલક્ષી સેવામાં શરૂ કરશે તેવી મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી.

એસ.ટી. નિગમના સૌ કર્મયોગીઓએ કોરોના સંક્રમણની સ્થિતીમાં પણ અહનિર્શ ફરજરત રહિને આ ૧૦૦૦ બસ પૈકીના પ્રથમ લોટની ૧૦૧ BS-6 બસોનું નરોડા ખાતેના સેન્ટ્રલ વર્કશોપમાં નિર્માણ કર્યુ છે. 

મુખ્યમંત્રીશ્રીએ આ ૧૦૧ બસોને ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા પ્રસ્થાન સંકેત આપીને રાજ્યના ૧૬ એસ.ટી. ડિવીઝનના વિસ્તારોમાં મુસાફરલક્ષી સેવામાં અર્પણ કરી હતી. વાહન વ્યવહાર મંત્રી શ્રી આર.સી. ફળદું જામનગરથી તેમજ રાજ્યમંત્રી શ્રી ઇશ્વરસિંહ પટેલ ભરૂચથી વિડીયોલીંક દ્વારા આ અવસરે જોડાયા હતા. 

મુખ્યમંત્રીશ્રીએ આ બસોના ઇન હાઉસ નિર્માણ માટે કર્મયોગીઓને અભિનંદન આપતાં કહ્યું કે, મુસાફરોને સારી, સરળ અને વિશ્વસનીય પરિવહન સેવાઓ પુરી પાડીને કોરોના કાળમાં પણ તમે સૌએ યાતાયાત કામ અટકવા દીધું નથી તે પ્રસંશનીય છે. 

તેમણે એસ.ટી. નિગમના કર્મયોગીઓને કોરોના સામે રક્ષણ આપતી વેકસીન લેવાની અપિલ કરતાં એમ પણ કહ્યું કે, વેકસીનેશનથી સ્વયંની સલામતિ, ઘર પરિવારની સલામતિ અને પ્રવાસીઓનું સુરક્ષિત સલામતિ પરિવહનનું દાયિત્વ સૌ અદા કરે. 

વાહન વ્યવહાર મંત્રી શ્રી આર. સી. ફળદુએ સૌનું સ્વાગત કરતાં જણાવ્યું કે, પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ અસરકારક ટ્રાન્સપોર્ટેશનથી દેશની ગતિશીલતાને આધાર આપવાની જે નેમ રાખી છે તેમાં ગુજરાત માર્ગ વાહનવ્યવહાર નિગમ વ્યાપક સેવાઓથી પોતાનું યોગદાન આપી રહ્યું છે. 

આ પ્રસંગે વાહનવ્યવહાર અને બંદરોના અધિક મુખ્ય સચિવ શ્રી કમલ દાયાની, એસ.ટી. નિગમના એમ.ડી. શ્રી એસ. જે. હૈદર તેમજ નિગમના જનરલ મેનેજર શ્રી વાળા, સેક્રેટરી શ્રી નિર્મલ આનંદ સહિતના અધિકારીઓ પણ ઉપસ્થિત હતા. 

(1:54 pm IST)