Gujarati News

Gujarati News

News of Monday, 10th May 2021

અમદાવાદના સુપ્રસિદ્ધ શિવાનંદ આશ્રમના અધ્યક્ષ સ્વામી અધ્યાત્માનંદજી મહારાજને શ્રધ્ધાંજલિ અર્પતા SGVP ગુરુકુલના શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી

અમદાવાદ તા. ૧૦ મદાવાદના સુપ્રસિદ્ધ શિવાનંદ આશ્રમના અધ્યક્ષ સ્વામી અધ્યાત્માનંદજી મહારાજ બ્રહમલીન થતાં, SGVP શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ છારોડી ખાતે શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીના વક્તા પદે ચાલી રહેલ ઓન-લાઇન કથા પ્રસંગે, શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામી, મેમનગર ગુરુકુલ શ્રી પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી, પુરાણી ભક્તિપ્રકાશદાસજી સ્વામી, પુરાણી હરિસ્વરુપદાસજી સ્વામી વગેરે સંતો અને ગુરુકુલ પરિવારે તેમના પવિત્ર આત્માની શાંતિ માટે પ્રાર્થના સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

   આ પ્રસંગે શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીએ શ્રદ્ધાંજલિ અર્પણ કરતા જણાવ્યું હતું કે વંદનીય સ્વામી અધ્યાત્માનંદજી મહારાજ ખરેખર આધ્યાત્મિક સંત હતા. ઋષિકેશના સુપ્રસિદ્ધ શિવાનંદ આશ્રમના અધ્યક્ષ સ્વામી ચિદાનંદ મહારાજના શિષ્ય હતા.

   મહત્વની વાત તો એ કે તેઓ સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ સંત નરસિંહ મહેતાના વંશજ હતા. એમણે જીવનભર સમગ્ર વિશ્વમાં વિચરણ કરીને યોગ અને અધ્યાત્મ્યનો સંદેશ આપ્યો છે.

સામાન્ય રીતે યોગીઓ અને જ્ઞાનીઓ ભારેખમ હોય છે. પરંતુ સ્વામી અધ્યાત્માનંદજી મહારાજનું હૈયું પ્રેમથી ભરેલું હતું. એ પ્રેમને લીધે તેઓ ભારે હળવા ફુલ હતા. અમારી સાથે તેઓશ્રીનો અત્યંત પ્રેમનો નાતો હતો. તેઓ ૨૫ દિવસ SGVP ગુરુકુલની હોલિસ્ટીક હો્સ્પિટલમાં સારવાર માટે રોકાયા હતા.

   સારવાર દરમ્યાન અમારે રોજ ટેલિફોનથી સત્સંગ થતો. તેઓ દરરોજ અમારી સત્સંગ કથાનું શ્રવણ કરતા અને કથાના બીજા જ દિવસે કથાના વિષયો વિષે ચર્ચાઓ થતી.

   થોડા દિવસ પહેલા એના જન્મદિવસ પ્રસંગે અમારે તેની સાથે ઘણો સમય સુધી સત્સંગ થયેલો. ત્યારે તેમણે મને મર્મમાં કહેલ કે આ શરીરને ૭૬ વર્ષ થઇ ગયા છે. ગુરુદેવની કૃપાથી ખૂબજ સારા કાર્યો કરવામાં ગુરુએ નિમિત્ત કરેલો છે. હવે મને જિંદગીનો કોઇ મોહ રહ્યો નથી. આવતી કાલે શરીર પડી જાય તો એની મને ચિંતા નથી. આ શબ્દો આગમની એંધાણી હતી. ચૈત્રવદી ૧૧ એકાદશીની રાતે આ મહાન આત્માએ આપણી વચ્ચેથી વિદાય લીધી છે. ગુરુકુલ પરિવાર સદગત આત્માને શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે.

(12:09 pm IST)