Gujarati News

Gujarati News

News of Friday, 10th May 2019

બિહાર અંગે ચુકાદા બાદ હવે ગુજરાતના મામલા પર નજર

ગુજરાતના ફિક્સ કર્મચારીઓનો કેસ પેન્ડિંગ : બિહાર કરતા ગુજરાતનો કેસ મજબૂત હોવાનો ટીમ ફિક્સ પે ગુજરાતના સ્ટેટ કન્વીનર દ્વારા ચુકાદા બાદ દાવો કરાયો

અમદાવાદ,તા. ૧૦ :  સુપ્રીમ કોર્ટે બિહારના સાડા ત્રણ લાખ કોન્ટ્રાક્ટ પરના શિક્ષકોને આંચકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે પટના હાઈકોર્ટના શિક્ષકોને સમાન કામના બદલે સમાન વેતન આપવાના નિર્ણયને ફગાવી દીધો છે. આ ચુકાદા બાદ હવે ગુજરાતના ફિક્સ પેના કર્મીઓના ચુકાદા પર સૌકોઇની નજર મંડાઇ છે. કારણ કે, ગુજરાત રાજયમાં વિદ્યાસહાયક, શિક્ષણ સહાયક, વનસહાયક સહિત પાંચ લાખથી વધુ ફિકસ કર્મચારીઓ છે અને તેમને સમાન કામ, સમાન વેતનના સિધ્ધાંત પર ગુજરાત હાઇકોર્ટે આપેલા ચુકાદા સામે રાજય સરકારે કરેલી પિટિશનનો મામલો સુપ્રીમકોર્ટમાં પડતર છે. જો કે, બિહારના ફિકસ કર્મીઓ કરતાં ગુજરાતના ફિક્સ કર્મચારીઓનો કેસ વધુ મજબૂત હોવાથી કંઇ વાંધો નહી આવે તેવો દાવો ટીમ ફિક્સ પે ગુજરાત સ્ટેટના કન્વીનર દ્વારા કરવામાં આવ્યો હતો. જો કે, બિહારના ફિક્સ કર્મીઓના કેસમાં સુપ્રીમકોર્ટે આપેલા ચુકાદા બાદ હાલ તો ગુજરાતના ફિક્સ કર્મીઓના શ્વાસ જાણે અધ્ધર થઇ ગયા છે.

   આ અંગે ટીમ ફિક્સ પે ગુજરાતના સ્ટેટ કન્વીનર રાકેશ કંથારીયાએ જણાવ્યું હતું કે, ત્રણ મહિના પહેલાની સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારના એટોર્ની જનરલ કે.કે.વેણુગોપાલે સુપ્રીમકોર્ટમાં રજૂઆત કરી હતી કે, આવો સમાન પ્રકારનો જ બિહારનો કેસ છે. બિહારના આ ચુકાદાનો અભ્યાસ કરી આગળની કાર્યવાહી કરાશે. રાકેશ કંથારિયાએ વધુમાં કહ્યું કે, બિહારના ચુકાદા બાદ ગુજરાતના કેસની સુનાવણી થશે. પરંતુ બિહારના કેસમાં જે નિર્ણય લેવાયો હોય તેનાથી વધુ સરકાર કંઈ આપી શકશે નહીં. જો કે બિહાર કરતા ગુજરાતનો કેસ મજબૂત છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ વર્ષ ૨૦૧૨માં ગુજરાત હાઈકોર્ટ દ્વારા રાજ્ય સરકારની ફિક્સ વેતન યોજનાને ગેરબંધારણીય હોવાનું ટાંકી ફિક્સ પેના તમામ કર્મચારીઓને છઠ્ઠા પગારપંચ મુજબનું લઘુતમ વેતન અને મળવાપાત્ર લાભ આપવાનો અતિ મહત્વનો ચુકાદો આપવામાં આવ્યો હતો. તે સમયે હાઇકોર્ટના કાર્યકારી મુખ્ય ન્યાયમૂર્તિ ભાસ્કર ભટ્ટાચાર્ય અને ન્યાયમૂર્તિ જે.બી. પારડીવાલાની ખંડપીઠે ચુકાદામાં નોંધ્યું હતું કે, રાજ્ય સરકારની ફિક્સ પેની સ્કીમ સમાન કામ- સમાન વેતનના પ્રસ્થાપિત સિધ્ધાંતનો ભંગ કરતી યોજના છે. ફિક્સ કર્મીઓ તરફથી હાઇકોર્ટમાં કરાયેલી જાહેરહિતની રિટમાં એવી રજૂઆત કરાઇ હતી કે, ફિક્સ પગારથી રાખવામાં આવેલા કર્મચારીઓને રેગ્યુલર કર્મચારી તરીકે ગણી અને ભરતી સમયથી પૂરો પગાર ચૂકવી તમામને છઠ્ઠા પગારપંચનો લાભ આપવામાં આવે. તે ઉપરાંત જ્યારથી નોકરી શરૂ કરી હોય ત્યારથી તેમને રેગ્યુલર કર્મચારી ગણીને અન્ય લાભ અને તે પ્રમાણેનું એરિયર્સ પણ ચૂકવવામાં આવે તથા નિવૃત્તિના લાભ પણ આપવામાં આવે. જેને ધ્યાનમાં લીધા બાદ હાઇકોર્ટે ફિક્સ કર્મચારીઓ માટે બહુ રાહતકર્તા મહત્વનો ચુકાદો આપ્યો હતો.

 જો કે, આ ચુકાદાથી નારાજ રાજય સરકારે હાઇકોર્ટના ચુકાદાને સુપ્રીમકોર્ટમાં પડકાર્યો હતો, જે મામલો હજુ પણ સુપ્રીમકોર્ટમાં પડતર છે.

(8:15 pm IST)